સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યભરમાં ભારતીય જનતા પક્ષનો સપાટો બોલ્યો અને હાલારની ૬ માંથી પ નગરપાલિકા ભાજપે જીતી લીધી, તેથી સ્વાભાવિક રીતે જ ભાજપમાં ઉત્સાહનો માહોલ છે, તો બીજી તરફ આટલી ઝળહળતી સફળતા મળ્યા પછી રાષ્ટ્રીય નેતાગીરીએ પણ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. આ ઘટનાક્રમની સાથે જ પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલે જે સંકેતો આપ્યા છે, તે જોતા ટૂંક સમયમાં તેના સ્થાને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ નિમાશે, તે નક્કી છે, પરંતુ તે કોણ હશે? તે અંગે તો માત્ર અટકળો જ કરવી રહી.
'સોનાની થાળીમાં લોઢાની મેખ'ની કહેવતની જેમ ભાજપ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા અને પોરબંદર જિલ્લાની કુતિયાણા-રાણાવાવ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પક્ષને જબરો ઝટકો પણ લાગ્યો છે. સલાયામાં કોંગ્રેસનો પંજો પડ્યો, અને વિપક્ષમાં પણ આમ આદમી પાર્ટીને જનાદેશ મળ્યો. એટલું જ નહીં, ભાજપને એક પણ બેઠક મળી નહીં, તેથી હાલારમાં અન્યત્ર ભાજપને થયેલી સફળતા ઝંખવાઈ ગઈ અને ચંદ્રમામાં દેખાતા ડાઘની જેમ આ નગરપાલિકા રાજ્યવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બની ગઈ, તેના કારણો પણ 'ઓપન સિક્રેટ' જ છે ને? કેટલાક સ્થળે વિપક્ષની આ સફળતાની ઉજવણી બુલડોઝર અને જેસીબીમાં (જોખમી ઢબે) ચડીને કરાઈ, તે શું સૂચવે છે?... સમજદાર કો ઈશારા બહોત...
આ વખતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલીક બેઠકો બસપાને પણ મળી છે, જ્યારે દિલ્હીમાં પછડાટ પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મળેલી કેટલીક બેઠકોના કારણે થોડી રાહત તે પાર્ટીને પણ થઈ જ હશે, પરંતુ ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં ફાવી ગયેલા પ્રાદેશિક પક્ષોના કારણે વિપક્ષની હાજરી તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રહેશે, તેવું માનીને ઘણાં લોકો મન પણ મનાવી રહ્યા છે.
જો કે, સૌરાષ્ટ્રમાં સાયકલ દોડી અને કુતિયાણા-રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને સત્તા મળી, તેથી કોંગ્રેસ પણ ખુશ હશે. સલાયા અને કુતિયાણા-રાણાવાવમાં ભાજપને લાગેલો જબરો ઝટકો આજે સૌથી વધુ ચર્ચામાં છે, અને આ સફળતાઓની પાછળ કાંધલ જાડેજા તથા વિક્રમભાઈ માડમની રણનીતિ કામ કરી ગઈ હોવાની ચર્ચા પણ ન્યૂઝ ચેનલો તથા મીડિયામાં થઈ રહી છે.
એવું કહેવાય છે કે કુતિયાણા અને રાણાવાવની સફળતા માટે કાનાભાઈ જાડેજાએ પોતાના મોટાભાઈ કાંધલ જાડેજાને યશ આપ્યો છે, તે નક્કર હકીકત છે. અખિલેશ યાદવ કે સમાજવાદી પાર્ટીને નહીં પણ આ નગરોમાં વ્યક્તિગત રીતે કાંધલ જાડેજા જ જીત્યા છે, અને તેની આ લોકપ્રિયતાના કારણો પણ અલગથી ચર્ચાઈ રહ્યા છે, અને આ સફળતાને કેટલાક વિશ્લેષકો ભાજપની લાંબાગાળાની ચતૂરાઈભરી રણનીતિ પણ ગણાવી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં ભાજપે ૩૦ માંથી ર૬ નગરપાલિકામાં વિજયનો વાવટો ફરકાવ્યો, પરંતુ જ્યાં પરાજય થયો, ત્યાં હારી જવાના કારણોનું ભાજપ પોસ્ટમોર્ટમ કરશે, એવું પણ બની શકે કે કોંગ્રેસે કેટલાક સ્થળે સબળ અપક્ષો તથા સાથીદાર વિપક્ષના ઉમેદવારોને જીતાડ્યા. ગુપ્ત સમજુતિ કરી હોય, તેવી જ રીતે ભાજપે પણ કુતિયાણા-રાણાવાવમાં લાંબાગાળાની રણનીતિના ભાગરૂપે 'મોટું મન' રાખ્યું હોય!
કેટલાક જમીની તજજ્ઞો-વિચારકોના મંતવ્યો એવા પણ છે કે પોરબંદરની લોકસભા બેઠક મટે ભાજપ પાસે કોઈ સ્થાનિક સક્ષમ નેતા નહીં હોવાથી પડોશી જિલ્લાઓ કે અન્ય સ્થળેથી આયાતી ઉમેદવારો મૂકવા પડે છે. આ સમસ્યા દૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂર કરવા સ્થાનિક કક્ષાએ 'દિગ્ગજ' અને લોકપ્રિય ચહેરો સ્થાપિત કરવાના આશયથી ભાજપના ચાણક્ય નેતાએ કોઈ ઊંડી રણનીતિ ઘડી હોય, આવું તારણ કાઢવા પાછળનો તર્ક એવો રજૂ થઈ રહ્યો છે કે કાંધલ જાડેજાએ એનસીપીના ધારાસભ્ય હોવા છતાં ભાજપ તરફી ઝોક રાખ્યો છે, તેથી સમાજવાદી પાર્ટીના નિશાન પર કાંધલ જાડેજાને સપોર્ટ કરીને તથા તેના ભાઈને સુધરાઈ કક્ષાનું પ્લેટફોર્મ આપીને ભાજપે બાબુભાઈ બોખિરિયા તથા અર્જુનભાઈ મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓને પરોક્ષ રીતે કોઈ 'સંદેશ' પણ આપ્યો હોઈ શકે છે. ગઈકાલે પરિણામો પછી કાંધલ જાડેજાનું કથિત ભાજપ તરફી નિવેદન પણ ચર્ચામાં જ છે ને?
સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો પ્રચંડ વિજય થયો હોવા છતાં સૌથી વધુ ચર્ચા સલાયા, રાણાવાવ અને કુતિયાણાની થઈ રહી છે, જ્યારે જામજોધપુરમાં ત્રિપાંખિયા જંગમાં આમ આદમી પાર્ટીને ફાયદો થશે, તેવી અટકળો પણ ખોટી પડી છે. એકંદરે આ તે વખતે જનતાએ ક્યાં કોને જીતાડવા, ક્યાં કોને હરાવવા અને ક્યાં કોને પછાડવા (અને એક પણ બેઠક ન જીતવા દેવી) તે અંગે પહેલેથી જ મન બનાવી લીધું હતું, તેમ નથી લાગતું?
હવે વિજયના મદમાં કે સત્તાના ઘમંડમાં રાચવા બદલે મળેલા જનાદેશ મુજબ જ્યાં જેને જનાદેશ મળ્યો છે, તે પક્ષો અને ઉમેદવારોએ સક્રિય અને લોકલક્ષી અભિગમ સાથે લાગી જવું જ પડશે, કારણ કે જો છેતરાયા હોવાની અનુભૂતિ થશે, તો મતદારો આગામી વિધાનસભાની ચૂંટણીમાં 'મન' અને 'મત' બન્ને બદલી નાંખશે... સાવધાન!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial