Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દેશને આઝાદી અપાવનારા મહાનુભાવોમા ઘણાં ધારાશાસ્ત્રીઓ જ હતાં ને?

આઝાદીકાળમાં બેરિસ્ટરો-એડવોકેટોમાં પણ ધગધગતી દેશભાવના ધબકતી હતી

તાજેતરમાં ગુજરાત બાર કાઉન્સિલ અને ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનના લોન્ચીંગ દરમિયાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કરેલી એક ટકોર રાજ્યમાં ચર્ચાનો વિષય બની અને બહું પ્રતિભાવો-પ્રત્યાઘાતો સામે નહીં આવ્યા હોવા છતાં બાર કાઉન્સિલ તથા જિલ્લાઓમાં બાર એસોસિએશનોના વર્તુળોનું પણ કથિત ટકોરે ધ્યાન ખેંચ્યું જ હશે ને?

બાર કાઉન્સિલ દ્વારા હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આપેલા મહત્ત્વપૂર્ણ ચૂકાદાઓનું પુસ્તકનું લોન્ચીંગ કર્યું, તેની પણ વકીલો વચ્ચે સ્વાભાવિક રીતે જ ચર્ચા થઈ રહી છે, અને દેશમાં સરળ, સસ્તો અને ઝડપી ન્યાય મળતો થાય, તેમાં વકીલોની ભૂમિકા કેવી રીતે મહત્ત્વપૂર્ણ છે, તેનું સચોટ દિશાદર્શન પણ આ કાર્યક્રમ દરમિયાન મળ્યું હશે. એકંદરે વકીલો તથા ન્યાયવિદેની ન્યાયવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, અને તેમાં સુધારા-વધારા, યુગને અનુરૂપ આધુનિકરણ તથા ટેકનોસેવી સિસ્ટમની દિશામાં આગેકૂચ ઝડપથી થઈ શકશે, તેવો આશાવાદ પણ જન્મ્યો છે.

આપણાં દેશના બંધારણની રચના હોય, આઝાદ ભારતના સ્તંભો સેવી વિધેયિકા, વહીવટીતંત્ર અને ન્યાયતંત્રની બુનિયાદથી જ ધારાશાસ્ત્રીઓ, ન્યાયક્ષેત્રના તજજ્ઞો તથા કાનૂની ક્ષેત્રના વિદ્યાર્થીઓ-પ્રાધ્યાપકો-અભ્યાસુઓની ભૂમિકા, યોગદાન અને પ્રભાવનું દીઘદર્શી તથા સર્વસમાવેશી પ્રદાન રહ્યું છે. દેશને આઝાદી અપાવનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ, લીડર્સ અને આઝાદી મળ્યા પછી બંધારણથી લઈને શાસનધૂરા સંભાળવા સુધીની તમામ પ્રક્રિયામાં ઘણાં વકીલો પણ હતા જ ને?

બ્રિટિશ સલ્તનત સામે કાનૂની લડત

સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓની ગમે ત્યારે ગમે ત્યાંથી આડેધડ ધરપકડો થતી હતી અને તે પછી તેઓને જેલમાં નાંખીને અદાલતોમાં કાનૂની પ્રક્રિયા હેઠળ રજૂ કરાતા હતાં અને સુનાવણીઓ ચાલતી હતી. એક રીતે તે સમયે બ્રિટીશ કાનૂનના અમલિકરણમાં સ્પષ્ટ ભેદભાવ રખાતો હતો અને કદાચ ન્યાયાધિશોના (જજોના) હાથ પણ બંધાયેલા રહેતા હતાં. આમ છતાં બ્રિટિશ અફસરોએ જે ભારતીયોને જેલમાં પૂર્યા હોય, તેની તરફથી અદાલતોમાં કેસ લડવામાં પણ દેશભક્ત સ્વાતંત્ર્યસેનાની કે ક્રાંતિકારી એડવોકેટ્સ (ધારાશાસ્ત્રીઓ) નું સમર્પિત યોગદાન રહેતું હતું.

સવિનય કાનૂનભંગની અહિંસક ચળવળનો કોન્સેપ્ટ પણ અંગ્રેજોના ભેદભાવભર્યા કાયદાઓમાંથી જ જન્મ્યો હતો.

આમ તો બે સદી જેવા સમય સુધી ભારત પર અંગ્રેજ સલ્તનતનું શાસન રહ્યું, અને લાંબી સ્વાતંત્ર્ય ચળવળ ચાલી હતી. આઝાદીની આ લાંબી લડતમાં શ્રીમંત અને શ્રમિક, નોકરિયાતો, બુદ્ધિજીવીઓ, વ્યાપારી વર્ગ, કિસાન વર્ગ, આદિવાસી વર્ગ, વિવિધ વસતિ, વિસ્તાર અને જ્ઞાતિ-જાતિ, ભાષા-પ્રદેશના તમામ દેશપ્રેમી ભારતીયોએ ઝંપલાવ્યું હતું, અને તેમાં પ્રોફેસરો, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો અને પ્રશાસનિક અનુભવ ધરાવતા તેજતર્રાર લોકો સામેલ હતાં. ભારતને આઝાદી મળી ત્યારે પ્રથમ હરોળમાં રહીને જવાબદારીઓ સંભાળનારાઓમાં પણ વકીલો અગ્રતાક્રમે રહ્યા હતાં. એ દરમિયાન દ. આફ્રિકામાં રંગભેદ જેવા ભેદભાવ સામેની લડતનો સમન્વય થયા પછીના સંઘર્ષમાંથી આપણી આઝાદીનો ઉદ્ભવ થયો છે.

અગ્રીમ હરોળના સ્વાતંત્ર્ય

સેનાની વકીલો

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ, પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ, પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ (તથા તેઓના પિતા મોતીલાલ નહેરૂ), પ્રથમ કાનૂન મંત્રી ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર, સી. રાજગોપાલાચારી જેવા આઝાદીકાળ દિગ્ગજો વકીલો હતાં. તદુપરાંત સુંદરલાલ બેનર્જી, મદનમોહન માલવિયા, ચિતરંજનદાસ 'દેશબંધુ', આસીફ અલી, રામ જેઠમલાણી, નાની પાલખીવાળા, બાલગંગાધર તિલક, લાલા લજપતરાય, સૈફુદ્દીન કીચલુ, વિનાયક દામોદર સાવરકર સહિતના અનેક કાનૂન નિષ્ણાતો, ધારાશાસ્ત્રીઓ અને લો ના સ્ટુડન્ટ્સ તથા અધ્યાપકોએ પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે સ્વાતંત્ર્ય ચળવળ પછી દેશની આઝાદી સમયે પણ વિવિધ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ અદા કરી હતી. એવું કહેવાય છે કે બંધારણ સભાના ૩૮૯ સભ્યોમાંથી રપ૦ સભ્યો વકીલો-ધારાશાસ્ત્રીઓ જ હતાં.

૧૮પ૭ થી ૧૯૪૭ સુધીની

સ્વાતંત્ર્ય ચળવળ

ભારતને બે સદી સુધી ગુલામીમાં રાખનાર બ્રિટિશ સલ્તનતને ઉખેડીને ફેંકી દેવા તથા સાડાપાંચસો જેટલા રાજ-રજવાડા-નવાબોના સામ્રાજ્યોનું એકીકરણ કરીને એક અને અખંડ ભારતના નિર્માણ માટે ૧૮પ૭ થી ૧૯૪૭ સુધીની સ્વાતંત્ર્ય ચળવળની વાતો આપણે જાણીએ છીએ, અને અનેક શૌર્યકથાઓ, પ્રેરકકથાઓ તથા સંઘર્ષકથાઓ કર્ણોપકર્ણ, લોક-સાહિત્યના માધ્યમથી તથા જુદા જુદા લેખકો-કવિઓ અને ઈતિહાસવિદેના લેખો, કવિતાઓ, પુસ્તક-પુસ્તિકાઓ તથા આત્મકથાઓમાંથી પણ લાંબી સ્વાતંત્ર્ય ચળવળ અને આઝાદ ચળવળની પ્રારંભિક સંઘર્ષકથાઓ તથા સાફલ્યગાથાઓ પણ મોજુદ છે. નવી પેઢીએ માત્ર શાળા-કોલેજોમાં પરીક્ષાઓમાં સારા ગુણ મેળવીને પાસ થવા માટે જ નહીં, પરંતુ આ આખી ચળવળ તથા આઝાદીના ૭પ વર્ષની આપણા દેશની સંઘર્ષ તથા સફળતાના સંગમસમી સફરનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ, તેમ નથી લાગતું?

આઝાદીના ૭પ વર્ષ-અમૃત મહોત્સવ

આપણે આઝાદીના ૭પ વર્ષ પૂરા થયા, તેના સંદર્ભે અઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાનો શરૂ કર્યો અને પ્રજાસત્તાક થયા, તેના ૭પ વર્ષ થતા સુધીની ઉજવણી પછી સ્વાતંત્ર્ય ચળવળ, આઝાદીના ૭પ વર્ષ અને આગામી રપ વર્ષની સફર માટેનો રોડમેપ જેવી રીતે સરકાર બનાવે છે, તેવી જ રીતે આપણા દેશના ન્યાયતંત્રને ધબકતું રાખવા અને આગામી રપ વર્ષમાં અદાલતોમાં કેસોનો ભરાવો ખતમ થઈ જાય, અને નવા કેસો માટે સુનાવણી, સરતપાસ, ઉલટતપાસ, દલીલો, સાક્ષીઓ, પુરાવા વગેરે તમામ પ્રક્રિયાઓની સમયમર્યાદાઓ નિશ્ચિત થાય, આખી સિસ્ટમ જ ઝડપી અને પરિણામલક્ષી બની જાય, તે માટે સરકાર, ન્યાયતંત્ર અને 'બાર' દ્વારા સહિયારી પહેલ થવી જોઈએ, તેમ નથી લાગતું?

આપણા દેશનો મૂળભૂત કાનૂની સિદ્ધાંત કોઈપણ નિર્દોષને સજા ન થાય, તેવો હોવાથી આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવા માટે પૂરતી તક અપાય છે, અને નિષ્પક્ષ ન્યાયની તંદુરસ્ત વ્યવસ્થા છે, પરંતુ કેટલીક પ્રક્રિયાત્મક જટિલતાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અથવા ઘર, સ્ટાફની ઘટ, જજોની ખાલી જગ્યાઓ ભરવા ઉપરાંત વધી રહેલી વસતિ, કેસો અને જરૂરિયાતો મુજબ નવી જગ્યાઓ ઊભી કરવાની જરૂર વિગેરે તમામ મુદ્દાઓને સાંકળીને આગામી અઢી દાયકાનો માસ્ટર પ્લાન બનાવાય અને વર્ષ ર૦૪૭ માં જ્યારે દેશ આઝાદીના ૧૦૦ વર્ષની ઉજવણી કરી રહ્યો હોય, ત્યારે દેશની અદાલતોમાં માત્ર નવા કેસો જ હોય, 'તારીખ પે તારીખ'નું કલંક ભૂંસાઈ ગયું હોય, તમામ નાગરિકોને સરળ, ઝડપી અને સસ્તો ન્યાય ઉપલબ્ધ હોય, એટલું જ નહીં, અદાલતોમાં કેસો જ ઓછા આવે, તેવા માહોલનું દેશમાં સર્જન થયું હોય, તેવું સપનું સાકાર થાય, તેવું ઈચ્છીએ.

સાયબર અદાલતો

અદ્યતન ટેકનોલોજી, ઈન્ટરનેટ, ઈકોનોમિક રિફોર્મ્સ, ઈ-બેન્કીંગ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈમ્પ્રુવમેન્ટની સાથે સાથે ઈ-ક્રાઈમ એટલે કે સાયબર ક્રાઈમ પણ વધી રહ્યો છે, પોલીસ તંત્ર અને ઈન્વેસ્ટીગેશન એજન્સીઓમાં સાયબર ક્રાઈમ માટે અલાયદા ડિપાર્ટમેન્ટ, ઓફિસો અને નિપુણ સ્ટાફ તથા અધિકારીઓની નિમણૂકો થઈ છે, પરંતુ હજુ આ પ્રથમ પગથિયું ગણાય, બાર-કાઉન્સિલો તથા બાર એસોસિએશનોએ પણ હવે ધારાશાસ્ત્રીઓ તથા સંલગ્ન સ્ટાફગણને તદ્વિષયક તાલીમના પ્રબંધો કરવા જોઈએ, અને કાયદાવિભાગે ન્યાયવિદે-જજો-લવાદો કે કી-પોષ્ટ પર કાર્યરત સંબંધિત કર્મચારીઓ-અધિકારીઓ અનુરૂપ પ્રશિક્ષણ કે તાલીમના પ્રબંધો કરવા જોઈએ, તેમ નથી લાગતું?

સાયબર ક્રાઈમના કેસો માટે આઉટ સોર્સીંગ સપોર્ટ કે વિષય-નિષ્ણાતોના રિપોર્ટના આધારે તો નિર્ણયો લઈ શકાય, પરંતુ પ્રત્યેક કેસમાં અલગ અલગ નવા જ સ્વરૂપના પુરાવા રજૂ થાય, દલીલો થાય કે પક્ષકારો દ્વારા પ્રેઝન્ટેશનની જરૂર પડે, ત્યારે ન્યાયવિદે (જજો) પણ તદ્વિષયક પૂરેપૂરા જાણકાર હોય, તે જરૂરત હોવાથી હાઈકોર્ટો તથા દેશની સર્વોચ્ચ, સન્માનીય અને વિશ્વસનિય સુપ્રિમ કોર્ટ પણ આ અંગે વિચારશે અને પ્રવર્તમાન પ્રબંધોમાં વિસ્તૃતિકરણ થશે, તેવું ઈચ્છીએ.

સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ

કેન્દ્રિય ગૃહવિભાગ દ્વારા નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલ અથવા રાષ્ટ્રીય સાયબર અપરાધ રિપોર્ટીંગ પોર્ટલ અમલી બનાવ્યું છે, જેમાં સિટીઝન મેન્યુલ, સાયબર સુરક્ષાના ઉપાયો, સાયબર ક્રાઈમ અંગે જનજાગૃતિ તથા રોજેરોજના રિપોર્ટીંગ જેવા ઓપ્શન્સ છે. તે ઉપરાંત રાજ્યકક્ષાએ પણ અલગ-અલગ સાયબર ક્રાઈમ સેલ્સ હોય છે. અત્યારે મુખ્યત્વે બેન્કીંગ-નાણાકીય છેતરપિંડીઓ, હેકીંગ, ફીશીંગ, ડિજિટલ એરેસ્ટ, રેનસમવેર તથા મેલવેર એટેક્સ, ઈવીએમ-બેન્કીંગ-મોબાઈલ સેલફોન દ્વારા થતા નેટબેન્કીંગ વગેરે અનેક પ્રકારના સાયબર ક્રાઈમ વધવા લાગ્યા છે, જેના સંદર્ભે કાયદા વિભાગ તથા ન્યાયતંત્રોના સમન્વયથી સવેળા તદ્ન નવી અદ્યતન વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે, ખરૃં ને?

વિનોદ કોટેચા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial