ડાયાલીસીસ વિભાગ તજજ્ઞ તબીબો, શ્રેષ્ઠ સાધનો અને નિષ્ઠાવાન સ્ટાફને કારણે છે 'આદર્શ'
જામનગરની જી.જી. હોસ્પિટલને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ માનવામાં આવે છે અહી અગણિત દર્દીઓ નવજીવન પામ્યા છે. અહીનો ડાયાલીસીસ વિભાગ પણ છેલ્લા ૩ દાયકાથી પણ વધુ સમયથી કિડનીનાં દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપી રહૃાો છે. હાલ હોસ્પિટલની નવી બહુમાળી ઇમારતમાં નવમા માળે કાર્યરત હિમોડાયાલીસીસ વિભાગમાં ૨૭ મશીન કાર્યરત છે ઉપરાંત ઇન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇ.કે.ડી.આર.સી) અમદાવાદ દ્વારા વધુ ૫ મશીન ફાળવવામાં આવ્યા છે. આ તકે 'નોબત' નાં પત્રકાર આદિત્ય દ્વારા ડાયાલીસીસ વિભાગની મુલાકાત લઇ મેડીસીન વિભાગનાં વડા ડો. મનિષ મહેતા, ડાયાલીસીસ વિભાગનાં ઇન્ચાર્જ ડો. અજય તન્ના તથા નર્સિંગ ઇન્ચાર્જ ધર્મેન્દ્ર ભટ્ટ સાથે સંવાદ કરી સમગ્ર વિભાગની કામગીરી અંગે જાણકારી મેળવવામાં આવી હતી.
ડો. મનિષ મહેતાએ વર્ષ ૧૯૯૦ માં ૧ મશીનથી આરંભ થયેલ અહીંનાં ડાયાલીસીસ વિભાગને આઇ.કે.ડી.આર.સી દ્વારા વર્ષ ૨૦૧૪ તથા ૨૦૧૯ માં ફાળવાયેલા મશીનો સહિત હાલ કુલ ૨૭ મશીન કાર્યરત હોવાની માહિતી આપી હતી.
ઇન્ચાર્જ ડો. અજર તન્નાએ નવા પાંચ મશીન મંજૂર થઇ ગયા હોવાની માહિતી સાથે ટૂંક સમયમાં જ ૩૨ મશીન કાર્યરત થતા વધુ દર્દીઓ સારવારનો લાભ લઇ શકશે એમ જણાવ્યું હતું.
નર્સિંગ ઇન્ચાર્જ ધર્મેન્દ્રભાઇ ભટ્ટ વર્ષ ૧૯૯૦ થી એટલેકે વિભાગનાં કાર્યરત થયાનાં સમયથી જ અહીં સેવારત હોવાથી બહોળા અનુભવ અને નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવી સમગ્ર વિભાગનાં સંચાલનમાં મહત્વની કડી છે.
અહીં ૨૪ કલાક કાર્યરત ડાયાલીસીસ યુનિટમાં મહિને સરેરાશ ૧૮૦૦ ડાયાલીસીસ થાય છે. કમળા અને એઇડ્સ સહિતનાં રોગનાં દર્દીઓના તેમજ વેન્ટિલેટર અને બાયપેપ સહિતનાં સાધનો પર નિર્ભર જોખમી સ્થિતિમાં રહેલા દર્દીઓનાં પણ અહી ડાયાલીસીસ થાય છે.
કિડની ફેઇલ થયાનું પ્રથમ વખત નિદાન થનારા દર્દીઓ માટે સેન્ટ્રલ લાઇન (ડાયાલીસીસ પોર્ટ) છે. જેમાં દર મહિને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત પોરબંદર, જૂનાગઢ અને કચ્છ જિલ્લાનાં સરેરાશ ૪૦-૫૦ દર્દીઓ નવા નોંધાય છે. દર વર્ષે દર્દીઓની સંખ્યામાં સરેરાશ ૧૦% વધારો જોવા મળે છે.
ડો. અજય તન્ના જણાવે છે કે કોવિડ પીરીયડમાં એટલેકે મહામારીનાં સમયમાં પણ અહીં ૯૮ દર્દીનાં ૨૫૮ ડાયાલીસીસ કરવામાં આવ્યા હતાં.
વિભાગમાં ટુ સ્ટેજ આર.ઓ. સિસ્ટમ અંતર્ગત ૦ થી ૫ ટી.ડી.એસ. લેવલનું પાણી ઉપલબ્ધ છે. જે ડાયાલીસીસ સારવારમાં મુખ્ય કહી શકાય. આર.ઓ. નાં વેસ્ટ વોટરનો પણ રિયુઝ કરવામાં આવે છે અને ૩૦ હજાર લીટર પાણી પુનઃઉપયોગમાં લેવામાં આવે છે.
હિમોગ્લોબીન વધારવા માટેનાં મોંઘા ઇન્જેકશનોથી લઇ સારવાર સંલગ્ન જરૂૂરી તમામ દવાઓ પણ અહીંથી જ નિઃશુલ્ક આપવામાં આવે છે.
દરેક દર્દીને જરૂરિયાત મુજબ અઠવાડીયામાં બે કે ત્રણ દિવસ ડાયાલીસીસ કરવા માટે શક્ય હોય ત્યાં સુધી દર્દી અને તેનાં પરીવારની સગવડતા અનુસાર શિડ્યુલ (સારવારનો સમય) નિશ્ચિત કરી આપવામાં આવે છે. ઉપરાંત આયુષમાન કાર્ડ ધરાવતા દર્દીઓને દરેક ડાયાલીસીસ પર ૩૦૦ રૂૂ. ટ્રાન્સપોર્ટેશન ફી પણ ચૂકવવામાં આવે છે.ગાઇડલાઇન અનુસાર દરેક દર્દીનાં નિયત સમયાંતરે નિશ્ચિત પરીક્ષણો પણ કરાવવામાં આવે છે.
દર્દીઓને સ્વજનો જેવી હૂંફ અને ઘર જેવુ વાતાવરણ મળી રહે એ માટે અહીંનાં સ્ટાફનાં નિષ્ઠાપૂર્વકનાં પ્રયાસોને બિરદાવી ડાયાલીસીસ નર્સિંગ ઇન્ચાર્જ ધર્મેન્દ્રભાઇ ભટ્ટ ટેક્નિશીયન રાજેન્દ્ર જોશી તથા અમૃત ઠાકર સહિતનાં સ્ટાફનો નામોલ્લેખ કરી ૬ વ્યક્તિનાં નર્સિંગ સ્ટાફ, ૧૬ ટેક્નિશીયન, ૪ અટેન્ડેન્ટ તથા ૩ આયાબેન સહિતની ટીમ દર્દીઓ માટે ખડેપગે હોવાનું જણાવે છે. વિભાગીય વડા તથા ઇન્ચાર્જ ડોક્ટરનું સતત અને સચોટ માર્ગદર્શન સમગ્ર સારવારને સફળ બનાવે છે.
ડો. મનિષ મહેતા ડાયાલીસીસ વિભાગમાં ૭ વર્ષથી સારવાર લઇ રહેલ તેમનાં એક સ્નેહીજનનો પરિચય કરાવી તેમનાં જેવા અન્ય દર્દીઓનાં અનુભવ વર્ણવી અહીં ૧ વર્ષથી માંડી ૧૫ વર્ષથી પણ વધુ સમયથી નિયમિત સારવાર લેતા દર્દીઓ પણ હોવાની માહિતી આપી હતી.
દરેક દર્દીને અહીં એવા હૂંફભર્યા વાતાવરણમાં સારવાર મળે છે કે તેઓને ઘર જેવું અનુભવાય છે. મોટાભાગનાં દર્દીઓ અહી નિયમિત ડાયાલીસીસ કરાવવાની સાથે જ પોતાનાં વ્યવસાયની પ્રવૃત્તિઓ કરવા સહિતની સામાન્ય જિંદગી જીવે છે.
અહીં લાંબા સમયથી સારવાર લઇ રહેલ એક દર્દીનાં સ્નેહીજન સુનિલભાઇ કોઠારીએ પણ પોતાનાં અનુભવો વર્ણવી વિભાગની કામગીરીને ઉત્તમ ગણાવી હતી.
આઇ.કે.ડી.આર.સી. અમદાવાદનાં એવન ડાયાલીસીસ પ્રોગ્રામ (એડીપી) અંતર્ગત જામનગર જી.જી.હોસ્પિટલનાં ડાયાલીસીસ વિભાગને મશીનથી લઇ ટેક્નિસીયન અને અટેન્ડેન્ટ સહિતનો મેનપાવર પણ સપ્લાય થાય છે.
ડાયાલીસીસ નર્સિંગ ઇન્ચાર્જ ધર્મેન્દ્રભાઇ ભટ્ટ આઇ.કે.ડી.આર.સી, જી.જી.હોસ્પિટલનાં હોદ્દેદારો, વિભાગીય વડાઓ તથા આયુષમાન કાર્ય ઓફિસર સહિતનાં લોકો સાથે સંકલન સાધીને દર્દીને સરળતાથી સારવાર સહિતની તમામ સુવિધા મળી રહે એ માટે કાર્યરત છે.
ડો.મનિષ મહેતા ડાયાલીસીસ યુનિટમાં ૫૦ મશીન કાર્યરત થાય અને વર્તમાન કરતા લગભગ બમણા દર્દીઓ સારવારનો લાભ લઇ શકે એવો ધ્યેય હોવાની તથા બંને આઈસીયુમાં પણ ડાયાલીસીસની સુવિધા ઉભી કરવા સહિતનાં લક્ષ્ય માટે પ્રતિબદ્ધ હોવાની વાત કરી હતી.
સંપૂર્ણ વિડિયો જોવા માટે લિંક પર ક્લિક કરો:
આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial