Sensex

વિગતવાર સમાચાર

ગુજરાતમાં શૈક્ષણિક સુવિધાઓનું સત્ય... દલા તરવાડીની વાડી જેવું તો નથી ને?

ગઈકાલે વિધાનસભામાં અપાયેલી માહિતી મુજબ ગુજરાતમાં શૈક્ષણિક સુવિધાઓની ઘટ અંગે રાજ્યમાં ચર્ચા થઈ રહી છે, અને રાજ્યમાં અદ્યતન શિક્ષણની હાંકવામાં આવતી ગુલબાંગોની ટીકા સાથે સરકારની જ આંકડાકીય વિગતોનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે.

અહેવાલો તો એવા છે કે, હાલારમાં સરકારી સ્કૂલોમાં ૬ર૮ વર્ગખંડોની ઘટ, જેમાં જામનગરની દોઢસો જેટલી સ્કૂલમાં ૩ર૩ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૧૦ સરકારી સ્કૂલોમાં ૩૦પ વર્ગખંડોની અછત છે. કેટલાક જિલ્લાઓમાં તો સેંકડો ઓરડાઓ એટલા જર્જરિત છે કે બાળકો કદાચ જીવના જોખમે શિક્ષણ મેળવવા મજબૂર બન્યા હશે.

સંખ્યાબંધ શાળાઓમાં ઓરડાઓ ઘટે છે, તો ઘણી સ્કૂલોમાં જર્જરિત વર્ગખંડો છે, તેવી આંકડાકીય માહિતી ઉપરાંત રાજ્યમાં શિક્ષકોની પણ ઘટ હોવાનું ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકારવું પડ્યું છે. સરકાર એવી દલીલ કરે છે કે શિક્ષકોની ખાલી જગ્યાઓની સામે જ્ઞાનસહાયકોની ભરતી કરીને શિક્ષણને બહેતર બનાવાઈ રહ્યું છે, અને કેટલીક સરકારી શાળાઓ તો એટલું સુંદર કામ કરી રહી છે કે ખાનગી સ્કૂલમાંથી સદ્ધર પરિવારોના બાળકો પણ સરકારી સ્કૂલો તરફ આકર્ષાઈ રહ્યા છે.

બીજી તરફ એવી વિગતો પણ બહાર આવી રહી છે કે હાલારમાં બે હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. દ્વારકા જિલ્લામાં ૧ર૦૦ થી વધુ અને જામનગર જિલ્લામાં ૮૦૦ થી વધુ શિક્ષકોની ઘટ છે. એવી જ રીતે ગીરસોમનાથમાં પણ ર૦૦ થી વધુ શિક્ષકો ઘટે છે.

શિક્ષણ જગતના વર્તુળોમાં થતી ચર્ચા મુજબ હાલારમાં બે હજારથી વધુ શિક્ષકોની ઘટ છે, તેની સામે માત્ર પ૦૦ જેટલા જ્ઞાનસહાયકોની જ ભરતી કરવામાં આવે છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો પૂરા સવાસો જ્ઞાન સહાયકો પણ નિમાયા નથી. આ આંકડાઓ સરકારના વિવિધ દાવાઓની પોલ ખોલી નાંખે છે, તેમ નથી લાગતું?

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે શિક્ષણમંત્રીને પ્રશ્ન પૂછ્યો, જેના જવાબમાં જણાવાયું કે ૩૧ મી ડિસેમ્બરની સ્થિતિમાં રાજ્યમાં ૩૩૭ ગવર્મેન્ટ પ્રાયમરી સ્કૂલ્સમાં માત્ર એક જ ઓરડો છે. સરકારી જવાબ મુજબ કેટલીક શાળાઓમાં બાળકોની સંખ્યા ઓછી છે, અને કેટલીક શાળાઓમાં વધુ ઓરડાઓ બાંધવાની જમીન ઉપલબ્ધ નથી. કેટલીક એવી સ્કૂલો પણ છે, જ્યાં શિક્ષકો ઓછા છે. આ ખૂટતી કડીઓ માટે સરકાર ઝડપભેર કાર્યવાહી કરી રહી હોવાનો દાવો કરાયો હતો.

કોંગ્રેસ જ નહીં, સત્તાધારીપક્ષના ધારાસભ્યો પણ વિધાનસભામાં શિક્ષણ ક્ષેત્રે પોતાના વિસ્તારની સુવિધાઓ સહિતના રાજ્યવ્યાપી પ્રશ્નો કરી રહ્યા છે. એક ભાજપી ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં સરકારી જવાબ ચોંકાવનારો હતો. સરકારે સ્વયં સ્વીકાર્યું કે છોટા ઉદેપુર જિલ્લામાં બસ્સોથી વધુ સ્કૂલ્સમાં ફોલ્ડીંગ વર્ગખંડો છે. જર્જરિત ઓરડાઓની ફરિયાદ કરીને ત્યાંની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ નવા ઓરડાઓની પ્રપોઝલ જ કરી નથી!

વિપક્ષી ધારાસભ્યોનો આક્ષેપ એવો છે કે સરકાર શિક્ષણ ક્ષેત્રે ઝડપભેર કામોની મંજુરી આપતી હોતી નથી, જ્યારે જનપ્રતિનિધિઓ માટે વાહનો ખરીદવા હોય, ભથ્થા વધારવા હોય કે તેઓના નિવાસ કે સુખ-સગવડતાની સુવિધાઓ કે અદ્યતન સાધન-સામગ્રી ખરીદવી હોય, ત્યારે ફટાફટ મંજુરીઓ મળી જતી હોય છે. આવું શા માટે?

એ પણ હકીકત છે કે બે-ત્રણ દાયકાઓ પહેલા સરકારી સ્કૂલો તથા શિક્ષણની જે સ્થિતિ હતી, તેમાં ઉત્તરોત્તર સુધારા-વધારા થતા રહ્યા છે, પરંતુ તેમાં કેટલાક જાગૃત ધારાસભ્યો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત સરપંચોની જાગૃતિનો સિંહફાળો રહ્યો છે. જે વિસ્તારની નેતાગીરી શિક્ષણ પ્રત્યે સંવેદનશીલ અને જાગૃત રહે છે ત્યાં સરકારી સ્કૂલો સહિતની મૂળભૂત જરૂરિયાતોના કામોની મંજુરી પણ ઝડપથી મળતી હોય છે, અને કામોનું નિર્માણ પણ સમયસર અને ગુણવત્તાસભર થતું હોય છે, ખરૃં કે નહીં?

એક કહેવત છે કે 'આગેવાન આંધળો, તેનું કટક કૂવામાં, કે જ્યાં નેતાગીરી નબળી હોય, ત્યાંના લોકોને મનોવાંચ્છિત સુખ-સુવિધાઓ તો નથી મળતી, ઉલટાના પરેશાનીના પહાડ નીચે દબાઈ જવું પડતું હોય છે. જે વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રની સુવિધાઓ પર્યાપ્ત કે સંતોષજનક ન હોય, તે વિસ્તારના જનપ્રતિનિધિઓને ઢંઢોળવાની જરૂર છે, પછી ભલે તે કોઈપણ રાજકીય પક્ષના હોય કે અપક્ષ હોય, ખરૃં કે ખોટું?

ગુજરાતમાં 'નકલી'નો રાફડો ફાટ્યો છે, ત્યારે હવે નકલી અથવા ડમી વિદ્યાર્થીઓનો મુદ્દો પણ એક વખત ફરીથી ચર્ચાસ્પદ બન્યો છે. કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે એસબીએસઈ દ્વારા ઓચિંતી તપાસ કરીને ૧૪ સ્કૂલોમાં ડમી વિદ્યાર્થીઓ પકડાતા તેની માન્યતા રદ્ થઈ ગઈ હોવાની ઘટના જ રાજ્યમાં ચાલતા લોલંલોલની પોલ ખોલે છે. કેન્દ્રિય સ્કૂલોમાં અપાતા શિક્ષણ તથા તેની દેખરેખની જેની જવાબદારી હોય છે, તે જિલ્લા શિક્ષણ ખાતાને જાણ કર્યા વિના જ કેન્દ્રિય ટીમે રેડ પાડી હોવાનો ઘટનાક્રમ જ એવું પૂરવાર કરે છે કે, એસબીએસઈને રાજ્યના શિક્ષણતંત્ર પર વિશ્વાસ જ નથી અને ડમી વિદ્યાર્થીઓ પકડાયા, તે તેનો પુરાવો પણ છે ને?

એવું કહેવાય છે કે રાજ્યના શાળા સંચાલકો તરફથી પણ ડમી સ્કૂલો તથા ડમી વિદ્યાર્થીઓ અંગે રાજ્ય સરકારના તંત્રોને ચેતવવામાં આવ્યા હતાં, પરંતુ કોઈએ ધ્યાન જ આપ્યું નથી. શું આ લાપરવાહી છે, આંખ આડા કાન કરવાની મનોવૃત્તિ છે કે પછી મિલીભગત છે, તે તો ઊંડી તપાસ થાય તો જ ખબર પડે ને... દલા તરવાડીની વાર્તા જેવું બની રહ્યું હોય તેમ લાગે છે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial