ગઈકાલે મેં ઘરનાને કહ્યું કે મને સાંજે સાત વાગ્યા પછી બોલાવશો નહીં.
પત્નીએ કહ્યું કે કેમ એક કલાક વહેલા રોજ તો આઠ વાગે બેસો છો અને પૂછું તો ઈંગ્લીશમાં જવાબ પણ આપો છો.
ઊંઘતા ઝડપાયાની લાગણી થઈ.
મેં કહ્યું ૭ વાગ્યાથી મહિલા ક્રિકેટ આઈપીએલ ચાલુ થાય છે તે જોઈ અને મારે લેખ લખવાનો છે.
મને કહે અમારી સોસાયટીની ટીમની વાત કરૃં હાસ્ય નવલકથા લખાઈ જશે.
હમણાં હમણાં મારી ઘરવાળીની ટીમ ક્રિકેટ જોતા શીખી છે અને તેમાં પણ ઇન્ડિયન ટીમ તેમના પત્નીઓ સાથે રમવા જાય ત્યારે મહેણા ટોણા પણ મારે તે જુઓ શીખો તમે પ્રોગ્રામ કરવા જાઓ છો ત્યારે સાથે લઈ જાઓ છો?
હમણાં આપણી મહિલા ટીમ જીતીને આવી તેની પાછળનું મુખ્ય મનોવૈજ્ઞાનિક કારણ ચુનિયાને ખબર છે. છેલ્લે જાહેરમાં તેણે આ કારણ જણાવેલું ત્યારપછી ચાર મહિના અદૃશ્ય રહ્યો. જો કે હવે તબિયત સારી છે અને પત્ની પણ ઘરની બહાર તેને નીકળવા દે છે એટલે ચિંતા નથી. ચુનિયાના કહેવા પ્રમાણે મહિલાઓ કશું જ જતું કરવાની ભાવના ધરાવતી નથી. એટલે સ્વાભાવિક રીતે જ કોઈ પણ 'કપ' હોય તે જતો તો ન જ કરે. ઘરે પણ એક કપ ચા મૂકી હોય તો દેરાણી-જેઠાણી વચ્ચે એક કોણ પીવે એમાં ધીંગાણું થઈ જતું હોય તો આ તો પારકા પાસેથી લઈને આવવાનું હોય તો કપનું નાકુ પણ ન મૂકે. મહિલા ક્રિકેટની ઉત્પત્તિ આમ જુઓ તો બહુ રસપ્રદ રીતે થઈ છે. સીધેસીધા જો નિયમો સમજાવવામાં આવે તો કોઇ મહિલા એ નિયમોને અનુસરે નહીં એટલે તેમને પાથીએ પાથીએ તેલ નાખવા તેમની રીતે નિયમો સમજાવવા પડે. ૧૧ જણાની ટીમ છે કેમ પહેલેથી જ કહો અને એમ કહો કે ચાર જણા એક્સ્ટ્રા ૧૫ જણાને જવાનું હોય છે તો કચકચ વધી જાય. એના કરતાં એમ કહો કે સંયુક્ત કુટુંબની રીતે ૧૫ જણા છો તો તરત જ તેનો વિરોધ થાય કે ના ના આટલા બધા એકસાથે નહીં રહી શકાય. પણ પછી એમ કયો કે, 'અચ્છા તો તમારી લાગણીને માન આપી અને ચાર જણા બહાર બેસાડીશું' કે તરત જ રાજી થઇ અને ૧૧ની ટીમ સ્વીકારી લેશે. અગિયારે અગિયાર તમે બહેનો છો અને સામે સાસુની ટીમ છે. એટલે સંપીને રહી વિરોધ કરો એવું કહો તો તમારી ટીમનું સંઘબળ પણ સરસ રહે અને સામેવાળી ટીમના ટાંટિયા તોડી નાંખવા સુધીની તૈયારી તેઓ કરી લે. પુરૂષ ક્રિકેટ ટીમ હોય તો તમારે સ્લેજિંગ શીખવું પડે પરંતુ મહિલા ક્રિકેટ ટીમમાં તમારે મેણા-ટોણા મારવાના છે એટલું જ કહેવાનું પછી તમે જુઓ સામસામે આવી વીખોડીયા ભરી લે ત્યાં સુધી સ્લેજિંગ ચાલુ રહે. કેપ્ટન બનાવવાની વાત આવે ત્યારે શરૂઆતમાં તો બધાને કેપ્ટન થવું પણ જેવી વાત તમે રજૂ કરો કે જે બહેનો ઝડપથી ઉંમરવાન થાય છે તેને કેપ્ટન બનાવવામાં આવશે તો કોઈ કેપ્ટન બનવા આગળ નહીં આવે. અને તમારે જેને કેપ્ટન બનાવવા હોય એને તમે બનાવી શકો. જે મેદાનમાં ધોકાવાળી નથી કરતાં તેને ઘરે કપડાં ઉપર ધોકા મારવા પડશે બસ મેદાનમાં સામે વાળાને ધમારી નાંખે. મહિલા ક્રિકેટને આપણો દેશ કેમ આટલો સપોર્ટ નથી કરતો તેનું પણ એક કારણ ચુનિયો શોધી લાવ્યો છે કે ભારતની બહાર જવામાં આપણે જેમ ભાઈઓની ટીમ જાય તો ફિઝિયોથેરાપિસ્ટ અને બીજા લોકો સાથે જાય છે તેમ બહેનોની ટીમમાં પણ એટલા તો હોય જ એ ઉપરાંત મેકઅપવાળા પણ સાથે લઈ જવા પડે છે. અને સ્ટાર લેડી બેટ્સમેન કે કેપ્ટન માટે અલગ મેકઅપની વ્યવસ્થા કરવી પડે છે. એટલે ઘણીવાર ૧૫ જણાની ટીમની સાથે ૫-૬ તો બીજા મેકઅપવાળા ઉમેરાય છે. ઉપરા ઉપર વિકેટ પડી હોય અને જો મહિલા ખેલાડી આઉટ થઈ અને બહાર નીકળે અને બીજી ખેલાડી અંદર ન જાય તો સમજી લેવું કે હજી આઇબ્રો બાકી છે એટલે આ મેદાનમાં રમવા નથી ગઈ. મહિલા ક્રિકેટના કેપ્ટન બનવા માટે પણ ઘણી કસોટીઓ હોય છે. જેનું ઘરમાં ખૂબ ચાલતું હોય, ધણી ઉપર સંપૂર્ણ ધાક હોય, સાસુ થર થર ધ્રુજતી હોય, દેરાણી હોય કે જેઠાણી કે નણંદ પણ વહુને જોઈ અને ગલીમાં ફંટાઈ જતી હોય તો તેવા લોકોને કેપ્ટનશીપ માટે વધારે પસંદ કરવામાં આવે છે. જે મહિલામાં શાંતિથી કૂથલી કરવાની આવડત હોય તેને વિકેટકીપર બનાવવામાં આવે તો તે વધારે સફળ રહે છે. કારણ કે તે આગળ ખબર ન પડે તે રીતે ચકલા ઉડાડી દે સાવ સાદી ભાષામાં કહીએ તો છાની સોય હોય તે વિકેટ કીપર.
અમારા રાજકોટની મહિલા ટીમે તો હાહાકાર મચાવેલો મે પર્ફોમન્સ માટે મારા અતિથિવિશેષ પદે તેમની કાબેલિયતને ખૂબ દાદ આપી પણ પછીથી મને ખબર પડી કે કોઈ રેકોર્ડ સાથે કોઈને કાંઈ લેવાદેવા નથી. પરંતુ જ્યારે મેચ હોય ત્યારે આયોજકોમાં રાજકોટના જે ટીમ મેનેજર હોય કે દરેક ચોગ્ગાએ એક લિપસ્ટિક અને દરેક સિક્સરએ એક મેકઅપ કીટની જાહેરાત કરે એટલે સામેવાળી ટીમનું આવી બન્યું. રાજકોટની ટીમ છે એ સૌથી વધારે લિપસ્ટિક અને મેકઅપ બોક્સ ભેગા કરવામાં પડ્યું હોય. વિકેટ લેવામાં પણ સૌથી વધારે ક્લીન બોલ્ડ કરેલા હોય કારણકે કોઈ પણ એક દાંડિયો ઉડાડો એટલે સામે બે દિવસનું ફેમિલી ટિફિન ફ્રી આવી સ્કીમ રાખવામાં આવે એટલે આખા વર્ષમાં જેટલા દિવસ રસોઈ બનાવવા માંથી રાહત મળે એ માટે થઈ અને દાંડિયા ઉલાળે. કુવારી છોકરીઓને ખાલી એટલું જ સમજાવવાનું રહે કે ક્રિકેટમાં તમે સારૃં પરફોર્મન્સ કરશો તો એ પર્ફોર્મન્સ ઉપરથી કોઈ સારો ઉદ્યોગપતિ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો હીરો તમારી ઉપર મોહી પડે અને તમારા લગ્ન થઈ જાય તો આખી જિંદગી કશું જ કરવાનું ન રહે બનીઠની અને હરી-ફરી શકો. મારા ધ્યાનમાં પણ એક કુટુંબ છે જેની દીકરી ક્રિકેટ રમે છે. હવે તો લગ્ન થઈ ગયા પરંતુ સાસરામાં પણ કાંઇ કારણ વગર બેટ લઈને ફરે છે. સાસરિયાઓ બિચારા કાંઈ પણ કામ ચીંધી શકતા નથી. અને એ જે કરે તેમાં કશું બોલી શકતા નથી. નથી ને ક્યાંક પ્રેક્ટિસના બહાને વગાડી દે તો ક્યાં જાવું? પુરૂષોની ટીમ જો હારી જાય તો બહુ તો ડ્રેસિંગ રૂમમાં જઈ અને વીલા મોઢે અડધી કલાક બેસી જાય ત્યારપછી એયને બિયર પાર્ટી થઈ જાય એટલે પાછા રિલેક્સ. મહિલાઓમાં એવું નથી થતું રોવાધોવાનું દોઢ દિવસ સુધી ચાલે. મહિલા ક્રિકેટના ડ્રેસ અનુરૂપ મેકઅપનો સામાન બકલ, બોરીયા, બોપટી લેવી પડે છે. બધું મેચિંગ હોય તો જ મેદાન ઉપર રમવામાં રમવા ઉતરે છે. વિદેશી ખેલાડીઓના નામ પણ તેઓ વ્યવસ્થિત દેશી પદ્ધતિથી જ પાડે કે જો પેલી 'ચીબાવલી' રમવા આવી, પેલી 'નખરાળી'એ કેચ પાડ્યો, 'પંચાતડી' ફીલ્ડિંગમાં ધ્યાન નથી દેતી.
ઝઘડા થશે ત્યારે વિખોડિયા ભરી એકબીજાના વાળ ખેંચી મેકઅપ લિપસ્ટિક વીખવાની મજા તે લોકો માણશે.
વિચારવાયુઃ ચુનિયોઃ એવી કઈ બાબત છે જે તમને ક્રિકેટ રમવા પ્રેરે છે.
રિપ્લાયઃ લંચ બનાવવાની ચિંતા નથી, ટિફિન આવી જાય છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial