ગઈકાલે ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફીની ફાયનલમાં ન્યુઝીલેન્ડને પછડાટ આપીને નવા કીર્તિમાન રચી દીધો અને દેશભરમાં ક્રિકેટરસિયાઓ જ નહીં, પરંતુ દેશપ્રેમી નાગરિકો પણ ખુશીથી જુમી ઊઠ્યા હતાં. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની અને વન-ડે એટલે કે ઓડીઆઈના 'મીની' વર્લ્ડકપ તરીકે પ્રચલિત આ ક્રિકેટ શ્રેણી જીતીને ભારતે ચેમ્પિયન ટ્રોફી અંકે કરી. હવે ક્રિકેટ રસિયાઓ ધમાકેદાર ટકાટક ક્રિકેટ ટુર્નામેનટ આઈપીએલ પર નજર માંડીને બેઠા છે.
ચેમ્પિયન શ્રેણીની વિશેષતા એ રહી કે ભારતની વિજયકૂચ અણનમ રહી અને લીગ મેચો, સેમિફાયનલ તથા ફાયનલ સુધી શ્રેષ્ઠ દેખાવ કર્યો. આપણા દેશમાં હવે ક્રિકેટ ક્ષેત્રે દૂર, અંતરિયાળ, વિસ્તારોના નાના-નાના કેન્દ્રો, દુર્ગમ સ્થાનો તથા પહાડી વિસ્તારોમાંથી વિશ્વ વિક્રમ સર્જી શકે તેવા ક્રિકેટરત્નો મળી રહ્યા છે. આપણા બેટધરો વૈશ્વિક ઉચ્ચ કક્ષાની હરોળમાં રહે છે, અને હાલની આપણી ભારતીય ક્રિકેટ ટીમ (પુરુષ) માં ઓપનરો તેજરીતે છે, મીડલ ઓર્ડર પણ મજબૂત છે અને ઓલારાઉન્ડરોની ભરમાર છે. તો બીજી તરફ બોલરો પણ વિશ્વકક્ષાની ઝળહળતી સફળ મેળવી ચૂક્યા હોય તેવા છે, અને દેશભરના વિવિધ વિસ્તારોમાંથી શોધી કાઢ્યા છે. હવે તો ફિલ્ડીંગ પણ ઘણી જ મજબૂત થતી રહે છે.
આ પહેલા વર્ષ ર૦૧૩ માં ભારતે બીજી વખત ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વાધિક રનનો વિક્રમ પણ સર્જ્યો છે. આ પહેલા વર્ષ ર૦૦૦ માં પણ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાયનલ મુકાબલો થયો હતો, પરંતુ તેમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવી દીધું હતું. તે વખતના ભારતીય કપ્તાન ગાંગુલીના ૧૧૭ રન પણ એળે ગયા હતાં. ગઈકાલની મેચમાં વિરાટ કોહલી તદ્ન સસ્તામાં આઉટ થવા છતાં અન્ય બેટ્સમેનોએ રોહિત શર્માની ૭૬ રનની તોફાની ઈનિંગ પછી નોંધપાત્ર રન કર્યા હતાં, જો કે સમયાંતરે ભારતની વિકેટો પડતી હોવાથી ફાયનલ મેચ ઘણો રોમાંચક રહ્યો જ હતો.
આ વિજય થયા પછી રોહિત શર્માએ એવી ચોખવટ પણ કરી દીધી કે તે હાલ તુરત વન-ડે માંથી રિટાયરમેન્ટ લેવાનું વિચારી રહ્યો નથી, અને આ પ્રકારની ચાલતી વાતો માત્ર અફવા છે.
ભારતીય ટીમના વિજયના દેશભરમાં ધમાકેદાર ઉજ્જણી થઈ અને ફટાકડા ફૂટ્યા. માત્ર શહેરોમાં જ નહીં, કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોએ ઢોલ-નગારા સાથે એકબીજાના મીઠા મોઢા કરાવીને ભવ્ય ઉજવણી કરી. જામનગર સહિતના રાજ્યના શહેરી વિસ્તારમાં લોકોએ આતશબાજી તથા નૃત્ય કરીને ટીમ ઈન્ડિયાના આ વિજયને વધાવી લીધો, ધોની પછી બારવર્ષે રોહિત શર્માએ મેળવેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ધૂમ દેશભરમાં સવારોસવાર ગૂંજતી રહી.
દેશના દિગ્ગજ ક્રિકેટરો, વિવિધ ક્ષેત્રોના માંધાતાઓ ઉપરાંત રાજકીય ક્ષેત્રના નેતાઓએ પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા. આજે પણ સવારથી જ દેશભરમાં ચોરે ને ચૌટે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં મેળવેલી શાનદાર જીતની જ ચર્ચા થઈ રહી છે, અને પ્રેસ-મીડિયામાં પણ વિજયના વધામણા સાથે વિવિધ વિશ્લેષણો થઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે દેશમાં જાણે દીપોત્સવી ઉજવાઈ રહી હોય તેવો માહોલ હતો.
આ મેચમાં રાબેતામુજબ અપાતા પ્લેયર ઓફ ધ મેચ, ઓવર ઓફ ધ સિરિઝ વગેરે સન્માનો ઉપરાંત ન્યુઝીલેન્ડની ટીમના ભારતીય મૂળના ક્રિકેટર રચિન રવિન્દ્રને ગોલ્ડન બેટ એવોર્ડ મેળવ્યો. તેમને આ એવોર્ડ ચાર મેચમાં ર૬૩ રન બનાવ્યા, અને આખી ટુર્નામેન્ટમાં બે વખત સદી ફટકારીને રોહિતની સિદ્ધિઓ બદલ અપાયું હતું, જ્યારે પ્લેયર ઓફ ટુર્નામેન્ટ પણ રચિન રવિન્દ્ર જ બન્યો હતો. આ ઉપરાંત ભારતીય ટીમના શ્રેયસ ઐય્યર, ઈંન્ગલેન્ડના બેટ્સમેન બેન ડકેટ, ઈંગ્લેન્ડના જો રૂટ અને વિરાટ કોહલી આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારની શ્રેણી ટોપ-ફાઈવમાં રમ્યા છે.
આજે રાજકીય ક્ષેત્રે ગુજરાતમાં કોંગ્રેસના સંદર્ભે રાહુલ ગાંધી અને તેના અનુસંધાન કોંગી નેતા દિગ્વિજયસિંહજીના નિવેદનો, મહાકુંભમાં ગંગાસ્નાન અંગે રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, અંબાલાલની નવી આગાહી, શરૂ થનારૂ સંસદીય સત્ર, પહેલી એપ્રિલથી થનારા મોટા ફેરફારો, સનાતન ધર્મ અને મોરારીબાપુનું નિવેદન, જલાબાપા અંગે એક સ્વામી સંતની બદજુબાની પછી વીરપુરમાં માફી માંગ્યા પછી રઘુવંશીઓ દ્વારા આ પ્રકરણ પર ફૂલસ્ટોપ મૂકવાની જાહેરાતને દરિયાદિલી તથા મિશ્ર ઋતુની ચોતરફ ચર્ચા થઈ રહી છે.
ભારતીય ક્રિકેટ આજે વિશ્વમાં અગ્રીમ હરોળમાં છે અને ભારતમાં રમાતી આઈપીએલ ટુર્નામેન્ટોના કારણે વિશ્વભરની ટીમો જાણે ભારતીય ક્રિકેટનો જ એક મહત્ત્વપૂર્ણ હિસ્સો હોય તેવી અદ્ભુત એકાત્મતા ઊભી થઈ રહી છે અને ખેલભાવના વિકસી રહી છે, તે સારી વાત છે, પરંતુ ક્રિકેટ પર ગેરકાનૂની રીતે ચોરેને ચૌટે જાહેરમાં રમાતો જુગાર, એ આવનારી પેઢીના વિકાસમાં રૂકાવટ તથા ઘણાં વર્તમાન પરિવારની બરબાદીનું કારણ બની રહ્યો છે, ત્યારે આ વિષય માત્ર કાનૂની નથી, પરંતુ વિવિધ સમાજો તથા ખાસ કરીને ભદ્ર સમાજના લોકોએ આ માટે જાગૃતિ ઝુંબેશો ચલાવવી જોઈએ, તેમ નથી લાગતું...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial