Sensex

વિગતવાર સમાચાર

નારી શક્તિ મહાન... નારી તું નારાયણી... સિક્કાની બીજી બાજુ...

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી જ નારીશક્તિ પૂજાય છે, અને દુનિયાનો સૌથી લાંબો, મોટો અને અજાયબી સ્વરૂપ મનાતો નવરાત્રિ મહોત્સવ માતા આદ્યશક્તિના વિવિધ સ્વરૂપો પ્રત્યેની માતૃભક્તિનો જ મહોત્સવ છે. આપણી સંસ્કૃતિમાં માતા-પિતાને પૂજનિય ગણાવામાં આવે છે, અને મહિલાઓ પ્રત્યેનું સન્માન આપણી પ્રાચીન સંસ્કૃતિની મૂળભૂત ધરી છે. આપણા દેશમાં ઘણાં નારીરત્નો પાક્યા છે, અને અધર્મ, આસુરી શક્તિઓ અને અન્યાય સામેની લડતથી માંડીને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી પછી પણ મહિલા અધિકારો તથા માનવતા માટે સમર્પિત મહિલાશક્તિઓના અનેક ઉદાહરણો આપણી સંસ્કૃતિની તવારીખમાં ભરેલા પડ્યા છે. આપણે નારીશક્તિને મહાન માનીએ છીએ અને નારીને નારાયણીનો દરજ્જો આપીએ છીએ. તેમ છતાં કેટલાક વિકૃત માનસિક્તા ધરાવતા લોકોની બીભત્સ હરકતોના કારણે આપણા જ દેશમાં દૂષ્કર્મોની ઘટનાઓ બનતી રહે છે. હજુ પણ પુત્રવધૂ અને દીકરી વચ્ચે ઘણાં સ્થળે ભેદભાવ રખાય છે. હજુ પણ સાસરિયામાં ત્રાસ અપાત હોવાની ફરિયાદો ઊઠતી રહે છે. એટલું જ નહીં, હજુ પણ બાળલગ્નો કરીને કુમળીવયની કન્યાઓનું બાળપણ અને શિક્ષણ છીનવી લેવાની ઘટનાઓ પણ બનતી રહે છે, તે આપણી પ્રાચીન સંસ્કૃતિની શક્તિ ઉપાસનાની ભાવના પર કલંક સ્વરૂપ નથી? આજે મહિલા દિને મહિલાનું મહિમાગાન કરવાની સાથે સાથે સિક્કાની બીજી બાજુ તરફ પણ દૃષ્ટિપાત કરીને એક સામાજિક આંદોલન આદરવું જોઈએ, તેમ નથી લાગતું?

બે દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં છે. વડાપ્રધાને ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં કેટલીક મિટિંગો-સભાઓ કરી, લોકાર્પણો કર્યા અને રોડ-શો કર્યો, અને આજે જી-મૈત્રી, જી-સફલ જેવી મહિલા અને ગ્રામ્ય લક્ષી યોજનાઓનું નવસારી જિલ્લાના વાંસી-બોરસી ગામેથી લોન્ચીંગ કર્યું, એ ઉપરાંત સ્વસહાય જુથોની અઢી લાખથી વધુ મહિલાઓને સાડાચારસો કરોડથી વધુ સહાય પહોંચતી કરાઈ હોવાનો સરકારે દાવો કર્યો છે, અને લખપતિ દીદીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો છે. બીજી તરફ ગુજરાતમાં આગામી આઠમી એપ્રિલની આસપાસ યોજાનારા કોંગ્રેસ અધિવેશનની પૂર્વતૈયારી માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તૈયારી કરી રહી છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસની જવાબદારીઓ વધી ગઈ છે. કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી વાડ્રાને આગામી કોંગી અધિવેશન દરમિયાન કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપાશે, અને ગુજરાતની પ્રાદેશિક નેતાગીરીથી લઈને ગ્રામ્ય-શહેરોની કક્ષા સુધીના તમામ સ્તરે મહિલા નેતાઓ-કાર્યકરોની સહભાગિતા વધારવાની રણનીતિ ઘડાઈ રહી હોય, તો તે પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સાંકળનો એક આવકારદાયક યોગાનુયોગ જ ગણાય ને?

આજે મહિલાઓ પુરુષ સમોવડી તો બની જ ગઈ છે, પરંતુ તેનાથી પણ આગળ નીકળી રહી છે, તેવો નોબતના લેખિકા દિપાબેન સોનીનો અભિપ્રાય તાદ્શ્ય થતો હોય, તેમ આજે પ્રેસ-મીડિયામાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓ અને પ્રગતિની વાહવાહી થઈ રહી છે. પોલીસ તંત્રમાં મહિલા અધિકારીઓ-મહિલા પોલીસકર્મીઓનો સપાટો, મહિલા કન્ક્ટરોની સાહસિક તથા નિષ્ઠાપૂર્વકની ફરજો, શિક્ષિકાઓ અને મહિલા પ્રાધ્યાપકો, બેન્કીંગ સેક્ટર, વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્ર અને દરિયાઈ સાહસોથી માંડીને ભારતીય સેનાની ત્રણેય પાંખો સુધી પહોંચી રહેલી નારીશક્તિ તથા સ્પેસમાં પહોંચેલી સુનિતા વિલિયમ્સ સહિતના ગૌરવભેર ગુણગાન ગવાઈ રહ્યા છે. જે દેશ-દુનિયામાં પાતાળથી અંતરીક્ષ સુધી વધી રહેલા નારીક્તિની ગૌરવ ગાથાઓ જ છે ને?

રાજકીય ક્ષેત્ર પણ મહિલાઓની સહભાગિતા વધી રહી છે. હાલાર સહિત ગુજરાતમાં ઘણી ગ્રામપંચાયતોમાં મહિલા સરપંચો છે, તાલુકા-જિલ્લા પંચાયતમાં સભ્યો છે. હાલારમાંથી સંસદમાં પૂનમબેન માડમ અને ધારાસભામાં રિવાબા જાડેજા જનપ્રતિનિધિત્વ કરી રહ્યા છે. લોકસભાની વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં લોકસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસના એક માત્ર સંસદસભ્ય ચૂંટાયા, તે પણ મહિલા સાંસદ ગનીબેન ઠાકોર છે. મહાનગરોનગરો-શહેરોમાં મહિલા કોર્પોરેટરો તથા ગ્રામ પંચાયતોમાં મહિલા સભ્યો પણ હવે પોતેજ સક્રિયતાથી વિકાસ પ્રક્રિયાના સહભાગી બની રહ્યા છે. કેટલીક આખેઆખી ગ્રામપંચાયતો પણ મહિલાઓ ચલાવી રહી છે. સખીમંડળો-સ્વસહાય જુથોના માધ્યમથી ગ્રામ્ય અર્થતંત્રને ઉત્તેજન આપવામાં પણ નારીશક્તિને અદ્ભુત સફળતાઓ મળી રહી છે. સુરક્ષાદળોથી લઈને ગુપ્તચર સંસ્થાઓ સુધી મહિલાઓ સક્રિય કે પરોક્ષ અને મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી રહી છે. ઘણી મહિલાઓ ઘર પણ સારી રીતે ચલાવે છે, અને ઉચ્ચ હોદ્દો, ઉદ્યોગ-વ્યાપાર કે વ્યવસાય પણ સારી રીતે સફળતાપૂર્વક નિભાવે છે, તે ગૌરવપૂર્ણ છે.

મહિલાઓના પતિઓએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કોઈ જગ્યાએ શપથ લીધા હોવાની ઘટનાના અહેવાલો વાયરલ થયા પછી સરપંચપતિ (એસ.પી.) ની ચર્ચા ફરીથી થવા લાગી છે અને ચૂંટાયેલા મહિલા સરપંચો, સભ્યો, કોર્પોરેટરો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યોના બદલે મિટિંગ, કાર્યક્રમો અને ઓફિસના વહીવટમાં પણ તે મહિલા જનપ્રતિનિધિના પતિ (ક્યારેક ભાઈ, પિતા કે પુત્ર કે અન્ય પરિવારજન) હાજર રહેતા હોય કે હસ્તક્ષેપ કરતા હોય તેવા દૃષ્ટાંતો બહાર આવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક ચૂંટાયેલા મહિલા જનપ્રતિનિધિઓ તેના કોઈપણ પરિવારજનોને આવો હસ્તક્ષેપ કરવા દેતા હોતા નથી, તેવું પણ બને છે.

આપણા દેશના રાષ્ટ્રપતિ અત્યારે એક આદિવાસી મહિલા છે. આપણા દેશના સર્વોચ્ચ બંધારણીય પદો, જેવા કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભા-રાજ્યસભાના સભાપતિ અને મુખ્યમંત્રી તથા ગવર્નર-લેફ્ટનન્ટ ગવર્નર જેવા હોદ્દાઓ પર મહિલાઓએ નિભાવેલી ગરિમાપૂર્ણ જવાબદારીઓ પણ આજે યાદ કરવી જ પડે...

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને એ પણ સ્વીકારવું પડે કે એક તરફ અનેક મહિલાઓ સિદ્ધિઓની ઊંચી ઊડાન ભરી રહી છે, તો બીજી તરફ ઘણી મહિલાઓનું શોષણ પણ થઈ રહ્યું છે, દુષ્કર્મ થઈ રહ્યા છે, બાળવિવાહ થઈ રહ્યા છે, ચાઈલ્ડ ટ્રાફિકિંગથી લઈને દેહવ્યાપાર સુધીની બદીઓમાં કુમળી કન્યાઓથી લઈને ઘણી મજબૂર મહિલાઓ પિસાઈ રહી છે. આ અસમતુલાને સમાપ્ત કરવી પડશે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નારીશક્તિને કોટી કોટી વંદન...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial