પાકિસ્તાન સામે વિજય મેળવ્યા પછી ગઈકાલે ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિન્સ ટ્રોફીની વન-ડેમાં વિજય મેળવ્યો, તેથી ગ્રુપ 'એ'માં ટીમ ઈન્ડિયા ટોપ પર પહોંચી અને હવે આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ રમશે. ન્યુઝીલેન્ડ સામેનો વિજય ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધારશે, તેની સાથે સાથે ક્રિકેટ રસિયાઓનો રોમાંચ પણ પરાકાષ્ટાએ પહોંચશે તે નક્કી છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી છોટીકાશીમાં તંત્રોની દોડધામ મચી રહી હતી અને ક્રિકેટના રોમાંચની જેમ નગરમાં વડાપ્રધાનનું આગમન થવાનું હોવાથી લોકોમાં કુતૂહલ અને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓમાં જુસ્સો પણ વધી રહ્યો હતો. શાનિવારે સાંજે વડાપ્રધાને નગરમાં રાત્રિ મૂકામ કર્યો અને તે પહેલા એરપોર્ટથી સરકીટ હાઉસના માર્ગે દિગ્જામ સર્કલથી પાઈલોટ બંગલા સુધી નગરજનોનું અભિવાદન પણ ઝીલ્યું, તે પછી ગઈકાલે વડાપ્રધાને વનતારાની મુલાકાત લીધી અને સોમનાથ તરફ ગઈકાલે પ્રયાણ કર્યું.
એક તરફ ક્રિકેટ રસિયાઓ ક્રિકેટની મોજ માણી રહ્યા હતાં, અને બીજી તરફ ગઈકાલે પી.એમ. પ્રોગ્રામ પછી તંત્રોએ સંતોષજનક રાહતનો શ્વાસ લીધો હશે. એકંદરે વડાપ્રધાનની જામનગરની મુલાકાત સંતોષજનક રીતે સંપન્ન થઈ ગઈ. તંત્રો-મીડિયા અને નેતાઓ-કાર્યકર્તાઓ વ્યસ્ત રહ્યા હતાં, અને આયોજન સમુસુતર પાર ઉતરી ગયું તેનો સંતોષ પણ વર્તાઈ રહ્યો હતો.
બીજી તરફ વડાપ્રધાનની જામનગરની મુલાકાત દરમિયાન સુરક્ષા અને સુવિધાને લક્ષ્યમાં લઈને નગરના કેટલાક માર્ગો કામચલાઉ ધોરણે બંધ કરાયા હતાં, અને તેના વિકલ્પે અન્ય માર્ગો સૂચવાયા હતાં, તેથી એરપોર્ટ અને એરફોર્સ તરફથી સાત રસ્તા થઈને ટાઉનહોલ તરફ જતા તથા આ સર્કલોને જોડતા અન્ય માર્ગોના તમામ ટ્રાફિક વૈકલ્પિક માર્ગે વાળવામાં આવ્યો, તે પછી ઠેર ઠેર ટ્રાફિક જામના જે દૃશ્યો સર્જાયા, તેમાંથી એક નવી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. વીવીઆઈપીની સુરક્ષા માટે ચૂસ્ત બંદોબસ્ત અનિવાર્ય હોય છે, પરંતુ પબ્લિકનું ધ્યાન પણ રાખવું તો જોઈએ ને? તેવા જનપ્રતિભાવો છે.
શનિવારે વડાપ્રધાનના આગમન પહેલા જ અગાઉથી જાહેર થયેલા જાહેરનામા મુજબના નગરના માર્ગો બંધ કરી દેવાયા હતાં, અને તે પછી આ ચોવીસેય કલાક ટ્રાફિકથી ધમધમતા રહેતા મુખ્ય માર્ગોને ટ્રાફિક જાહેરનામામાં સૂચવેલા મોટાભાગના વૈકલ્પિક માર્ગો તરફ વાળવામાં આવતા ટ્રાફિક જામ તથા અફડાતફડીની સમસ્યા સર્જાઈ ગઈ હતી. વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક નિયમન કરવાની કે વાહનોને યોગ્ય દિશામાં વાળવા માટે માર્ગદર્શનની વધારાની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવતા નગરજનો જ નહીં, બહારથી આવતા લોકો તથા વાહનો પણ હાલાકીમાં મૂકાયા હતાં અને લબડધક્કે ચડ્યા હતાં. તંત્રે સ્થાનિક વૈકલ્પિક માર્ગો તરીકે ઉપયોગમાં લેવાતી કેટલીક શોર્ટકટ શેરીઓમાં પાર્ક કરેલા વાહનો એક દિવસ પૂરતા હટાવ્યા હતાં, તો પણ થોડી રાહત થઈ હોત, ખરૃં કે નહીં?
આ સ્થિતિ કાંઈ નવી નથી, અને જ્યારે જ્યારે પી.એમ., રાષ્ટ્રપતિ, ગવર્નર, મુખ્યમંત્રી કે વિદેશી સત્તાવાર મહેમાનો હાલારની મુલાકાતે આવે છે, ત્યારે ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે, કારણકે આખું વહીવટીતંત્ર વીવીઆઈપી રૂટો પર જ ગોઠવાઈ જતું હોય છે, અને જે માર્ગો-વિસ્તારો કે સંકુલો લોકોની અવર-જવર માટે બંધ કરાયા હોય, તેના વૈકલ્પિક માર્ગો પર ડબલ ટ્રાફિક થાય, કે અન્ય કોઈ સમસ્યા ઊભી થાય તો તેના નિવારણ માટે વધારાની વ્યવસ્થાઓ તો ઊભી કરાતી જ નથી, પરંતુ ઘણી વખત રોજીંદી વ્યવસ્થાઓને પણ પાંખી કરી નાંખવામાં આવતી હોય છે, તેથી અસંતોષ પણ થતો હોય છે કે મહાનુભાવો આવે, ત્યારે જનતા ગૌણ બની જતી હોય છે, અને લોકોને તંત્રો રામભરોસે છોડી દેતા હોય છે!
આથી જામનગર સહિતના મેટ્રોપોલિટન શહેરો તથા દ્વારકા જેવા યાત્રાધામોમાં, જ્યાં અવારનવાર વીવીઆઈપી મહાનુભાવોની અવર-જવર રહેતી હોય, તેવા સ્થળો માટે કોઈ કાયમી વીઆઈપી-વીવીઆઈપી પ્રોટોકોલ પોલિસી જિલ્લા તંત્રે કાયમી ધોરણે ઘડી રાખવી જોઈએ, તેમ નથી લાગતું?
નગરની મુલાકાતે આવનાર વીઆઈપી કે વીવીઆઈપીને મળેલી સુરક્ષા વ્યવસ્થાની શ્રેણી, રૂટ, રોકાણ, કાર્યક્રમોનો પ્રકાર, (રોડ-શો, સભા કે મિટિંગ, રાત્રી મૂકામ વગેરે), આવનાર મહાનુભાવો તથા સ્થાનિક મહાનુભાવોની સંખ્યા, હાજર રહેનાર પબ્લિકની અંદાજીત સંખ્યા, સંભવિત રોકાણ અને આકસ્મિક રોકાણ કે કાર્યક્રમમાં સંભવિત ફેરફાર વગેરે તમામ પાસાઓ તથા તેમાં બંદોબસ્ત માટે માનવબળ તથા સાધનોનું માઈક્રોપ્લાનિંગ કરીને તેના સંદર્ભે સ્થાનિક પરિવહન, નગરજનો કે પ્રજાજનો તથા બીમાર વ્યક્તિઓને લઈ જતા વાહનો (માત્ર એમ્બ્યુલન્સ નહીં, તમામ પ્રકારના દર્દીવાહક વાહનો), સ્મશાન યાત્રાઓ, મંગલ પ્રસંગો, વરઘોડાઓ તથા કેટલાક ખાસ દિવસોમાં નિયમિત રીતે પરંપરાગત્ ધાર્મિક-સામાજિક યાત્રાઓ વગેરેને અડચણ ઊભી ન થાય, તેવી રીતે વીઆઈપી-વીવીઆઈપી વિઝિટ સમયે પૂર્વ-નિર્ધારિત માર્ગો (રૂટ) નક્કી કરવા જોઈએ, અને પ્રતિબંધ મૂક્યા પછી લોકોને ઓછામાં ઓછી પછીના વૈકલ્પિક માર્ગો પર પૂરેપૂરી ટ્રાફિક નિયમન, સુરક્ષા, સુવિધા, તથા માર્ગદર્શનની વિવેકપૂર્ણ વ્યવસ્થાઓ થઈ શકે, તેવું કાયમી સ્થિતિસ્થાપક પ્લાનિંગ તૈયાર રાખવું જોઈએ, અને વૈકલ્પિક વ્યવસ્થાઓનું માઈક્રોપ્લાનિંગ વીવીઆઈપી કે વીઆઈપી માટે થતા પ્લાનિંગની સમકક્ષ અને તેટલી જ ગંભીરતાથી થવું જોઈએ, ખરૃં કે નહીં?
આ પ્રકારે ઘડાયેલા કાયમી વીઆઈપી-વીવીઆઈપી વિઝિટ પરમેનન્ટ પ્રોટોકોલથી તંત્રોને પણ જે-તે સમયે દોડધામ ઓછી થઈ શકે છે.
પબ્લિકને અસહ્ય પરેશાની થાય ત્યારે લોકોનો અણગમો, અસંતોષ કે આક્રોશ તો જે-તે વીઆઈપી-વીવીઆઈપી મહાનુભાવો પ્રત્યે જ પ્રગટતો હોય છે, તેની નોંધ લઈને સ્થાનિક સંબંધિત નેતાઓ-આગેવાનો અને આયોજકોએ પણ આ પ્રકારના કાર્યક્રમો સમયે નગર કે સંબંધિત વિસ્તારની આમજનતા સમાન મહત્ત્વ આપીને કાયમી આયોજન ઘડી રાખવું જોઈએ, ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial