આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું વર્ષ ર૦રપ-ર૬ નું અંદાજપત્ર રજૂ થયું. તે પહેલા ગઈકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રવચન સાથે બજેટ સત્રનો પ્રારંભ થયો હતો, અને તે સમયે કોંગ્રેસના ધારાસભ્યોએ પરિસરમાં જ સરકાર વિરોધી દેખાવો કર્યા હતાં. આજે રાજ્ય સરકારના બજેટના પ્રત્યાઘાતો આવવાના શરૂ થાય, તે પહેલા જ કેટલાક અંદાજો તથા ધારણાઓ પણ બહાર આવી હતી, 'હવે શું?'
આ પહેલા ગઈકાલે જામનગર મહાનગરપાલિકાનું બજેટ મંજુર થયું અને તેમાં જામનગરની જનતા પર લગભગ સાડાચાર કરોડ જેવો કરબોજ વધારી દેવામાં આવ્યો, તેના પણ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
જામ્યુકોના વર્ષ ર૦રપ-ર૬ ના રૂ. ૧૮૧૯ કરોડ જેટલી રકમના બજેટમાં રૂ. ૧પર૬ કરોડનો ખર્ચ સૂચવાયો છે, અને વોટર ચાર્જ, કચરા કલેક્શન કર તથા ટાઉનહોલના ભાડામાં વધારો કરીને નગરજનો પર રૂપિયા સવાસાત કરોડનો નવો કરબોજ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જનરલ બોર્ડમાં નવું સ્મશાન, સુભાષ માર્કેટ મરામત, શ્વાનનું ખસિકરણ, રખડતા ઢોર, વરસાદી પાણીના વોંકળા, રમતગમતનું મેદાન, જન્મ-મરણના દાખલા, એનિમલ હોસ્પિટલ, તળાવ-બગીચાઓમાં ફ્રી એન્ટ્રી વગેરે મુદ્દે વિપક્ષના કોર્પોરેટરોએ તડાપીટ બોલાવી હતી, અને મનપાના તંત્ર દ્વારા કેટલાક જવાબો અપાયા હતાં, પણ 'હવે શું?'
આજે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું છે, તેના પર વિધાનસભામાં વ્યાપક ચર્ચા-પરામર્શ થશે. વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પર પણ ચર્ચા થશે, અને બજેટની પૂરક માંગણીઓ માટે પણ વિધાનસભાની બે બેઠકો યોજાશે. બજેટ સત્રની ૧ર બેઠકોમાં બજેટ પર ચર્ચા અને મતદાન પછી વર્ષ ર૦રપ-ર૬ ના બજેટને આખરી ઓપ મળશે, અને આ અંદાજપત્ર વર્ષ ર૦રપ-ર૬ ના પ્રારંભે પહેલી એપ્રિલ ર૦રપ થી લાગુ થશે. આજે રજૂ થયેલું અંદાજપત્ર આપણી સામે જ છે. વર્ષ ર૦ર૪-રપ માં રૂ. ૩.૩ર લાખ કરોડનું બજેટ રજૂ થયું અને કોઈ નવા કરવેરા નાંખ્યા નહોતાં. આજે બજેટ રજૂ થયા પછી પણ એવો સવાલ ગૂંજી રહ્યો હતો કે 'હવે શું?'
ગઈકાલે વિધાનસભાના બજેટસત્રને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાબેતામુજબ રાજ્ય સરકારની પ્રશંસા કરી અને સિદ્ધિઓ વર્ણવી. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ માટેના 'જ્ઞાન' સૂત્રનો ઉલ્લેખ કરીને રાજ્યપાલે વર્ષ ર૦ર૭ સુધીમાં વિકસિત ગુજરાતનો રોડમેપ રજૂ કર્યો હતો. તે ઉપરાંત રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટાસ્કફોર્સની રચના, વિકાસ પ્રોજેક્ટો, સુશાસન દિવસ, ટેકનોલોજી ડ્રિવન ગવર્નન્સ અને સામાજિક-આર્થિક વિકાસની ગતિશીલતા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
સામાન્ય રીતે રાજ્યપાલની સ્પીચ રાજ્ય સરકારના તંત્ર દ્વારા તૈયાર થતી હોય, કે તંત્રે આપેલા ડેટા આધારિત હોવાથી તેમાં રાજ્યનું ફૂલગુલાબી ચિત્ર રજૂ થાય, તે સ્વાભાવિક છે અને તેમાં ઓફિશ્યલ ડેટાનો આધાર લેવાતો હોવાથી કેટલીક તથ્યપૂર્ણ હકીકતો પણ સામેલ હોય છે, પરંતુ કેન્દ્રિય નીતિ આયોગના તાજેતરના એક રિપોર્ટે કેટલીક બાબતોમાં થયેલા મોટા મોટા દાવાઓની પોલ પણ ખોલી નાંખી છે.
કેન્દ્રિય નીતિ આયોગે વર્ષ ર૦ર૩ ના ડેટા પર આધારિત તાજેતરમાં જ જાહેર કરેલા ફિસ્કલ હેલ્થ ઈન્ડેક્સ-ર૦ર૪ ના રિપોર્ટ મુજબ ગુજરાત એક અંક પાછળ ધકેલાયું છે, અને નાણાકીય વ્યવસ્થાપનની દૃષ્ટિએ ગુજરાતનો સ્કોર બે ટકા જેટલો ઘટ્યો છે, અને ગુજરાત દેશના ૧૮ મોટા રાજ્યોમાં પાંચમા નંબરે હતું, તેમાંથી છઠ્ઠા ક્રમે ધકેલાયું છે. બજેટ ટાણે જ બહાર આવેલી આ હકીકત રાજ્યની કથળેલી અર્થવ્યવસ્થા દર્શાવે છે. વર્ષ ર૦૧૪-૧પ થી વર્ષ ર૦૧૮-૧૯ ના સમયગાળાની તુલનામાં વર્ષ ર૦૧૪-૧પ થી વર્ષ ર૦ર૧-રર ના સમયગાળામાં ગુજરાતનો રેન્ક ઘટ્યો હતો, પરંતુ વર્ષ ર૦રર માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછીનો તુલનાત્મક રેન્ક હવે વર્ષ ર૦ર૬-ર૭ માં નક્કી થશે, પરંતુ અત્યારે ગુજરાતની પીછેહઠ દર્શાવાઈ રહી હોવાથી એવો સવાલ ઊઠે છે કે હવે શું?
કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટમાં મધ્યમવર્ગ તથા નોકરિયાતોને ફાયદો થયો, પરંતુ ટ્રમ્પે રોન કાઢી અને કહી દીધું કે ભારત પૈસાવાળું છે, તેને સહાયની જરૂર જ નથી. તેમણે ટેરિફ તથા ગેરકાયદે રહેતા ભારતીયોની અપમાનજનક હકાલપટ્ટીના મુદ્દે પણ ભારત માટે કોઈ પ્રકારનું કુણુ વલણ અપનાવ્યું નથી, તેથી સવાલો ઊઠ્યા છે અને ભારતની વિદેશનીતિની આલોચના પણ થવા લાગી છે, તેથી સવાલ ઊઠે છે કે, હવે શું?
દિલ્હીની જનતાએ તો ભાજપને જનાદેશ આપ્યો, પરંતુ મુખ્યમંત્રી નક્કી કરતા ભાજપને વાર લાગી અને તેની ટીકા પણ થઈ. હવે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાએ શપથ લીધા પછી તેની સામે પડકારો વધવાના છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાં હતાશા છે, અને કોંગ્રેસ પણ કેજરીવાલની વિદાયથી ખુશ છે, પરંતુ દિલ્હી ભાજપમાં બધું બરાબર નહીં હોવાના અહેવાલો વચ્ચે દિલ્હીમાં એલ.જી. (લેફટનન્ટ ગવર્નર) ની મનમાની ચાલશે કે નહીં તેવા સવાલો ઊઠ્યા છે, તેથી દિલ્હીમાં ત્રિપાંખિયો જંગ ખેલેલા ત્રણેય રાજકીય પક્ષોમાં પણ 'હવે શું થશે?' એવો સવાલ જ ગૂંજી રહ્યો છે. ટૂંકમાં દ્વારકાથી દિલ્હી સુધી અને નગરથી નેશન સુધી રાજકીય હલચલ વચ્ચે બજેટની મોસમ છે, ત્યારે જ ચોતરફ એક જ સવાલ ગૂંજી રહ્યો છે કે, 'હવે શું?...'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial