મહારાષ્ટ્રના પૂણેમાં ફરી એક નિર્ભયા કાંડ થયો અને ઉહાપોહ પછી હવે ત્યાંનું તંત્ર હરકતમાં આવ્યું હોય, તેમ લાગે છે. આ સંદર્ભે દેશના પૂર્વ ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડે જે કાંઈ કહ્યું છે, તેની તથા પોક્સો કેસોમાં ગુજરાતમાં આવેલા અદાલતી ફેંસલાની ચર્ચા આજે માત્ર અદાલતી કે કાનૂની ક્ષેત્રો જ નહીં, પરંતુ મહિલા સુરક્ષા, સામાજિક સદ્ભાવ તથા ફેલાઈ રહેલી માનસિક વિકૃતિઓના સંદર્ભમાં પણ ટોક ઓફ ધ નેશન બની ગઈ છે.
ગઈકાલે એવા અહેવાલો આવ્યા હતાં કે ગુજરાતની વિવિધ અદાલતોમાં એક જ દિવસમાં પોક્સો કેસોમાં રાજકોટ, અમરેલી અને વડોદરાની ૭ પીડિતાઓને ન્યાય મળ્યો છે. અદાલતોએ અપરાધીઓ પ્રત્યે ઘણું કડક વલણ અપનાવ્યું છે, અને આ કેસો ઝડપથી ચલાવીને ઊંડાણપૂર્વકના અભ્યાસ તથા કેસના તમામ પાસાઓને ધ્યાને લઈને આ ફેંસલાઓ સંભળાવ્યા છે.
છેલ્લા ત્રણ વર્ષમાં અદાલતે ૯૪૭ ચૂકાદાઓ પોક્સોના કેસોની સુનાવણી પછી આપ્યા છે, જેમાં અપરાધીઓ પ્રત્યે કાનૂનની મર્યાદામાં રહીને પણ ઘણું જ કડક વલણ અપનાવાયું છે અને ત્રણ વર્ષમાં પોક્સો કેસોમાં અપાયેલા ચૂકાદાઓમાં પ૭૪ અપરાધીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે, તે ઉપરાંત આ જઘન્ય ગુન્હા બદલ ૧૧ અપરાધીઓને ફાંસીએ લટકાવવાના ચૂકાદાઓ પણ આવ્યા છે. આ ચૂકાદાઓ આવ્યા, તેમાં પોલીસતંત્ર, સરકારી વકીલો તથા પોલિટિકલ સર્વસંમત ઈચ્છાશક્તિની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આમ પણ કુમળી કન્યાઓ કે મહિલાઓને પીખી નાખતા ભેડિયાઓને અત્યંત કડક સજા થવી જ જેમાં બધા જ સહમત છે, અને આ મુદ્દો પોલિટિકલ છે જ નહીં, અને આ પ્રકારની નિંદનિય ઘટનાઓ દિન-પ્રતિદિન વધતી જ રહે છે, તેથી એ પણ પૂરવાર થાય છે કે અપરાધીઓને કાનૂનનો ડર નથી અને અત્યંત કડક સજાઓ થવા છતાં આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો રહ્યો નથી, તેથી આ સમગ્ર ઈશ્યુ હવે નવેસરથી જ વિચારવો પડે તેમ છે, ખરૃં કે નહીં?
જો કે, ગુજરાતમાં રપ મી ફેબ્રુઆરીના દિવસે ત્રણ જિલ્લાઓની અદાલતોએ ફટાફટ સાત મહત્ત્વપૂર્ણ ફેંસલાઓ સંભળાવ્યા અને સાતેય બળાત્કારીઓને આજીવન કેદની સજા સંભળાવી, તેથી પીડિતાઓમાં હિંમત વધશે અને આગળ આવીને બુરી નજર કે છેડતી કરનારાઓ સામે તત્કાલ અવાજ ઊઠાવવામાં પાછીપાની નહીં કરે. એટલું જ નહીં, તંત્રો પણ હવે આ પ્રકારના કિસ્સાઓમાં જરાયે ઢીલાસ નહીં રાખે, તેવો આશાવાદ જરૂર જાગ્યો છે. આ જ પ્રકારની ઝડપ અને કડક કાર્યવાહી થતી રહેશે, તો મહિલાઓ-કન્યાઓમાં પણ હિંમત વધશે, અને અધમ કૃત્યો કરતા પરિબળોને પ્રારંભથી જ પાઠ ભણાવશે, આ કડક અભિગમમાં ન્યાયવિદે, વકીલો તથા પોલીસતંત્રની સાથે સાથે સાક્ષીઓ, પંચો તથા રિપોર્ટીંગ તથા તબીબી ક્ષેત્રની ઓથોરિટીઝનો પણ સહયોગ ભૂલી કેમ શકાય?
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી એવો દાવો કરી રહ્યા છે કે, મુખ્યમંત્રીની સૂચનાથી રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, દુષ્કર્મ અને શોષણ સામે કડક અભિગમ અપનાવાઈ રહ્યો છે તથા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા નક્કર પુરાવાઓ સાથે કેસ મજબૂત બનાવીને રજૂ કરવામાં આવે છે. સરકાર પોતાની પીઠ ભલે થાબડે, અને પ્રબળ પોલિટિકલ પીઠબળની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ હોય જ છે, પરંતુ વહીવટી તંત્ર, ન્યાયતંત્ર અને હિંમતભર્યો જનસહયોગ આ પ્રકારના કેસોમાં કડક સજા આપી શકાય, તેમાં ન્યાયિક ચૂકાદાઓમાં સહભાગી હોય છે, તે પણ હકીકત જ છે ને?
આ જ રીતે અત્યંત કડક અભિગમ અપનાવીને અને ઝડપી કાનૂની પ્રક્રિયા નિપટાવીને કડક સજાઓ સતત થતી રહેશે, તો જ અપરાધીને કડક સજાઓ સતત થતી રહેશે, તો જ અપરાધીઓમાં થોડો ઘણો કાનૂનનો ડર બેસશે, ખરૃં ને?
દેશના તાજેતરમાં જ નિવૃત્ત ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચુડે પૂણેમાં એક બસમાં મહિલા સાથે થયેલા દુષ્કર્મ સંદર્ભે કહ્યું હતું કે નિર્ભયા કાંડ પછી કડક કાયદો બનાવાયો અને કેટલાક બદલાવ કરાયા, પરંતુ માત્ર કડક કાનૂન બનાવી દેવાથી સ્થિતિ નહીં સુધરે. ચંદ્રચુડે પણ આ કિસ્સામાં કડક અને ઝડપી સજા થાય, તેના પર ભાર મૂક્યો હતો.
નિર્ભયાકાંડ બન્યો તેને બાર-તેર વર્ષ થઈ ગયા. સરકાર બદલી, કાયદા બદલ્યા, દેશવ્યાપી આંદોલનો થયા, તેમ છતાં હજુ પણ જો દુષ્કર્મની ઘટનાઓ વધતી જ રહેતી હોય, તો આ મનોવૃત્તિને માત્ર કાનૂન નહીં, પરંતુ સામાજિક અને નૈતિક અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ પરખવી પડશે અને તત્કાળ અંકુશમાં લેવી પડશે, તેમ નથી લાગતું?
નાગરિકોને મળેલા બંધારણીય અધિકારો હેઠળ નીચલી અદાલતોમાં અપાતા ચૂકાદાઓ સામે અપીલ કરવાનો અધિકાર મળે છે અને પોક્સો જેવા કેસોમાં અપીલોની પણ ઝડપભેર સુનાવણી થાય અને દુષ્કર્મ કરનારા ભેડિયાઓને અત્યંત કડક સજાનો અમલ પણ નિયમાનુસાર પણ ઝડપથી થાય, તે ઉપરાંત સમાજમાં ફેલાઈ રહેલી બેખોફ વિકૃતિઓના કારણોના મૂળમાં જઈને સમાંતર લોકજાગૃતિ તથા યુવાવર્ગને ગુનાખોરી તથા વિકૃત માનસિક્તા તરફ ધકેલાતો અટકાવવાના ઉપાયો કરવા માટે હવે સમાજ, સરકાર, સંસ્થાઓ તથા ન્યાયક્ષેત્રે સહિયારા પ્રયાસો વધારવા જ પડે તેમ છે, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial