નગરજનો કંટાળી ગયા છે તેથી હવે ક્યાંક એવો શંખનાદ્ સંભળાશે કે, "સિંહાસન ખાલી કરો, કી જનતા આતી હૈ..."
જામનગરની જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડ વધી રહી છે અને કેસબારીના સ્ટાફ સાથે દર્દીઓ તથા તેના સગાઓનું ઘર્ષણ વધી રહ્યું છે, તેવા અહેવાલો નગરમાં વકરેલા રોગચાળાની તીવ્રતા પૂરવાર કરે છે અને આ રોગચાળો મુખ્યત્વે મચ્છરજન્ય હોવાના તારણો પણ નીકળી રહ્યાછે. જામનગરમાં મચ્છરોનો ઉપદ્રવ એટલો વધ્યો રહ્યો છે કે, તેનાથી ડોરપેક કમરાઓમાં એરકન્ડીશન્ડ માહોલમાં જીવતા ઉચ્ચ અધિકારીઓ, વીઆઈપી, ધનકુબેરો તથા સરકારી અતિથિઓમાં રાત્રિ નિવાસ કરતા મહાનુભાવો પણ ત્રાસી ગયા છે. આ સ્થિતિમાં ગરીબ, મધ્યમ વર્ગિય તથા ઉપર આભ અને નીચે ધરતીની સ્થિતિમાં જીવન ગુજારતા કમનસીબ લોકોની હાલત કેવી થતી હશે, તે સમજી શકાય તેવું છે, ખરૃં કે નહીં?
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા ડોર-ટુ-ડોર સર્વે કરીને ૪૦૦ થી વધુ તાવ-શરદી-ઉધરસના દર્દીઓ નોંધવામાં આવ્યા હતાં. નગરના ૪૮ હજારથી વધુ ઘરોની મુલાકાત લઈને લોકોને જરૂરી માર્ગદર્શન આપવાની સાથે સાથે ચોખ્ખા પાણીના સંગ્રહમાં ઉત્પન્ન થતા મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા જરૂરી સાફસફાઈ વગેરે સાવચેતીના પગલાં લેવાની સમજ પણ આપવામાં આવી હતી. આરોગ્ય શાખાએ એક અખબારી યાદીમાં કરેલા દાવા મુજબ મચ્છરોના ઉપદ્રવને અંકુશમાં લેવા ફોગીંગ, જંતુનાશક દવાઓનો છંટકાવમાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી મિશ્ર ઋતુના કારણે મચ્યરનો ઉપદ્રવ વધ્યો છે, અને તેના કારણે રોગચાળાનું પ્રમાણ વધવા લાગ્યું છે, ત્યારે ચીલાચાલુ ઢબે કેટલાક કદમ ઊઠાવીને અને તેનો ઢંઢેરો પીટીને તથા નગરજનોને ઉંધા ચશ્મા પહેરાવીને તંત્રો ભલે પોતાની પીઠ થાબડતા હોય, પરંતુ જો નગરમાં રિયાલિટી ચેક કરવામાં આવે તો વાસ્તવિક્તા બહાર આવી જશે કે નગરના કેટલા વિસ્તારોમાં ફોગીંગ થયું છે અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે તે....
જો કે, સવાસો જેટલા આરોગ્યકર્મીઓ દ્વારા હજારો ઘરોની ખરેખર મુલાકાત લેવામાં આવી હોય, તો તેની પ્રશંસા પણ થવી જ જોઈએ, પરંતુ રોગચાળો ફેલાયો જ કેમ? ગંદકી વધી જ શા માટે? મચ્છરો અંકુશમાં કેમ નથી આવી રહ્યા? રોગચાળો ફાટી નીકળ્યા પછી ફોગીંગ, દવા છંટકાવના નાટક કરવાના બદલે આ કામગીરી સઘનતાથી કાયમી કમ નથી કરવામાં આવતી? મચ્છર રખડતા ઢોર અને આવારા કૂતરાઓનો ત્રાસ કેમ વધી રહ્યો છે? નગરજનોને પરેશાન કરતી આ મૂળભૂત સમસ્યાઓ હોવા છતાં ફરી ફરીને જો વર્તમાન શાસનને જનાદેશ મળતો હોય, તો તે નગરના વિપક્ષી નેતાઓની પણ નબળાઈ નથી? ....કે પછી પડદા પાછળ કાંઈક બીજું જ રંધાઈ રહ્યું છે, મિલીભગત છે કે પછી તેરી બી ચૂપ... મેરી બી ચૂપ...!!?
ઘણાં વર્ષો પહેલા એક પ્રખ્યાત અભિનેતા જામનગરની મુલાકાતે આવ્યા હતાં, ત્યારે તેમને પણ જામનગરના મચ્છરો એટલા કનડ્યા હતાં કે તેમણે તેનો ઉલ્લેખ કદાચ જાહેરમાં કર્યો હતો, અને તે પછી ટાઉનહોલની તે સમયની હાલતની ચર્ચા પણ અલગથી શરૂ થઈ ગઈ હતી. વર્ષો વીતી ગયા, ઘણી ચૂંટણીઓમાં વાયદા થયા, પરંતુ જામનગરમાં મચ્છર, કૂતરા અને રખડુ ઢોરની સમસ્યા ઘટવાના બદલે વધતી જ રહી, તેનું જવાબદાર કોણ?
જો જામનગરના સત્તાવાળાઓ આ ત્રણેય સમસ્યાઓનું નિવારણ ન કરી શકતા હોય તો તેની સામે અવાજ ઊઠાવવો જ જોઈએ, અને સાથે સાથે આ સમસ્યાઓ નિવારવા માટે થોડા-ઘણાં પણ પ્રયાસો થતા હોય, તો તેની પણ નોંધ લેવી જ પડે. એવું નથી કે જામનગરના સ્થાનિક નેતાઓ કે તંત્રોમાં આ સમસ્યાઓનું નિવારણ કરવાની તાકાત જ નથી, પરંતુ જરૂર માત્ર તેમનામાં પ્રબળ ઈચ્છાશક્તિ જગાવવાની જ છે, નેતાગણ તથા સંબંધિત અધિકારીઓનો અંતરાત્મા જગાડવાની છે, પરંતુ તે જગાવવો કેવી રીતે?... જરા વિચારો... ક્યાંક નગરમાંથી એવો અવાજ ન ઊઠે કે, 'સિંહાસન ખાલી કરો, કી જનતા આતી હૈ...'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial