ન્યાયમાં વિલંબ એટલે અન્યાયનો આરંભઃ 'સિસ્ટમ' ક્યારેય નહીં સુધરે?
એક કહેવત છે કે જે પાણીએ મગ ચડતા હોય, તે પાણી જ રસોઈમાં વાપરવું, અર્થાત્ લક્ષિત પરિણામ મેળવવા માટે જે પદ્ધતિ કે માધ્યમ ઉપયોગી બની શકે તેમ હોય, તેનો જ ઉપયોગ કરવો જોઈએ.
સફળ મેનેજમેન્ટ માટે ઘણાં લોકો આ કહેવતનો પ્રયોગ કરીને પોતાની ટીમ, સહયોગીઓ કે પાર્ટનર્સ પાસેથી કામ લેતા હોય છે. ઘણાં કર્મચારીઓ શાંત, સક્રિય, સંનિષ્ઠ તો હોય જ છે, પરંતુ સહૃદયી અને સંવેદનશીલ પણ હોય છે. તેઓ શિસ્તબદ્ધ રીતે કામ તો કરતા જ હોય છે, પરંતુ જે-તે સંસ્થા, કંપની, પેઢી કે કચેરીને પોતાની માનીને જવાબદારીપૂર્વક પોતાની ફરજો ઉપરાંત પણ કામકાજ કરી લેતા હોય છે. ઘણાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પ્રકારની ફરજનિષ્ઠા ધરાવતા હોય છે. આ પ્રકારના લોકો જેની ટીમમાં હોય, તેઓ ખરેખર નસીબદાર ગણાય, કારણ કે ધારેલા લક્ષ્યો સિદ્ધ કરવામાં આ ફરજનિષ્ઠ સહયોગીઓનો સિંહફાળો હોય છે, અને તેઓની કદર પણ થવી જ જોઈએ ને?
કામઢી વહુ સૌને વહાલી
સરકારી કચેરી હોય કે કારખાનું હોય, સંસ્થા હોય કે કંપની હોય, રેસ્ટોરન્ટ હોય કે પેઢી હોય, સમાજ હોય કે સરકાર હોય, સીધા, સરળ અને મહેનતું કર્મચારીઓ પર જ કામનું ભારણ વધતું જતું હોય છે, અને કામ લેનાર મેનેજર હોય કે માલિક હોય, સંચાલક હોય કે ઈજારેદાર હોય, ઓફિસર હોય કે સુપરવાઈઝર હોય, આચાર્ય્ હોય કે પ્રાચાર્ય હોય, તે હંમેશાં ઝડપી, સચોટ અને તેની ઈચ્છા મુજબનું કામ કરતા હોય તેવા કર્મચારીઓને જ કામ વધુ સોંપતા હોય છે. આ એક નક્કર હકીકત જ છે ને? એક તળપદી કહેવત છે ને કે કામઢી વહુ સૌને વહાલી લાગે!
ખરેખર તો આ પ્રકારનો વિશ્વાસ જીતનાર કર્મચારી, અધિકારી કે હોદ્દેદાર માટે એ ગૌરવની વાત હોવી જોઈએ કે તેમના પર ભરોસો રાખનાર તેના ઉપ, શેઠ, માલિક કે મેનેજર માટે પોતે એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે અને અન્યોની સરખામણીમાં તેની ઉજ્જવળ અને સન્માનપાત્ર છાપ ઊભી થઈ રહી છે. આ પ્રકારનો ભરોસો જીતવો એ પણ એક સિદ્ધિ છે, અને ઝળહળતી સફળતાનું પ્રથમ સોંપાન છે.
સિક્કાની બીજી બાજુ
જો કે, ઘણી વખત આ પ્રકારનો 'ભરોસો' અને 'પ્રેમ' મતલબી મનોદશાનું માધ્યમ બની જાય અને શોષણ કરવાનું સાધન બની જાય, ત્યારે તેના લાંબા ગાળાના પરિણામો ઉભયપક્ષે બહુ સારા આવતા હોતા નથી. સિક્કાની બીજી બાજુ એવી છે કે જે વ્યવસ્થિત કામ આપતું તેના ભાગે લેબર આપે અને ધકેલપંચા દોઢસો અને મનમોજીલા રીઢા આળસુઓને લીલાલહેર હોય તેવી સ્થિતિના નિર્માણ પછી કાં તો સંનિષ્ઠ, પ્રામાણિક અને મહેનતું કર્મચારી કે કામદારની સેવાઓ ગુમાવવાનો વારો આવતો હોય છે, અથવા નિષ્ઠાપૂર્વક કામ કરતી વ્યક્તિ પણ ધીમે ધીમે બીજા સહકર્મીઓના માર્ગે જ ચાલવા મંડતી હોય છે. તેથી નિષ્ઠાવાન કર્મચારીઓ પાસેથી જો અન્યોની સરખામણીમાં વધુ કામ લેવામાં આવતું હોય તો તેની કોઈની કોઈ રીતે કદર પણ થવી જોઈએ, તેને મૂર્ખ માનીને કામ કઢાવતા રહેવાની મનોવૃત્તિ જ મૂર્ખામીભરી નિવડતી હોય છે, ખરૃં કે નહીં?
આવી કદર માત્ર કાવડિયાથી
નહીં, પરંતુ દિલથી જ થઈ શકે!
એક જુની તળપદી કહેવત છે કે માત્ર કાવડિયાંથી જ કોઈની સાચી કદર થઈ શકતી નથી, મતલબ કે માત્ર બોનસ કે ઈનામ આપી દેવાથી સાચી કદર થતી નથી, પરંતુ કદર તો દિલથી થાય... નાણા આપીને કે વધારાની ભેટ સોગાદ આપીને કોઈની કદર થતી નથી. માત્ર તેનું કામ પ્રત્યે લાગણી દર્શાવવાનો નાનો સરખો પ્રયાસ જ થતો હોય છે. સાચી કદર તો સાચો કદરદાન જ કરી શકે, અને અણમોલ રતન સમા પોતાના સહયોગીનું માન-સન્માન વધારીને અને જરૂર પડ્યે તેની પડખે ચટ્ટાનની જેમ ખડા રહીને જ થઈ શકે, જો કે આ વાત બધાને સમજાતી પણ હોતી નથી.
સ્વાર્થાધતાની સીમા
ઘણી વખત વિદેશી કંપનીઓ અને ગ્લોબલ કલ્ચર જોઈને આપણે બિઝનેસ, ઓર્ગેનાઈઝન કે સોસાયટીમાં આંધળુ અનુકરણ કરવા લાગીએ છીએ અને આપણી જ સંસ્થા, કંપની, પેઢી, બિઝનેસ કે સોસાયટીમાં ખૂબ જ ઉપયોગી હોય તેવા સ્ટાફ, સહયોગી, સ્વયંસેવક કે પાર્ટનરનું ઈમોશનલ શોષણ કરવા લાગીએ છીએ. નિષ્ઠાવાન કામદાર, સહયોગી કે સેવાભાવીઓનું શોષણ કરવું અને નકામા, આળસુ અને લાપરવાહ સ્ટાફ મેમ્બર્સ, સહયોગી કે ઢોંગીઓની આળપંપાર કરવી અથવા 'જે પાણીએ મગ ચડે, તે પાણીએ મગ ચડાવવા'ની કહેવત મુજબ વર્તવું તેને સ્વાર્થાંધતાની પરાકાષ્ટા જ કહેવાય ને? શોષણ અને ભેદભાવની ઉમર લાંબી હોતી નથી અને અંતે શોષણકારોનો (વહેલા-મોડો) અંજામ સારો હોતો નથી. તેવા ઈતિહાસમાં ઘણાં દૃષ્ટાંતો મળે છે.
અદાલતી ફેંસલાઓ અને આપ-લે
આ પ્રકારની સ્વાર્થાંધતા કે ઈરાદાપૂર્વકના ગુપ્ત શોષણને નૈતિક અન્યાય કરી શકાય, અને તેની હજુ સુધી કોઈ વ્યાખ્યા કે કાનૂન બન્યા નથી, અને આ પ્રકારની સુઆયોજીત શોષણખોરીનો કોઈ ચોક્કસ ઉપાય પણ નથી, પરંતુ શોષણ જ્યારે હદો વટાવી જાય અને જાતિય શોષણ કે અત્યાચાર સુધી પહોંચી જાય, ત્યારે તે ગુન્હો બને છે, અને તેની સામે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. આ પ્રકારે નોકરી, કામ-ધંધાના સ્થળે થતા ગુન્હાઓ કરનારા દોષિતોને અદાલતી કાર્યવાહી પછી કડક સજા થઈ હોય, તેવા પણ ઘણાં દૃષ્ટાંતો મળે છે.
આપણને ઘણી વખત એવું લાગે કે એક જ પ્રકારની કલમો હેઠળ નોંધાયેલા ગુન્હાઓના અદાલતી કાર્યવાહી પછી દોષિત પૂરવાર થયેલા ગુનેગારોને એક જ પ્રકારની સજા થવાના બદલે જુદા જુદા કેસોમાં જુદી જુદી સજા થાય છે અથવા કેટલાક કેસોમાં ગુનેગાર એક જ પ્રકારની કલમો હોવા છતાં નિર્દોષ છૂટી જાય છે, તેવું કેમ થતું હશે? હકીકતે અદાલતી ફેંસલાઓને આપણે આપણી રીતે મુલવતા હોઈએ છીએ. દરેક કેસના પુરાવા, સાક્ષી, પંચનામા, પદ્ધતિ અને મોટીવ (ઈરાદો) અલગ અલગ હોય છે. ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષની દલીલો પણ પ્રત્યેક કેસમાં અલગ-અલગ હોય છે, અને ગુન્હો કરનારના પૂર્વવૃતાંત એટલે કે હિસ્ટ્રીની નોંધ પણ લેવાતી હોય છે, તેથી સમાન પ્રકારના ગુન્હાઓમાં ઘણી વખત ચૂકાદા અલગ-અલગ આવતા હોય છે. કેટલીક વખત અદાલતોના ફેંસલાઓ આભાસી, વિરોધાભાસી કે અપૂર્ણ હોય તેવું લાગે, પરંતુ હકીકતે તેવું હોતું નથી, કારણ કે દરેક કેસના ગુન્હાદોષ, એવિડેન્સ, ઈન્ટેન્શન અને અંજામ અલગ અલગ હોય છે.
સિસ્ટમ ક્યારે ય નહીં સુધરે?
આપણે 'સિસ્ટમ' શબ્દ અવારનવાર સાંભળીએ છીએ. આ 'સિસ્ટમ' શબ્દ પણ વિવિધ ક્ષેત્રે અલગ-અલગ સંદર્ભ માટે વપરાય છે. મોટાભાગે આપણે સરકારી કાર્યપદ્ધતિ માટે 'સિસ્ટમ' શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે ઉપરાંત પણ મેડિકલ, એજ્યુકેશન, સાયન્સ-ટેકનોલોજી, મેથ્સ અને એન્જિનિયરીંગના ક્ષેત્રે પણ 'સિસ્ટમ' શબ્દ વપરાય છે. દરેક ક્ષેત્રમાં 'સિસ્ટમ' સુધારવાની ચર્ચા થતી રહે છે અને વખતોવખત 'સિસ્ટમ' સુધારવાની જરૂર પણ રહેતી હોય છે. વિલંબિત ન્યાય અને કેસોના ભરાવાના સંદર્ભે પણ ચર્ચા થતી રહે છે. ન્યાયમાં વિલંબ એટલે અન્યાયનો આરંભ ગણાય, તેથી જ હવે લો સેક્ટરમાં પણ એ જ સવાલ ઊઠી રહ્યો છે કે શું આ 'સિસ્ટમ' ક્યારેય નહીં સુધરે?
સમય રૈનાની 'સુપ્રિમ' ઝાટકણી શું સૂચવે છે?
યુ ટ્યુબર રણવીર અલ્લાહાબાદિયાનો કેસ ઘણો જ ચર્ચાસ્પદ બન્યો અને સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો, તે આપણે જાણીએ જ છીએ અને તેના પોડકાસ્ટ સામે મૂકાયેલા પ્રતિબંધને કેટલીક ચોક્કસ શરતો સાથે હટાવાયો, તે પણ સૌ જાણે છે. અદાલતે ર૮૦ જેટલા કર્મચારીઓની રોજી-રોટીની દલીલ તથા કદાચ પૂર્વવૃતાંત વગેરે ધ્યાને રાખીને સુપ્રિમ કોર્ટે અલ્લાહબાદિયાને આ રાહત આપી હતી, પરંતુ અદાલતે સમય રૈનાની ઝાટકણી કાઢી, તેની નોંધ અત્યારની યુવા પેઢીએ તથા ખાસ કરીને પોતાને વધારે પડતા હોંશિયાર સમજતા યુવાવર્ગે લેવા જેવી છે. સુપ્રિમ કોર્ટે રણવીર અલ્લાહબાદિયાને તો તેના શોમાં શાલિનતા તથા નૈતિક્તાના માપદંડો જણાવવાની સલાહ આપી, સાથે સાથે સમય રૈનાએ એકાદ મહિના પહેલા કનેડાની અનફિલ્ટર્ડ ટુર દરમિયાન અદાલતી કાર્યવાહીની ઊડાવેલી કથિત મજાક સંદર્ભે અદાલતે કહ્યું હતું કે, 'કદાચ તેમને ખબર નથી કે અદાલત પાસે કેટલી તાકાત છે.' અદાલતે એવી ચેતવણી આપી હતી કે સારી રીતે રહો નહીંતર તમારા જેવા સાથે કેવી રીતે કામ લેવું, તે અમને બરાબર આવડે છે, હો...!!
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial