ટેકનોલોજિકલ ઈવોલ્યુએશન એટલે કે તકનિકી ક્રાંતિના કારણે માનવજીવનમાં ઘણાં બદલાવ આવ્યા છે અને અનેક પ્રકારની સુવિધાઓ વધી છે. એક સમય એવો હતો, જ્યારે બેન્કીંગ સુવિધાઓ માટે બેંકોમાં જઈને લાંબી કતારમાં બેસવું પડતું અથવા ઊભવું પડતું અને નાણા જમા કરાવવા, ઉપાડવા કે ડ્રાફ્ટ કઢાવવા માટે વારો આવે, તેની રાહ જોવી પડતી. આજે આ લાઈનો ઘટી રહી છે અને નેટબેન્કીંગ વધી રહ્યું છે. તેનું કારણ કોમ્પ્યુટરાઈઝ ઓનલાઈન બેન્કીંગ સુવિધાઓ પછી હવે ઝડપભેર વિસ્તરી રહેલી સ્માર્ટ ફોન ઓનલાઈન બેન્કીંગ સુવિધાઓ છે.
નેટબેન્કીંગમાં સાયબર ફ્રોડથી સાવચેત પણ રહેવું પડે અને અધુરા જ્ઞાનના કારણે કદાચ અટવાવું પડે, પરંતુ જો પૂરેપૂરા સેફગાર્ડઝ સાથેની નેટબેન્કીંગ ટેકનિનો ઉપયોગ કરવામાં આવે, તો નેટબેન્કીંગ ઘણું જ સરળ થવા લાગ્યું છે. ફોન દ્વારા નેટબેન્કીંગ અત્યારે ઘેર-ઘેર પહોંચ્યું છે અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ હવે બિઝનેસ તથા અન્ય ચૂકવણીઓથી આગળ વધીને તમામ પ્રકારના ઘરેલુ નાણાકીય વ્યવહારો માટે પણ થવા લાગ્યો છે. હવે તો ગૃહિણીઓ પણ ફટાફટ ઓનલાઈન શોપીંગ અને ખાવા-પીવાની ચીજવસ્તુઓની હોમ-ડિલિવરી મેળવી રહી છે.
સ્માર્ટ ફોનને સાંકળતો દિલ્હી હાઈકોર્ટનો એક ચૂકાદો આજે ચર્ચાનો વિષય બન્યો છે. મીડિયા અહેવાલો મુજબ દિલ્હીની હાઈકોર્ટે શાળાઓમાં સ્માર્ટ ફોન લઈ જવા પર સ્થાયી પ્રતિબંધ મૂકવાને અયોગ્ય કદમ ગણાવ્યું છે, અને સ્કૂલો માટે ગાઈડલાઈન્સ આપી છે.
દિલ્હી હાઈકોર્ટે સ્કૂલોમાં સ્માર્ટફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરતા જણાવ્યું છે કે આ વલણ અવ્યવહારૂ અને અનિચ્છનિય છે. મોબાઈલ સ્માર્ટ ફોન પર પ્રતિબંધ મૂકવાના બદલે અદાલતે બાળકો દ્વારા સ્માર્ટ ફોનનો નિયંત્રિત ઉપયોગ થાય તે અંગે દિશાનિર્દેશો આપ્યા છે. દિલ્હી હાઈકોર્ટની આ ગાઈડલાઈન્સ માત્ર મર્યાદિત વિસ્તાર કે કેસ રિલેટેડ સ્કૂલ માટે નહીં, પરંતુ દેશવ્યાપી અનુસરણને પાત્ર છે.
અદાલતે કહ્યું કે, આજના યુગમાં અદ્યતન ટેકનોલોજી શિક્ષણનું અભિન્ન અંગ બની ગઈ છે, ત્યારે સ્માર્ટફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો એ સુસંગત નથી, પરંતુ અવાસ્તવિક કદમ છે. બાળકો સ્માર્ટફોનથી પોતાના માતા-પિતાના સતત સંપર્કમાં રહી શકે છે, જરૂર પડ્યે કોઈની હેલ્પ માંગી શકે છે અને પોતાનું લોકેશન બતાવી શકે છે. તેથી તેની સિક્યુરિટી (સુરક્ષા અને સલામતી) સુનિશ્ચિત રહે છે.
અદાલતે એમ પણ કહ્યું છે કે સ્માર્ટ ફોન સાથે રાખવાની છૂટનો અર્થ એવો પણ નથી કે સતત સોશિયલ મીડિયા કે મનોરંજનમાં વ્યસ્ત રહેવું.
સ્ક્રીન પરથી નજરો હટાવી જ નહીં, અને આજુબાજુની દુનિયાને ભૂલી જઈને મોબાઈલ ફોનમાં ખોવાયેલું રહેવું કે પછી સતત ગેઈમ રમ્યા કરવી, વગેરે કૂટેવો સામે બાળકો અને વાલીઓને સાવધ કરતા કોર્ટે કહ્યું કે શક્ય હોય તો શાળામાં શિક્ષણના સમયે વિદ્યાર્થીએ પોતાના ફોન સ્કૂલ દ્વારા કરેલી વ્યવસ્થા મુજબ જમા કરાવી દેવા જોઈએ. વર્ગખંડ, પ્રાર્થના હોલ કે શાળાના વાહનોમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ અટકાવવા આ પ્રકારની સ્થાયી વ્યવસ્થાઓ થઈ શકે છે.
અદાલતે સ્કૂલ સંચાલકો, શિક્ષણ વિભાગ તથા સરકારને ઉદ્દેશીને જણાવ્યું કે બાળકોએ ઓનલાઈન વર્તણૂંક, ડિજિટલ મેનર્સ અને સેલફોનના લિમિટેડ યુજ અંગે કમ્પલ્સરી એજ્યુકેશન પૂરૃં પાડવાની ખાસ જરૂર છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ મનોરંજન માટે જ સ્માર્ટફોનનો ઉપયોગ ન કરે, તેની વિશેષ કાળજી રાખવી જોઈએ. વિદ્યાર્થીઓ-બાળકો ટેકનોસેવી બને તે જરૂરી છે, પરંતુ તેઓ સેલફોન એડિક્ટ ન બની જાય, તેનો ખાસ ખ્યાલ સ્કૂલો, વાલીઓ તથા સહયોગીઓએ રાખવો જ જોઈએ.
આપણે બાળક હજુ ફીડીંગ કરતું હોય, ત્યાં તેની સામે સેલફોન ધરી દઈએ છીએ અને બાળકને ભોજન કરાવવા, રડતું છાનુ રાખવા કે પોતાના કામકાજમાં ખલેલ ન પહોંચે, તે માટે બાળકને સેલફોનમાં વ્યસ્ત રાખવા માટે સ્માર્ટફોનનો એક પૂરક સહાયકની જેમ ઉપયોગ કરીએ છીએ, તે જ બાળકને સ્માર્ટફોન એડિક્ટ બનાવી દ્યે છે અને બાળક મોટું થતા સોશિયલ મીડિયા એડિક્ટ પણ થઈ જાય છે, જેના કેટલા ખતરનાક વિપરીત પરિણામો આવતા હોય છે, જેના ઘણાં દૃષ્ટાંતો રોજ-બ-રોજ આપણી સામે આવતા હોય છે, તેમ છતાં આપણે જાગૃત થતા નથી, તે પણ હકીકત જ છે ને?
સોશિયલ મીડિયાનો વ્યાપક સદુપયોગ પણ થઈ રહ્યો છે અને જનજાગૃતિનું આ મહત્ત્વપૂર્ણ માધ્યમ બન્યું છે, પરંતુ આ જ માધ્યમનો કેટલી ભયાનક રીતે દુરૂપયોગ પણ થઈ રહ્યો છે, તેથી જ બાળકોને શિશુકાળથી જ ટેકનોસેવી બનાવીએ, પરંતુ ફોન એડિક્ટ ન થવા દઈએ તે અત્યંત જરૂરી છે, તેમ નથી લાગતું?
ખાસ કરીને નાના બાળકોના વર્ગખંડો, ટ્યુશન ક્લાસીસમાં શિક્ષકોએ અને ઘરે માતા-પિતા-પરિવારે પણ તેઓની સામે જ સ્માર્ટફોન-સોશિયલ મીડિયાના માધ્યમથી ભદુ મનોરંજન માણવાથી દૂર રહેવું જોઈએ. ટૂંકમાં બાળકોને તદ્ન પ્રતિબંધિત કરીને નહીં, પરંતુ સતત પ્રશિક્ષિત કરીને જ સ્માર્ટફોનનો સદુપયોગ કરતા શિખવી શકાય અને સ્માર્ટફોન-અયોગ્ય સોશિયલ મીડિયાની લત લાગવાથી બચાવી શકાય... રાઈટ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial