આજે મહાશિવરાત્રિનું પર્વ છે અને આ સાથે જ પ્રયાગરાજમાં મહાકુંભનું સમાપન થવા જઈ રહ્યું છે. દેશભરમાં હરહર મહાદેવ, હર હર ગંગે, બમ્ બમ્ ભોલે અને જય ભોલેનાથનો નાદ્ ગૂંજી રહ્યો છે. ભોળાનાથ શિવશંભુ પણ જાણે કે કરોડો શિવભક્તો પર પ્રસન્ન થયા હોય, તેવો મંગલમય પવિત્ર માહોલ આજે શિવાલયો અને મંદિરોમાં જ નહીં, પરંતુ દેશભરમાં ઘેર-ઘેર એક અલગ જ અનુભૂતિ કરાવી રહ્યો ઠેર-ઠેર શોભાયાત્રાઓ નીકળી રહી છે અને ગામો તથા શહેરો શિવમય બની રહ્યા છે. છોટીકાશી પણ આજે ભગવાન શિવજીની ભક્તિમાં તરબોળ જોવા મળી રહી છે.
આ વખતે મહાકુંભમાં કરોડો લોકો ઉમટ્યા અને દોઢ મહિના સુધી પ્રયાગરાજમાં ગંગાસ્નાન થતું રહ્યું, જેમાં જામનગર સહિત હાલારમાંથી પણ ઘણાં લોકો આસ્થાની ડૂબકી લગાવીને પણ આવ્યા, અને ધન્યતા અનુભવી.
દર બાર વર્ષે આવતા મહાકુંભ બાર વખત યોજાયા, એટલે તેનું અલભ્ય મહાત્મય હોય છે અને તેનો લાભ આ વર્ષે મહાકુંભમાં કરોડો લોકોએ લીધો છે, તેને સમગ્ર વિશ્વ અચંબિત બનીને નિહાળી રહ્યું છે, તો બીજી તરફ કેટલીક ટીકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે. વિવિધ મંતવ્યો અપાઈ રહ્યા છે, અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ ભગવાન શિવજી પ્રત્યેની શ્રદ્ધામાં સૌ કોઈ એકમત છે, અને આજે સૌ કોઈ શિવભક્તિમાં ડૂબેલા છે, તે તેનો પ્રત્યક્ષ પુરાવો જ છે ને?
પ્રથમ દ્વાદશ જ્યોતિર્લીંગ સોમનાથમાં આજે શિવભક્તોનો મહેરામણ હિલોળા મારી રહ્યો છે, ગીરનારની તળેટીમાં ભવનાથના મેળામાં પણ બહોળા પ્રમાણમાં ભાવિકો ઉમટી રહ્યા છે. સુવર્ણરેખા નદીના કિનારે મહાવદ એકાદશીથી શરૂ થતો આ મેળો અમાસના દિવસે સંપન્ન થાય છે. આ દરમિયાન મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી થાય છે. ભગવાન ભવનાથની પૂજા કરવા મોટી સંખ્યામાં નાગાસાધુઓ પણ આવે છે. ભવનાથનો મેળો પણ કુંભમેળાની જેમ એક વિશેષ મહત્ત્વ ધરાવે છે.
તેવી દ્વાદશ જ્યોતિર્લીંગમાં ગણાતું નાગેશ્વર પણ આજે શિવભક્તોથી ઉભરાઈ રહ્યું છે, તો દ્વારકામાં દરિયાની અંદર એક ટેકરી પર આવેલા ભડકેશ્વર મહાદેવના મંદિરે પણ દેશભરના શિવભક્તો તથા સ્થાનિક ભાવિકોની ભીડ જામી છે.
દ્વારકામાં સિદ્ધનાથનું મંદિર પણ પ્રખ્યાત છે. જામનગરમાં પણ ભીડભંજન, કશીવિશ્વનાથ, રામેશ્વર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, નર્મદેશ્વર, ભાવેશ્વર, અંકલેશ્વર, નિલકંઠ, સોમનાથ મહાદેવ સહિતના સંખ્યાબંધ શિવાલયો તથા મંદિરોમાં આજે ભાવિકોનો પ્રવાહ ઉમટી રહ્યો છે, જે આપણી સંસ્કૃતિની સોનેરી ઝલકના દર્શન જ કરાવે છે ને?
આજે મહાશિવરાત્રિનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે, ત્યારે પ્રયાગરાજના મહાકુંભમાં પણ આસ્થાનો મહાસાગર આજે પરાકાષ્ટાએ પહોંચ્યો હોય, તેમ ભાવિકોથી ઘુઘવી રહ્યો છે. હર હર ગંગે અને હર હર મહાદેવનો નાદ્ ગગનમાં ગૂંજી રહ્યો છે. જેને આખી દુનિયા દંગ બનીને નિહાળી રહી છે.
ગઈકાલ સુધી જ મહાકુંભમાં ૬પ કરોડ લોકોએ ગંગાસ્નાન કર્યું હોવાના અહેવાલો હતાં, અને આજે પણ મહાકુંભમાં લાખો લોકો ગંગાસ્નાન કરી રહ્યા છે. આજે મહાકુંભનું સમાપન થશે, અને ઈતિહાસના સુવર્ણ પૃષ્ઠ પર નોંધાઈ જશે, તે હકીકત છે.
આ મહાકુંભ દરમિયાન ભાગદોડ, આગ-અકસ્માતો તથા જીવલેણ ઘટનાઓ પણ બની, વિક્રમજનક ટ્રાફિકજામ પણ સર્જાયા અને ઉત્તરપ્રદેશમાં રાજનીતિ પણ ઉફાણે ચડી હતી, અને આ દરમિયાન બદલતી ઋતુ તથા પરિવહનની સમસ્યાઓ અને કેટલાક સ્થળે ઉઘાડી લૂંટ ચલાવાઈ તેમ છતાં આખો મહિનો મહાકુંભમાં લાખો લોકોએ ગંગાસ્નાન કર્યું, તે હકીકતને વિશ્લેષકો આસ્થાની તાકાત ગણાવી રહ્યા છે, અને ભાવિકો શિવજીની કૃપા ગણાવી રહયા છે.
આજે મહાશિવરાત્રિના દિવસે આપણે પણ શિવજીને પ્રાર્થીએ કે હે શિવ શંભુ... શિવભક્તો પર આશીર્વાદ વરસાવો, આપની અસીમ કૃપાની વૃષ્ટિ કરો, જન-જનમાં માનવતા, દયા, સહાધ્યતા અને નિર્મળ સ્નેહ ઉભરાય, સમાજમાં સમાનતા, સંપ અને સૌજન્યતાનો ત્રિવેણી સંગમ કાયમી બને અને જીવસૃષ્ટિ પરના તમામ જોખમો ખતમ થાય, તેવું વરદાન સંસારના પ્રત્યેક માનવીને આપો, અને આપના પ્રત્યેક સાચા ભક્તની સામાજિક સુરક્ષા અને શુદ્ધ પ્રેમની સાથે સારૃં સ્વાસ્થ્ય અને સુખ-શાંતિ-સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થનાઓ સ્વીકારો... સૌ કોઈનું ભલુ કરો... અને હવે ત્રીજુ નેત્ર પણ ખોલો... શિવજી...
દુષ્ટો, દુર્જનો અને મુસીબતોને બાળીને ભસ્મ કરવા આપનું ત્રીજુ નેત્ર ખોલો... જન જનની અસુવિધાઓ, તકલીફો અને રોજીંદી સમસ્યાઓનો ખાત્મો થાય, ઠગો, દગાબાજો અને પાપીઓનો પ્રભાવ બળીને ભષ્મ થઈ જાય, ભોળી જનતાનું સફેદ પોશ ભેડિયાઓથી રક્ષણ , અને જનભાવનાઓને ખોટી રીતે ઉત્તેજન આપીને પોતાનો ઉલ્લુ સીધો કરવા માંગતા નાટકિયા ડ્રામેબાજોની ડ્રામેબાજી નિષ્ફળ થઈ જાય, તે માટે આપના ત્રીજા નેત્રનો પ્રહાર કરો પ્રભુ...
ભાવનાઓની આડમાં રાજરમત કરતા અને જુઠ્ઠાણાઓની આડમાં આસ્થાઓ પર પ્રહાર કરતા પ્રપંચીઓ ક્યારેય સફળ ન થાય અને સત્યનો હંમેશાં જય થાય, તેવી આપની ત્રિનેત્ર દૃષ્ટિ વરસાવો, હર હર મહાદેવ, જય ભોળેનાથ... હર હર ગંગે... સત્ય મેવ જયતે... સત્ય મેવ જયતે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial