Sensex

વિગતવાર સમાચાર

ઈન્ડિયા ઈન ફાયનલ... અમેરિકા ઈઝ બેક... ટોક ઓફ ગ્લોબ...

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત જનાદેશ સાથે ચૂંટાયેલા હોવાથી તેની અને અમેરિકાની તાકાત વધી છે અને આજે તેમણે અમેરિકન કોંગ્રેસને સંયુક્ત સંબોધન કરતા જુસ્સાપૂર્વક 'અમેરિકા ઈઝ બેક' જેવા શબ્દો સાથે કહ્યું કે, હવે અમેરિકા સાચી દિશામાં જઈ રહ્યું છે, અને દેશનો સૂવર્ણકાળ શરૂ થયો છે. તેમણે રાષ્ટ્રપતિપદે શપથગ્રહણ કર્યા પછી તરત જ ૧૦૦ જેટલા વહીવટી આદેશો પર હસ્તાક્ષર કર્યા તેનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હવે અમેરિકામાં 'ફી સ્પીચ' એટલે કે અભિવ્યક્તિની આઝાદીની વાપસી થશે.

ટ્રમ્પના આજના ભાષણ પર આખી દુનિયાની નજરો મંડાયેલી હતી. જેવી રીતે ભારતમાં વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથવિધિ પછી સંસદને પ્રથમ સંબોધન કર્યું તેવા જ અંદાજથી ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમેરિકન સંસદને સંબોધી રહેલા જણાયા હતાં, અને કહ્યું હતું કે હવે પછીનો મારો પ્રત્યેક દિવસ અમેરિકન માટે છે. તેમણે પણ પૂર્વની વિપક્ષની સરકારની ટીકા કરી અને પોતાની સરકારના ભરપૂર વખાણ કર્યા.

આજના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ પર માત્ર અમેરિકા જ નહીં, પરંતુ આખી દુનિયાની નજર હતી. ટ્રમ્પના આજના ભાષણ પરથી જ અમેરિકાની વૈશ્વિક રણનીતિ, યુદ્ધો તથા ટેરિફના કડક નિર્ણયો પછીના ટ્રમ્પની કેવી અર્થનીતિ તથા સંરણનીતિ હશે, તેના પર પણ આખી દુનિયાની નજર હતી. યુક્રેનની મદદ બંધ કરી અને ત્રણ દેશોના ટેરિફ વધાર્યા પછી હવે ટ્રમ્પ ભારત સહિતના મિત્રદેશો સાથે કેવું વલણ અપનાવશે, તેના સંકેતો પણ ટ્રમ્પના આજના ભાષણમાંથી મળવાના હતાં.

એક દાયકા પહેલા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેને જે જનાદેશ મળ્યો હતો, તેના કરતા આ વખતે પ્રચંડ જનાદેશ મળ્યો હોવાથી તેનો જુસ્સો વધ્યો છે. વર્ષ ર૦૧૪ પછી વર્ષ ર૦૧૯ ની ચૂંટણીમાં ભારતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જ પ્રકારનો પ્રચંડ જનાદેશ મળ્યો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ એનડીએની બહુમતિ પર બન્યા છે, જ્યારે ભાજપની બેઠકો બહુમતી સુધી પહોંચી શકી નથી, તેનો ઉલ્લેખ કરીને ઘણાં લોકો ટ્રમ્પ અને મોદીની કાર્યપદ્ધતિ, લોકપ્રિયતા અને મક્કમતાની સરખામણી પણ કરવા લાગ્યા છે અને હવે તે પ્રકારના વિશ્લેષણો પણ પ્રેસ-મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોવા મળશે.

ટ્રમ્પે તેમના ભાષણમાં પૂર્વ રાષ્ટ્રપતિ બાઈડેનની આકરી ટીકા કરી અને ઈલોન મસ્કની ભરપૂર પ્રશંસા કરી. તેમણે ડિમોક્રેટ્સની નીતિઓની આલોચના કરી અને પોતાના પક્ષના સ્વાભાવિક રીતે જ પેટ ભરીને વખાણ કર્યા.

ટ્રમ્પના ભાષણમાંથી તેમની હવે પછીની રણનીતિ તો ઝલક જ હતી, પરંતુ કેટલાક તદ્ન નવા અભિગમોનો અણસાર પણ જોવા મળ્યો હતો. તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થાને ભ્રષ્ટ ગણાવી, યુનોના માનવાધિકાર પંચ તથા પેરિસ ક્લાઈમેટ કરાર, ગ્રીન ન્યુ સ્કેમ તથા ઈ.વી. વાહનોને લગતી અમેરિકન પોલિસી હેઠળના નિયમો વગેરે અંગે જે કાંઈ નિર્ણયો લીધા તેની વૈશ્વિક અસરો પડવાની છે. એટલું જ નહીં, અમેરિકા તરફથી કેટલાક ગરીબ દેશોને મળતી વિવિધ પ્રકારની સહાય બંધ થઈ જશે, તેની પણ આંતરરાષ્ટ્રીય ઘેરી અસરો પડવાની છે, અને રાજકીય સમીકરણો પણ તદ્ન બદલી જશે, તે નક્કી છે.

જેવી રીતે ભારતની સંસદમાં પી.એમ. મોદીએ વિકસિત ભારતની પરિકલ્પના રજૂ કરી હતી, તેવી જ સ્ટાઈલથી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હવે અમેરિકાનો સૂવર્ણયુગ શરૂ થયો છે, અને અમેરિકનોના સપના હવે સાકાર થવા જઈ રહ્યા છે. અમેરિકા હવે નવી સફળતાઓની ઊડાન ભરશે, અને અમેરિકા ફર્સ્ટની નીતિઓને જ અનુસરશે, તેમ જણાવીને ટ્રમ્પે અમેરિકામાં હવે બે જેન્ડર જ રહેશે, તેવી જે વાત કરી, તેના સંદર્ભે પણ એક નવી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

જો કે, વ્હાઈટ હાઉસે પણ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે, આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધોનનો વિષય 'અમેરિકન સપનાઓનું નવીનિકરણ' છે. એનો મતલબ એવો થાય કે આ સંબોધન 'સ્ટેટ ઓફ ધ યુનિયન' હેઠળ નહીં ગણાય, પરંતુ અમેરિકન કોંગ્રેસ (સંસદ) માં કરેલું સામાન્ય સંબોધન (જનરલ સ્પીચ) જ ગણાશે.

ભારતમાં આમ તો આજે સૌથી વધુ ચર્ચા ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને રસાકસીભરી સેમિફાઈનલ મેચમાં હરાવીને ફાયનલમાં પ્રવેશ મેળવ્યો, તેની થઈ રહી છે, પરંતુ આજે ટ્રમ્પના ભાષણ પછી તેની ભારત પર કેવી, કેટલી અને ક્યારથી અસરો પડશે, તેમજ ભારત-અમેરિકા વચ્ચેના મૈત્રિપૂર્ણ સંબંધો પર નવી ટ્રમ્પ નીતિની અસરો અંગે પણ અનુમાનો થવા લાગ્યા છે અને દરે ભારત-અમેરિકા સંબંધો ઉપરાંત બદલી રહેલા વૈશ્વિક સમિકરણો વચ્ચે ભારતની ભૂમિકા કેવી હશે, અને ટ્રમ્પની ભારત પ્રત્યેની નીતિરીતિ પ્રથમ કાર્યકાળની સરખામણીમાં કેટલી બદલી ગઈ છે, તેની ચર્ચા પણ થઈ રહી છે.

ટ્રમ્પે ઘૂસપેઠિયાઓ ક્રાઈમ કરે છે, તેવું કહીંને ભારતીયો સહિત વિવિધ દેશોના ગેરકાયદે અમેરિકામાં રહેતા લોકોને કડક સંદેશ આપ્યો છે, તેની સાથે જ અમેરિકામાં ગેરકાનૂની રીતે લાંબા સમયથી રહેતા હોય તેવા લોકોને તો ચિંતા થવાની જ છે, તેની સાથે સાથે સંબંધિત દેશો સાથેના સંબંધો તથા વૈશ્વિક રાજનીતિની દૃષ્ટિએ પણ ઘૂસપેઠ અટકાવવા અંગે ટ્રમ્પનીતિની દૂરગામી તથા તત્કાલિન અસરો પણ થવાની છે.

ટ્રમ્પે કેટલાક નિર્ણયો ભારતની કોપી કરીને લીધા હોવાના તારણો પણ કેટલાક વિશ્લેષકો કાઢી રહ્યા છે, તો ચીન અને ભારત સહિત અન્ય દેશો જે ટેરિફ અમેરિકાથી થતી આયાત પર લગાવે છે, તેટલો જ ટેરિફ અમેરિકા તે દેશો પર લગાવશે, તેવી ટ્રમ્પનીતિમાં કોઈ બદલાવ થયો હોય તેમ જણાતું નથી. જોઈએ... હવે શું થાય છે તે...''

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial