દાયકાઓ સુધી ચાલતા દાવાઓ અને વર્ષો સુધી ચાલતા કેસોમાં કેમ દમ નથી રહેતો?
સામાન્ય રીતે સુપ્રિમ કોર્ટ દ્વારા થતી તંત્રોની તથા સરકારોની ઝાટકણીના ઘણાં અહેવાલો હેડલાઈન્સ બનતા હોય છે, જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત વિવિધ સુનાવણીઓ દરમિયાન ન્યાયિક પ્રક્રિયાનો ગેરફાયદો ઊઠાવતા અરજદારોને ઠપકો આપીને આ રીતે વારંવાર પીઆઈએલ કે અન્ય અરજીઓ કરવા ટેવાયેલા કેટલાક અરજદારોને દંડ પણ ફટકારતી હોય છે. ઘણી વખત નીચલી અદાલતોના ફેંસલા પલટાવતી હોય છે, તો ઘણી વખત અદાલતી પ્રક્રિયા દરમિયાન થતા બિનજરૃરી વિલંબ અને મુદ્તો લેવાની પરંપરા (અથવા આદત) ની ટીકા પણ થતી હોય છે.
તારીખ...પે...તારીખ...
તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટે અદાલતોમાં વારંવાર પડતી મુદ્તો અંગે ટિપ્પણી કરી હતી અને પક્ષકારો, વકીલો તથા તંત્રોને વારંવાર મુદત પાડવાની મનોવૃત્તિ પર અંકુશ લગાવવાની જરૃર હોવાની પરોક્ષ ટકોર પણ કરી હતી. એ પછી મીડિયામાં 'તારીખ પે તારીખ'વાળો ફિલ્મ અભિનેતા સની દેઓલનો ફિલ્મી ડાયલોગ પણ ચર્ચામાં આવ્યો હતો, અને આ મનોવૃત્તિ પર અંકુશ માટે ન્યાય સંબંધિત તમામ સંબંધિત તંત્રો અને સંસ્થાઓ તથા મંડળોના સહિયારા પ્રયાસોની જરૃર પણ જણાવાઈ હતી.
વર્ષો પછી કેટલાક કેસો
નિરર્થક બની જાય છે
અદાલતોમાં પેન્ડીંગ રહેતા કેટલાક કેસોમાં વર્ષો સુધી તારીખો પડતી રહે, સુનાવણીઓ થતી રહે, છતાં નિવેડો આવતો નથી અને કોઈપણ નિર્દોષને સજા ન થઈ જાય, તે સિદ્ધાંત હેઠળ ફોજદારી કેસોમાં આરોપો નિશંકપણે પૂરવાર કરવા પડતા હોવાથી લંબાતી જતી સુનાવણી પછી રાત-દિવસ એક કરીને પણ ન્યાયાધિશો ચૂકાદા આપે પછી પણ ઉપલી અદાલતોમાં ક્રમબદ્ધ અપીલો થવાનો આરોપીઓને અધિકાર હોવાથી અંતિમ ન્યાય આવતા સુધીમાં ઘણી વખત દાયકાઓ વીતી જતા હોય છે, અને આ કારણે ઘણી વખત સાક્ષીઓ હોસ્ટાઈલ થવા, સ્વયં ફરિયાદીઓ ફરી જવા, મહત્ત્વપૂર્ણ સાક્ષીઓનું કે ફરિયાદી-આરોપીઓનું નિધન થઈ જવું, કેટલાક કિસ્સાઓમાં પુરાવાના દસ્તાવેજો નહીં મળવા, ફાઈલો ગુમ થઈ જવી કે અદાલતની સુનાવણીઓમાં આરોપી, ફરિયાદીઓ કે સાક્ષીઓ હાજર નહીં થતા તે પછી થતી કાનૂની પ્રક્રિયાઓ પછી પણ આ સીલસીલો ચાલુ રહેતા કેસમાં સમયબદ્ધતા, સુસંગતતા કે સાતત્ય રહેતું નથી, અને અંતે આ નિરર્થક કેસોનો ઉકેલ લાવવા કે નિકાલ લાવવા કાં તો પુરાવાના અભાવે ભાગેડુ આરોપીઓને પણ શંકાનો લાભ આપીને છોડી મૂકવા પડતા હોય છે, અથવા કેટલાક કેસોમાં વજુદ કે પક્ષકારો જ હયાત નહીં રહેતા તે અનિર્ણાયક રહેતા હોય છે અથવા રદ પણ કરવા પડતા હશે ને?
જથ્થાબંધ અરજીઓ સામે લાલ આંખ
તાજેતરમાં જ સુપ્રિમકોર્ટે પ્લેસેઝ ઓફ વર્શિપ એક્ટની સાત અરજીઓ સંદર્ભે થનારી સુનાવણી અટકાવી દીધી હતી. મુખ્ય ન્યાયાધિશે આ સંદર્ભે કહ્યું કે અરજીઓ અદાલતમાં દાખલ કરવાની પણ એક મર્યાદા હોય છે. તે પછી અદાલતે લગભગ ૧૮ અરજીઓની કાર્યવાહી તત્કાલ અસરથી અટકાવી દીધી હતી, જેમાં ઘણાં સંવેદનશીલ મુદ્દાઓ સામેલ હતાં, તેમ છતાં જુદા જુદા પક્ષ દ્વારા એક પછી એક અરજીઓ અદાલતમાં દાખલ કરાતી હતી.
આ રીતે અવારનવાર એક જ પ્રકારના મુદ્દે થતી અરજીઓ પણ અદાલતનો સમય બરબાદ કરતી હોય છે, અને વિલંબિત ન્યાયનું એક મોટું કારણ પણ બનતી હોય છે.
ગરીબોને સ્વૈચ્છાએ યુવાન વકીલની મદદની અદાલતે કરી પ્રશંસા
એક યુવાન વકીલે ગરીબ પક્ષકારને એક કેસમાં નિઃશુલ્ક કાનૂની મદદ કરી, તેને ટાંકીને સુપ્રિમ કોર્ટના જજોએ કહ્યું હતું કે, ગરીબ પક્ષકારો તરફથી કેસ લડતા વકીલ સમાજને આ પ્રકારના દૃષ્ટાંતથી એવો સંદેશ આપી શકાય છે કે કાનૂની વ્યવસાય માત્ર સિદ્ધાંતમાં નહીં પણ વ્યવહારમાં પણ ન્યાયની ઉપલબ્ધિ અને કાનૂન સમક્ષ સમાનતાના અધિકાર માટે હોય છે. સુપ્રિમ કોર્ટના બે જજોની ખંડપીઠે આ પ્રશંસા એક યુવા વકીલે સ્વૈચ્છાએ ગરીબ પક્ષકારને કરેલી મદદની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. અદાલતે એમ પણ કહ્યું કે વકીલો ગરીબ પરિવારોને તેઓની તકરારો કે વિવાદો સમાધાનપૂર્વક ઉકેલવામાં પણ મદદરૃપ થઈ શકે છે, અને મધ્યસ્થતા કરીને સુલેહ કરાવી શકે છે. અદાલતે કહ્યું કે જ્યારે પક્ષકારો સમાધાનકારી રસ્તે જવા તૈયાર હોય, ત્યારે તેને પ્રોત્સાહિત કરીને સકારાત્મક યોગદાન આપવું જોઈએ. મીડિયા અહેવાલો મુજબ એક કેસમાં ગરીબ પક્ષકારનો ઉલ્લેખ કરીને અદાલતે કહ્યું હતું કે, 'વકીલ સંચાર આનંદ એક અરજદાર તરફથી બે વર્ષમાં ૧૪ વખત ઉપસ્થિત રહ્યા હતાં. અરજદારની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી તે વકીલને એક પણ પૈસો આપી શકાયો નહોતો, છતાં આ પક્ષકારને ન્યાય અપાવવા આ યુવાન વકીલે જે સ્વૈચ્છિક યોગદાન આપ્યું છે, તે સરાહનિય અને અનુકરણીય છે.'
અદાલતે એમ પણ કહ્યું કે, 'વર્તમાન યુગમાં વ્યવસાયિકરણ અને પ્રતિસ્પર્ધા ઝડપભેર વધી રહ્યા છે, ત્યારે કાનૂની વ્યવસાય પણ તેનો શિકાર બનવા લાગ્યો છે. તેવામાં આ પ્રકારની નિઃસ્વાર્થ સેવાના કારણે એક પ્રકારની 'દુર્લભ' ખુશી થઈ રહી છે.'
અદાલતે ભારપૂર્વક કહ્યું હતું કે, કાનૂની ક્ષેત્રમાં વકીલોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, જેઓ ન્યાયાલય અને પક્ષકારો-બન્નેને સહાયભૂત થવાની જવાબદારી ઊઠાવે છે.
આ પ્રકારના યુવા વકીલે પ્રસ્તુત કરેલી સેવા ભાવનાના દૃષ્ટાંતો મર્યાદિત સાધનો કે આર્થિક રીતે નબળા પરિવારોને પણ એવો વિશ્વાસ આપે છે કે સુપ્રિમ કોર્ટ સુધી તેઓ ન્યાય મેળવવા પહોંચી શકે છે. આ યુવા વકીલ જેવા ઘણાં દૃષ્ટાંતો હશે, અને તેની વ્યાપક પ્રસિદ્ધિ થવી જરૃરી છે, અને તે પ્રેરણાદાયી પણ બની શકે છે, ખરૃં ને?
અંગ્રેજી ભાષાની સાથે સાથે
ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતીના ઉપયોગની માગણી... પણ...?!
ગુજરાત હાઈકોર્ટમાં રોજીંદી ન્યાયિક પ્રક્રિયામાં અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતી ભાષાનો અધિકૃત રીતે ઉપયોગ થઈ શકે, તે માટે ઘણાં વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે. આ અંગે 'મારો ન્યાય, મારી ભાષામાં'ના સૂત્ર હેઠળ પ્રબુદ્ધ નાગરિકો સાથે યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ર૧ મી ફેબ્રુઆરીના માતૃભાષા દિને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પછી પહેલી મે ના ગુજરાત રાજ્ય સ્થાપના દિને આગળના કાર્યક્રમો યોજાશે. તેવો સ્વીકૃતિ નહીં મળતા આ મુદ્દો અટકી ગયો હતો.
એ પછી વર્ષ ર૦રર માં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પૂર્વ લીડર્સ દ્વારા પણ આ મુદ્દે પત્રવ્યવહાર કર્યો હતો. એવું કહેવાય છે કે ગુજરાત બાર કાઉન્સિલનું પણ આ મુદ્દે સમર્થન મળે તેમ છે, ત્યારે એક વખત ફરીથી અંગ્રેજી ભાષાના વિકલ્પ તરીકે નહીં, તો પણ અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટમાં ઉપયોગ કરવા દેવાની માંગણી હવે વધુ બુલંદ બની રહી છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...?!
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial