રાજકોટમાં સમૂહલગ્નના નામે નાણા ઉઘરાવીને આયોજકો ભાગી ગયા અને તંત્રો, મીડિયા અને જનસહયોગથી આ કાર્યક્રમ સંપન્ન થયો, તેવા અહેવાલો પછી એવી ચર્ચા થઈ રહી છે કે 'સેવાના નામે મેવા'ના કારસા રચતા પરિબળો કેટલી હદે નફ્ફટાઈ કરી શકે છે, અને સર્વજ્ઞાતિય સમૂહલગ્નો જ નહીં, પરંતુ 'સેવાના નામે મેવા'ના કાયમી કૌભાંડો થવા લાગ્યા છે, ત્યારે આ પ્રકારના કૌભાંડિયાઓને ઓળખવા કેવી રીતે?
અત્યારે ઘણાં લોકો શોર્ટકટમાં કમાણી કરવાના કારસા રચવામાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે, અને તે માટે કોઈપણ પ્રકારનું ગેરકાનૂની, અનૈતિક, અપરાધિક, અયોગ્ય કે અનિચ્છનિય કૃત્ય કરવા પણ તૈયાર થઈ જતા હોય છે. આ પ્રકારના કૃત્યો કરનાર પરિબળોની કોઈ ચોક્કસ જ્ઞાતિ-જાતિ કે સમાજ હોતો નથી, અને હવે તો ભણેલા ગણેલા અને પ્રતિષ્ઠિત શ્રેણીઓમાં ગણાતા લોકો પણ સેવાના નામે નાણા ઉઘરાવીને તેમાંથી પોતાનો ફાયદો કાઢવાના નુસ્ખા જોવા મળવા લાગ્યા છે. તેથી જ કન્ફ્યુઝન ઊભું થતું હોય છે કે ભરોસો કરવો તો કોનો કરવો? કૌન સચ્ચા, કૌન જૂઠ્ઠા?
વિદેશમાં વસવાટ કરતા ઘણાં ભારતીય પરિવારો પોતાના વતનમાં ઘણી વખત વિકાસના કાર્યો કે લોકકલ્યાણની પ્રવૃત્તિઓ માટે છૂટા હાથે દાનની સરવાણી વહેડાવતા હોય છે, અને તેના કારણે આપણા દેશમાં અને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ સંખ્યાબંધ સેવાપ્રવૃત્તિઓ ધમધમતી રહે છે, અને તેનો લાભ લાખો જરૂરિયાતોને પહોંચતો હોય છે. લગભગ દરરોજ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સેવાયજ્ઞો ચાલતા જ હોય છે. વિવિધ પ્રકારના રોગનિદાન-સારવાર કેમ્પો, રક્તદાન કેમ્પો, થેલેસેમિયા પરીક્ષણ કેમ્પો, દિવ્યાંગ સહાયતા કેમ્પો, નેત્રયજ્ઞો, સમૂહલગ્નો, સમૂહ યજ્ઞોપવિત, વેવિશાળ કેમ્પો, જ્ઞાતિભોજન તથા અન્ય ધાર્મિક-સામાજિક કાર્યક્રમો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા રહે છે, અને તેમાં દેશ-વિદેશના દાનની સરવાણી વહેવાતા હોય છે. આ પ્રકારના આયોજનોમાં ધનની સરવાણી વહેવડાવતા ઉદારદિલ દાનવીરો તથા તેના દાનમાંથી સેવાકાર્યો સંપન્ન કરતા સેવાભાવી લોકો, આયોજકો, સ્વયંસેવકો તથા સહયોગીઓને બીરદાવવા જ જોઈએ, અને તન-મન-ધનથી થતી સંયોજિત સેવાઓ થકી સંપન્ન થતા આ સેવાકાર્યોના કારણે અનેક જરૂરતમંદોની મુંઝવણો દૂર થતી હોય છે. એટલું જ નહીં, સામાજિક સ્વાસ્થ્ય સંપ, અને સૌહાર્દ પણ જળવાતું હોય છે. સૌરાષ્ટ્ર જેવી રીતે સંતો-મહંતો અને ભક્તોની ભૂમિ છે, તેવી જ રીતે દાનવીરો તથા સેવાભાવીઓની પણ ભૂમિ છે, અને તેથી જ સૌરાષ્ટ્રના સેવાભાવીઓ તથા સખાવતીઓની સુવાસ દેશના સીમાડા ઓળંગીને સાત સમંદર પાર પહોંચી રહી છે, અને તેનું આપણે બધાએ ગૌરવ લેવું જ જોઈએ, ખરૃં કે નહીં?
આપણે ઘણી વખત વાર-તહેવારો કે મંગલ પ્રસંગો-સમારોહોમાં થતી સામાન્ય ચર્ચાઓ દરમિયાન એવું સાંભળતા પણ હોઈએ છીએ કે વિદેશમાંથી આવતી દાન-સરવાણીમાંથી સેવાકાર્યોના આયોજનોમાં કેટલાક પરિબળો મલાઈ તારવી લેવાના પ્રયાસ કરતા હોય છે, અથવા કેટલાક લોકો માટે તો આ પ્રકારની પ્રવૃત્તિઓ જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું માધ્યમ બની જતી હોય છે. આ પ્રકારના કેટલાક અપવાદોના કારણે શ્રમસેવા, ધનસેવા કે અન્ય રીતે મદદરૂપ થતા અને નિસ્વાર્થે માત્ર સેવાભાવનાથી રાત-દિવસ સેવા આપતા બહોળા સેવાભાવી સમુદાય પર પણ સોનાની થાળીમાં લોઢાની મેખ હોય, તેવું કલંક લાગતું હોય છે, તે પણ હકીકત જ છે ને?
સિક્કાની બીજી બાજુ એવી પણ છે કે આ જ પ્રકારના સેવાકાર્યોના નામે હવે છલબાજી, છેતરપિંડી અને હવે તો કોમર્શિયલ એક્ટિવિટીઝ પણ થવા લાગી છે. આ પ્રકારની દંભી લોબી હવે ઝડપભેર વિસ્તરી રહી હોવાથી સમાજે ખાસ કરીને સામાન્ય, ભોળા, સધી-સાદી જનતાને આ લોબીથી બચાવવા આગળ આવવું જ પડે તેમ છે. એટલું જ નહીં, સાર્વજનિક લાભોની આંબલી-પીપળી દેખાડીને કે કોઈ સરકારી કામો કરાવી આપવા કે ઝડપભેર મોટું નાણાકીય વળતર આપવાના પ્રલોભનો આપીને છેતરપિંડી કરતા ખતરનાક પરિબળોથી સામાન્ય જનતાને બચાવવા સંબંધિત સરકારી તંત્રો તથા સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ અને દરેક જ્ઞાતિ-સમાજના ભણેલા-ગણેલા તથા લબ્ધ પ્રતિષ્ઠિત અગ્રગણ્ય નાગરિકોએ પણ આગળ આવવાની જરૂર છે, તેમ નથી લાગતું?
વિદેશમાંથી સામાજિક, ધાર્મિક કે જનસેવાની પ્રવૃત્તિઓ માટે મળતા દાનનો દુરૂપયોગ થતો હોવાની ઘણી ચર્ચા થતી રહેતી હોય છે અને તેમાંથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને પણ પરોક્ષ રીતે મદદ પહોંચાડવામાં આવતી હોવાના આક્ષેપો પણ થતા રહેતા હોય છે, અને તે પ્રકારના કેટલાક કિસ્સાઓ તો અદાલતની અટારીએ પહોંચી જતા હોય છે. તે આપણે બધા જાણીએ જ છીએ ને?
પબ્લિક-ટુ-પબ્લિક સખાવત જ નહીં, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ પણ અન્ય દેશોને મદદરૂપ થવા માટે ફંડીંગ કરતી હોય છે, જે પૈકી કેટલીક કુદરતી આફતો, મોટા અકસ્માતો, યુદ્ધ, મહામારી જેવા સમયે લોકોને મદદરૂપ થવા માટે અપાતી હોય છે, જ્યારે કેટલીક યુનો સંચાલિત, યુનો સમર્થિત કે વૈશ્વિક દેશોના જુદા જુદા સંગઠનો, ફોરમ કે પ્લેટફોર્મ્સ પરથી સહાય પહોંચાડાતી હોય છે, જ્યારે અમેરિકા જેવા શક્તિશાળી દેશો વિદેશોમાં માનવિય સેવા કે પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ માટે પણ ફંડીંગ કરતા હોય છે. અમેરિકા આ પ્રકારનું ફંડ યુ.એસ. એઈડ મારફત આપે છે, જેનો ઉદ્દેશ્ય સેવાકીય હોવો જોઈએ, તેના બદલે છેલ્લા બે-ત્રણ દાયકાથી પોતાને અનુકૂળ ન હોય તેવી અન્ય દેશોની સરકારોને ઉથલાવા માટે થયો હોવાના ઘટસ્ફોટ પછી એટલું જરૂર કહી શકાય કે સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત, દેશ હોય કે દુનિયા અને વ્યક્તિ હોય, સંગઠન હોય, સંસ્થા હોય કે દેશ હોય, તેની સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપતા પહેલા તેને પૂરેપૂરી પરખવીજ પડે તેમ છે, ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial