ગઈકાલે ગુજરાતનું વર્ષ ર૦રપ-ર૬ નું જે બજેટ રજૂ થયું, તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. શાસક પક્ષ બજેટના વખાણ કરે અને વિપક્ષ ખામીઓ વર્ણવે, તે તો સ્વાભાવિક ગણાય, પરંતુ તટસ્થ વિવેચકો, વિશ્લેષકો તથા જુદા જુદા ક્ષેત્રોના તજજ્ઞો-તદ્વિષયક નિષ્ણાતો દ્વારા તર્કબદ્ધ રીતે બજેટની ખૂબીઓ અને ખામીઓ વર્ણવવામાં આવે, તે વધુ વિશ્વસનિય તથા વિચારપાત્ર ગણાય, ખરૃં કે નહીં.?
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે રૂ. ૩.૭૦ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, તેમાં રાજ્યની જનતાને શું લાભ થયો અને વ્યાપાર-ઉદ્યોગને આ બજેટની કેવી અસરો થશે તે અંગે પડી રહેલા મુખ્ય પ્રત્યાઘાતો જોઈએ તો નાણામંત્રીએ ઉદ્યોગ-વ્યાપાર કે આમ જનતાને સીધો ફાયદો થાય, તેવી બહુ જોગવાઈઓ કરી નથી, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો તથા સ્ટેમ્પ ડ્યુટીમાં સુધારા-વધારા અને કેટલીક નગરપાલિકાના અપગ્રેડેશનની જાહેરાતોને આવકાર પણ મળી રહ્યો છે.
આમ તો જીએસટી અમલી બન્યા પછી રાજ્ય સરકારો (કેન્દ્ર સરકાર) પાસે કરવેરાના ધારાધોરણો નક્કી કરવાના મહત્તમ વિષયો રહ્યા જ નહીં, પરંતુ જીએસટીમાં સમાવિષ્ટ ન થયા હોય, તેવા કરવેરા તથા ચાર્જીસ ઉપરાંત લોક-સુવિધાના કામો, જનકલ્યાણની યોજનાઓ અને નીતિવિષયક બાબતોમાં રાજ્યના બજેટની જનજીવન તથા માર્કેટ પર પ્રત્યક્ષ તથા પરોક્ષ અસરો પડતી જ હોય છે, તે ઉપરાંત રાજ્ય સરકારનું બજેટ ઘણી વખત રાજકીય રીતે શાસક પક્ષને પણ લાભદાયક બનતું હોય છે, તે ઓપન સિક્રેટ જ છે ને?
સામાન્ય રીતે બજેટ આખા રાજ્યનો સમતોલ વિકાસ થાય, તમામ વર્ગો, પ્રદેશો તથા વયજુથોને સમાન ધોરણે ફાયદો થાય તથા ખૂટતી સુવિધાઓની પૂર્તિ થાય અને વિકાસની ગતિ વધુ વેગીલી બને તેવા કોન્સેપ્ટ સાથે રજૂ થતું હોય છે, પરંતુ ઘણી વખત આગામી ચૂંટણીઓમાં લાભ થાય, તે પ્રકારના ગણિત માંડીને પણ બજેટમાં કેટલીક જોગવાઈઓ થતી હોય છે, ખરૃં કે નહીં?
બજેટ રજૂ થાય, એટલે આપણાં વિસ્તારને તેમાંથી શું શું મળ્યું છે, તેની ચર્ચા પણ થતી જ હોય છે. કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા બજેટમાં રાજ્યની ૬૯ નગરપાલિકાઓના અપગ્રેડેશનની જોગવાઈ કરવામાં આવી છે, તેમાં ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકાઓનો સમાવેશ કરાયો છે. બજેટમાં રૂ. ૯૩ હજાર કરોડથી વધુના ખર્ચે ૧૧૧૦ કિલોમીટરના જે નવા એક્સ્પ્રેસ-વે બનવાની જોગવાઈ છે, તેમાં ર૧૦ કિલોમીટરના રાજકોટ-દ્વારકા લીંક એક્સપ્રેસ-વે માટે રૂ. ૧૭ હજાર કરોડથી વધુની મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત ટુરિઝમ તથા કૃષિ-સિંચાઈને લગતી કેટલીક જોગવાઈઓ તથા નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે ૩૪૦૦ કરોડની જોગવાઈનો પરોક્ષ ફાયદો હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રને થવાનો છે. તે ઉપરાંત મત્સ્યોદ્યોગ વિકાસના ક્ષેત્રે રૂ. ૧૬રર કરોડની જોગવાઈનો ફાયદો પણ જે માછીમારોને થશે, જેમાં મહત્તમ માછીમારો હાલાર સહિત સૌરાષ્ટ્રના હશે.
જો કે, વિપક્ષોએ ગુજરાતના બજેટથી સામાન્ય જનતા કે ઉદ્યોગ-વ્યાપારને કોઈ લાભ થવાનો નથી, તેમ જણાવીને કનુભાઈ દેસાઈના બજેટને દિશાહીન અને નિરાશાજનક ગણાવ્યું છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણીલક્ષી ગણતરીઓ રાખીને આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની સરકારે તત્પરતા દેખાડી છે, અને શહેરી વિસ્તારો માટે ૪૦ ટકા વધુ ફાળવણી કરાઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોને અન્યાય કરાયો છે. મોટી મોટી વાતો કર્યા પછી સ્ટાર્ટ-અપ માટે અપેક્ષા મુજબની જોગવાઈ કરાઈ નથી. સેમિકન્ડક્ટરના સેમિનારો યોજાય, તેમાં મોટા મોટા ભાષણો અને દાવાઓ કરવામાં આવે, પરંતુ બજેટમાં સેમિકન્ડક્ટરને રાજ્ય કક્ષાએ પ્રોત્સાહન મળે તેવી કોઈ જોગવાઈ કરાઈ નથી. ટેક્સટાઈલ ઉદ્યોગ અને ફાર્મા સેક્ટરને પણ આ બજેટમાંથી નિરાશા જ હાથ લાગી છે, વગેરે...
જો કે, કેટલીક જોગવાઈઓને લોકોનો આવકાર પણ મળી રહ્યો છે. જેમાં પ્રાકૃતિક ખેતી માટે રૂ. ૪૦૦ કરોડ, આવાસ યોજનાના લાભાર્થીને રૂ. પ૦ હજાર જેટલી વધુ સહાયની જોગવાઈ, કૃષિ યંત્રો માટે રૂ. ૧પ૦૦ કરોડની જોગવાઈ, નવી સખી સહાય યોજના, ચાર ડિવિઝનમાં એ.આઈ હબ, બાળપોષણની જોગવાઈમાં વધારો, ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના, રૂ. પ૦ હજાર કરોડનું 'વિકસિત ગુજરાત' ફંડ, પાંચ રિજિયોનલ ગ્રોથ હબ, બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે તથા ડઝનેક હાઈ-સ્પીડ કોરિડોર તથા કેટલાક ટુરિઝમ ડેવલ્પમેન્ટ પ્રોજેક્ટોની જાહેરાતોને લઈને એકંદરે પોઝિટિવ પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે.
બીજી તરફ માતૃભાષા દિનની ઉજવણીની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષાના ઉપયોગને લઈને માંગણી વધુ તીવ્ર બની રહી છે, અને વકીલો દ્વારા ધરણાં જેવા કાર્યક્રમો અપાઈ રહ્યા છે, ત્યારે આ જટિલ મુદ્દે ઉભય પક્ષે વ્યવહારૂ ઉકેલ લાવવાના પ્રયાસો થાય, તેવું ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial