જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વિનુભાઈ ભંડેરી અને શહેર ભાજપ પ્રમુખ તરીકે બીનાબેન કોઠારીની નિમણૂક થઈ, અને દેવભૂમિ દ્વારકા જિલલાના ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી રિપિટ થયા છે, જેની ભાજપ દ્વારા ઉજવણી થઈ રહી છે. પ્રેસ મીડિયા દ્વારા વિવિધ વિશ્લેષણો સાથે ટિપ્પણીઓ થઈ રહી છે, તો વિપક્ષી વર્તુળોમાં કટાક્ષવાણી સંભળાઈ રહી હોય, તે સ્વાભાવિક છે.
આવતીકાલે મહિલા દિનની ઉજવણી થનાર છે, ત્યારે તે પહેલા જ જામનગરના શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી બન્યા, તેને નગર તથા મહિલાઓના ગૌરવ તરીકે ગણાવાઈ રહ્યું છે.
જામનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે વિનુભાઈ ભંડેરીની નિમણૂક પછી એવી ટકોર પણ થઈ રહી છે કે હવે 'નગરની મનની વાત' પણ 'ઉચ્ચકક્ષા' સુધી સરળતાથી પહોંચી શકશે... ખરૃં ને?... સમજદાર કો ઈશારા બહોત!!
એક તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવા હોદ્દેદારોની ઉજવણી ભાજપ દ્વારા થઈ રહી છે, તો બીજી તરફ રાષ્ટ્રીય નેતાગીરી પણ ગુજરાત તરફ આવી રહેતી હોવાથી ગુજરાતમાં નેશનલ પોલિટિક્સ પણ ચર્ચાની એરણે ચડ્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનું પલડું ભારે રહ્યા પછી ભારતીય જનતા પક્ષના નેતાઓ તથા કાર્યકર્તાઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બીજી તરફ વિરોધ પક્ષો પણ પરાજય પછી વધુ સક્રિય થઈને સંગઠનને મજબૂત બનાવવા વધુ સક્રિય થઈ રહેલા જણાય છે.
આજે કોંગી નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે છે અને હવે રાજીવ ગાંધી ભવનમાં મેરેથોન બેઠકો યોજીને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકર્તાઓનો જુસ્સો વધારવો, અને સંગઠનની બુનિયાદ વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરશે, તેવા મીડિયા અહેવાલો છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ અઠવાડિયામાં બીજી વખત આજથી ગુજરાતની મુલકાતે છે. નવસારી અને સુરત જિલ્લાઓમાં યોજાનારા શ્રેણીબદ્ધ કાર્યક્રમો દરમિયાન વડાપ્રધાન કોઈ મોટી જાહેરાત કરશે, તેવા અનુમાનો લગાવાઈ રહ્યા છે.
ભાજપના બીજા દિગ્ગજ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ આ વીક-એન્ડમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, અને ગુજરાત બારકાઉન્સિલના એક મેગા પ્રોગ્રામ સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.
આમ, રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં વારંવાર આવી રહ્યા છે, ત્યારે રાજ્યમાં નજીકમાં કોઈ ચૂંટણી નહીં હોવા છતાં કાંઈક મોટું રાજકીય ગણિત મંડાઈ રહ્યું હોય, તેવી અટકળો થઈ રહી છે. ગુજરાતમાં વિધાનસભા પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ધોવાણ થયા પછી કોંગ્રેસનું સંગઠન ધરમૂળથી બદલીને મજબૂત કરવાના ફીડબેક પણ કોંગ્રેસની હાઈકમાન્ડ સુધી પહોંચ્યા પછી કદાચ રાહુલ ગાંધીનો આ પ્રવાસ ગોઠવાયો હશે, તેવી અટકળો વચ્ચે આજે સાંજ સુધીમાં કોંગ્રેસ તરફથી અથવા ખુદ રાહુલ ગાંધી તરફથી શું કહેવામાં આવે છે, કેવા નિવેદનો આવે છે અથવા વિશેષ પ્રેસકોન્ફરન્સ યોજીને પ્રેસ-મીડિયાને શું જણાવવામાં આવે છે, તેના પરથી કોંગ્રેસની ગુજરાતને લઈને આગામી રણનીતિ તથા વ્યૂહરચનાનો અંદાજ આવી શકે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રકાસ પછી હવે કોંગ્રેસને નવેસરથી સમિકરણો રચવા પડી રહ્યા હોય તેમ જણાય છે.
જો કે, ભાજપમાં પણ બધું બરાબર નથી. કેટલીક વિધાનસભાની ચૂંટણીઓ પછી રાષ્ટ્રીય કક્ષાએ નવા પરિપ્રેક્ષ્યમાં ભાજપ મજબૂત થયું, પરંતુ જાણે કે ભરતી મેળા યોજ્યા હોય, તેમ વિરોધપક્ષના નેતાઓને ભાજપમાં સામેલ કર્યા પછી ભાજપમાં આંતરિક જુથવાદ વધુ ને વધુ વધી રહ્યો છે, તે પણ ઓપન સિક્રેટ જ છે ને?
સુરેન્દ્રનગરના થાનમાં ફરીથી મગફળીનું ગોડાઉન સળગી ઊઠ્યું અને ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો વિપુલ જથ્થો ખાખ થઈ ગયો, તે દુર્ઘટનાએ ભૂતકાળના અગ્નિકાંડોની યાદ તાજી કરાવી દીધી છે. મગફળીના કૌભાંડોને ઢાંકવા આ આગ લગાડાઈ છે કે અગ્નિકાંડ જ એક કૌભાંડ છે, તેવા પ્રશ્નો ઊઠી રહ્યા છે.અધિકારીઓ-કૌભાંડિયાઓની મિલીભગત છે, ખરેખર કોઈ શુદ્ધબુદ્ધિપૂર્વકની ભૂલ થઈ ગઈ છે કે પછી ટોપ ટુ બોટમ સુધી સડો પેશી ગયો છે, તે તો તટસ્થ તપાસ પછી જ ખબર પડશે ને?
આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થનાર છે, ત્યારે દિલ્હીની ભાજપ સરકારે ચૂંટણીના વાયદા મુજબ મહિલાઓના ખાતામાં રૂ. અઢી હજાર જમા કરાવવાની પ્રક્રિયા અંગે અપનાવેલી રણનીતિ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતની મુલાકાત અને રોડ-શો વગેરે કાર્યક્રમોની સાથે સાથે ભારતીય જનતા પક્ષની આંતરિક રણનીતિ તથા વ્યૂહરચના માટે થઈ રહેલી હલચલની અટકળ વચ્ચે કાંઈક નવું થાય, અથવા કાંઈક મોટું કદમ ઊઠાવાય, કે મોટા ફેરફારો થાય, તેવી પ્રબળ સંભાવનાઓ દર્શાવાઈ રહી છે.
હાલારમાં નગરપાલિકાઓના નવા હોદ્દેદારો તથા તે પછી ભાજપના નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવીએ અને પ્રજાની અપેક્ષાઓમાં ખરા ઉતરે, તેવું ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial