Sensex

વિગતવાર સમાચાર

જામનગરના આંગણે વડાપ્રધાનનું આગમન... ગુજરાતમાં રાજનીતિનો ત્રિવેણી સંગમ?

આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, અને બે દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસ પછી તેઓ ફરીથી સાત-આઠ માર્ચે ગુજરાતના પ્રવાસે આવવાના છે, જ્યારે બીજી તરફ લગભગ ૬ દાયકા પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પણ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે. આજે અને કાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ગુજરાતમાં છે. તેઓ તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે હતાં. ગૃહમંત્રીની ગુજરાતના વધી રહેલા પ્રવાસો તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અઠવાડિયા જેટલા સમયમાં ગુજરાતની બે દિવસની મુલાકાત ઘણી જ સૂચક છે, અને ગુજરાતમાં કાંઈક 'મોટું' થવા જઈ રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ ભાજપમાં તો ટૂંક સમયમાં ધરમૂળથી ફેરફાર થવાના છે તે નક્કી જ છે, પરંતુ રાષ્ટ્રીય કક્ષાની સર્વોચ્ચ નેતાગીરીના ગુજરાતના પ્રવાસો અચાનક વધી રહ્યા છે, તે જોતા તો એવી અટકળો થવા લાગી છે કે માત્ર રાજ્યમાં ભાજપના સંગઠનમાં જ નહીં, પરંતુ સરકારમાં પણ કાંઈક નવાજુની થઈ શકે છે. ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તો ઠીક-ઠીક કામ કરી રહેલી જણાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સંગઠનમાં છૂપો અસંતોષ તથા સરકાર સામે ધીમી ગતિએ ઊભી થઈ રહેલી એન્ટી-ઈન્કમબન્સીના ફીડબેક મળ્યા હશે, અને તેથી જ વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીએ પોતાના હોમસ્ટેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હશે, તેવી ગુસપુસ પણ રાજકીય ગલિયારાઓમાં થઈ રહી હોવાનું ચર્ચાય છે.

પ્રયાગરાજમાં કુંભમેળો સંપન્ન થયો કે તરત જ ગુજરાતમાં શરૃ થયેલી હલચલ જોતા ટૂંક સમયમાં રાજ્યમાં રાજનીતિનો કુંભમેળો ભરાશે, તેમ જણાય છે. અત્યારે ગુજરાતમાં કેન્દ્રિય મંત્રીઓના પ્રવાસો તો વધી જ રહ્યા છે, અને ભાજપની સર્વોચ્ચ નેતાગીરી ઉપરાંત સંઘના કેટલાક પ્રચારકો પણ સક્રિય થયા હોવાની વાતો વચ્ચે કાંઈક તો નવું થવાનું છે તેવા અંદાજો થઈ રહ્યા છે.

ગુજરાતની ચૂંટણીને તો વાર છે, પરંતુ બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે શું બિહારની ચૂંટણીનું બ્યુગલ ગુજરાતથી ફૂંકાવાનું છે કે પછી ભાજપના 'ગુજરાત મોડલ' પર બિહારમાં વધુમાં વધુ બેઠકો જીતીને બિહારમાં પણ ધમાકેદાર સીંગલ પાર્ટી સરકાર રચવાની રણનીતિ ઘડાઈ રહી છે? તેવા અનુમાનિત સવાલો પણ પૂછાઈ રહ્યા છે.

પ્રયાગરાજમાં ગંગા, યમુના તથા 'ગુપ્ત' સરસ્વતીના સંગમ સ્થાને પવિત્ર મહાકુંભ યોજાઈ ગયો, અને હવે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને 'લૂપ્ત' થતી જતી આમ આદમી પાર્ટીના રાજકીય ત્રિવેણી સંગમ રચાઈ રહ્યો હોય, તેમ નથી લાગતું?

તાજેતરમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ફટકો પડ્યો, પરંતુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કેટલાક સ્થળે આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર ફતેહ મેળવી, તેથી 'આપ'નું ફોકસ પણ હવે દિલ્હીથી સિફ્ટ થઈને પંજાબ તથા ગુજરાત પર કેન્દ્રિત રહેશે, તેવા કેટલાક વિશ્લેષકો માને છે.

એવું કહેવાય છે કે કોંગ્રેસનું ગુજરાતમાં મજબૂત શાસન હતું, તે સમયે ભાવનગરમાં વર્ષ ૧૯૬૧ માં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, પરંતુ તે પછીથી કોઈએ ગુજરાત પર બહું ધ્યાન આપ્યું નહીં, તેથી ૧૯૯૦ થી ર૦૦૦ ના દાયકા દરમિયાન ગુજરાત કોંગ્રેસના હાથમાંથી સરકી ગયું, અને હજુ સુધી કોંગ્રેસ વાપસી તો કરી શકી નથી, પરંતુ વર્ષ-પ્રતિવર્ષ ધોવાણ થતું રહ્યું છે. તેથી હવે કોંગ્રેસે ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજીને મોદી-શાહની જોડીને તેઓની હોમપીચ પરથી જ પડકારવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસના અંતરંગ વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશનની સાથે જ કોંગ્રેસ વર્ષ ર૦ર૭ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી પણ શરૃ કરી દેશે, અને ત્રણ-ત્રણ દાયકાથી ગુજરાતમાં સત્તાથી વિમુખ થઈને સતત ઘસાતી રહેતી કોંગ્રેસની સત્તામાં વાપસી થાય, તેવા પ્રયાસો સઘન બનાવશે અને કોંગ્રેસ ગુજરાતમાં જ વર્ષ ર૦ર૭ માં ભાજપને હરાવી શકે, તો વર્ષ ર૦ર૯ માં લોકસભાની ચૂંટણીમાં સફળતા મેળવવાનો રસ્તો પણ સાફ થઈ જાય, તેવું કોંગ્રેસ માને છે. તેવા વિશ્લેષણોની સાથે સાથે વિશ્લેષકો આને 'ઈફ એન્ડ બટ' વચ્ચેની કાલ્પનિક સંભવનાઓ પણ ગણાવે છે.!!

ગુજરાત અને બિહારમાંથી ભૂતકાળમાં પણ એવા જન-આંદોલનો પ્રગટ્યા છે, જેમણે દેશની રાજનીતિમાં ક્રાંતિ લાવી દીધી હતી. ગાંધીજી, સરદાર પટેલ, આંબેડકર, જયપ્રકાશ નારાયણ, કર્પુરી ઠાકુર જેવા રિવોલ્યુશનરી જનનેતાઓ ગુજરાત અને બિહાર જેવા રાજ્યો સાથે સંકળાયેલા હતાં, તો વર્તમાન સદીમાં અન્ના હજારેના આંદોલને પણ રાજનીતિની દશા અને દિશા બદલી નાંખી છે, જેઓ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા ગાંધીવાદી નેતા છે.

જે હોય તે ખરું, આજે દેશના વડાપ્રધાન જામનગરમાં પધારી રહ્યા છે, ત્યારે તેઓનું હરખભેર સ્વાગત થાય, તે પણ સ્વાભાવિક જ છે ને? વેલકમ પ્રધાનમંત્રીજી... છોટીકાશીમાં આપનું સ્વાગત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial