ગઈકાલે લોકસભામાં હોબાળો થતો રહ્યો. નવી શિક્ષણ નીતિ સામે વિપક્ષના સાંસદોની તડાફડી અને મતદારયાદીઓમાં ગરબડના મુદ્દે પણ સંસદમાં પડેલા પડઘા પછી આ મુદ્દો પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયાથી આગળ વધીને સરકારી ગલિયારાઓ સુધી ગૂંજી રહ્યો છે. આ બન્ને મુદ્દાઓ આજે 'ટોક ઓફ ધ નેશન' બની ગયા છે. ગઈકાલે આ બન્ને મુદ્દાઓ અંગે સંસદમાં કેટલીક રકઝક, કેટલાક કટાક્ષો અને કેટલીક રમૂજો પણ થતી જોવા મળી. હકીકતે આ બન્ને મુદ્દે ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ તેવા પ્રત્યાઘાતો પણ પડ્યા છે.
ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીએ આ મુદ્દો ઊઠાવ્યો. લોકસભાના અધ્યક્ષે ટકોર કરી કે મતદારયાદીઓ સરકાર થોડી જ બનાવે છે?... તેના જવાબમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તમામ વિપક્ષો વતી કેન્દ્ર સરકારને આ મુદ્દે ચર્ચા કરાવવાની અપીલ કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા મતદાર યાદીઓ તૈયાર કરાતી નથી, તે તેને ખબર છે, પરંતુ વિપક્ષો જો આ મુદ્દે લોકસભામાં ચર્ચા કરવા માંગતા હોય, અને સરકાર તેના પર સંસદમાં ચર્ચા કરવા ન ઈચ્છતી હોય, તેવા સંજોગોમાં અધ્યક્ષ દ્વારા તો લોકસભામાં ચર્ચાની મંજુરી તો મળવી જ જોઈએ ને?
રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે આખા દેશમાં મતદાર યાદીમાં ગરબડો અંગે સવાલો ઊઠી રહ્યા છે અને વિપક્ષોની સરકારો છે, ત્યાંથી આ પ્રકારની વધુ ફરિયાદો આવી રહી છે, ત્યારે વિપક્ષ માત્ર આ મુદ્દે સંસદમાં ચર્ચા જ ઈચ્છે છે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.
રાહુલ ગાંધીએ 'એક્સ' પર પોસ્ટ મૂકીને, 'મહારાષ્ટ્રની મતદાર યાદીઓમાં ગરબડોને લઈને તેમણે (રાહુલ ગાંધીએ) કરેલી પ્રેસ કોન્ફરન્સને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ટ્રાન્સપરન્સીને લઈને ચૂંટણીપંચ સમક્ષ કોંગ્રેસે જેે માંગણીઓ કરી હતી, તે હજુ સુધી પૂરી થઈ નથી.'
ગઈકાલે કેન્દ્ર સરકાર ત્યારે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ હતી, જ્યારે કેન્દ્રિયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પોતાનું એક નિવેદન પાછું ખેંચવું પડ્યું હતું.
હકીકતે તામિલનાડુ સરકાર વિદ્યાર્થીઓનું અહિત કરી રહી છે ને રાજકીય લાભ લેવા હિન્દી ભાષાનો વિરોધ કરે છે, તેવું કહેતા કહેતા મંત્રી મહોદયે ડીએમકેના સાંસદોને અપ્રામાણિક (બેઈમાન) ગણાવી દેતા ગૃહમાં ભારે હોબાળો થયો હતો. તે પછી અધ્યક્ષે એ મંત્રી મહોદ્યના કેટલાક શબ્દો રેકર્ડમાંથી કાઢી નાખવાની સૂચના આપી, અને મંત્રી મહોદયે ગૃહમાં પોતાના વિવાદાસ્પદ શબ્દો પાછા ખેંચવા પડ્યા હતાં, તો બીજી તરફ ડીએમકેના સાંસદો વોકઆઉટ કરી ગયા હતાં.
બજેટ સત્રના બીજા તબક્કામાં અત્યારે સંસદમાં મતદારયાદીમાં ગરબડ અને કેન્દ્રની નવી શિક્ષણનીતિના મુદ્દે વિપક્ષો એકજુથ થઈને સરકારને ઘેરી રહ્યા છે, અને સરકાર બેકફૂટ પર હોય, તેમ જણાઈ રહ્યું છે.
વાસ્તવમાં કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિમાં ત્રિભાષીય શિક્ષણની જે જોગવાઈ કરી છે, તેનો દક્ષિણ ભારતમાં કેટલાક સાંસદો વિરોધ કરી રહ્યા છે. અને ખાસ કરીને તામિલનાડુના ટીએમકેના સાંસદો વધુ આક્રમક ઢબે વિરોધ દર્શાવી રહ્યા છે, જેના સંદર્ભે ગઈકાલે સંસદમાં હોબાળા થયા હતાં.
ડીએમકેનો આક્ષેપ એવો છે કે મોદી સરકાર તેમના (તામીલનાડુ) પર હિન્દી ભાષા ધરાર ઠોકી બેસાડવા માગે છે.
કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં એક સ્થાનિક ભાષા, હિન્દી અને અંગ્રેજીમાં શિક્ષણ આપવાની જોગવાઈ કરી છે, જેથી ભાષા વિવાદ ખતમ થઈ જાય, તેવો સરકારનો દાવો છે, જ્યારે ડીએમકેના સાંસદો કહે છે કે મોદી સરકાર આવું કરીને તામિલનાડુ પર હિન્દી ભાષા લાદવા માગે છે. આ મુદ્દે થયેલા રાજકીય ધમાસાણ વચ્ચે પ્રજાના મૂળભૂત પ્રશ્નો, સમસ્યાઓ તથા મોંઘવારી, બેરોજગારીના મુદ્દાઓ હવાહવાઈ થઈ ગયા હોય તેવા સંજોગોમાં રાહુલ ગાંધીએ ઊઠાવેલો મતદાર યાદીઓનો મુદ્દો પણ ક્યાંક હોબાળાઓમાં અટવાઈ જશે, એવું કહેવાય છે ને કે, રાજનીતિમાં જે દેખાય તેવું જ બધું હોતું નથી, અને જે હોય છે, તે દેખાતું હોતું નથી. ઘણી વખત આ પ્રકારના હોબાળાઓ અસલ મુદ્દાઓ છાવરવા માટે પણ સર્જાતા હોય છે, તો ઘણી વખત લોકોનું ધ્યાન મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પરથી હટાવવા માટે પણ વિશેષ પ્રકારની રણનીતિઓ અપનાવતી હોય છે. વિપક્ષોનો સવાલ છે કે સરકાર મતદાર યાદીમાં ગરબડના મુદ્દે ચર્ચા કરવા કેમ તૈયાર નથી? ત્રિભાષિય શિક્ષણનીતિના મુદ્દે સરકાર કેમ ફીફાં ખાંડે છે?
વિપક્ષો તરફથી ઊઠાવાતા આ પ્રકારના સવાલો ઘણાં લોકોને ગમતા હોતા નથી અને આ પ્રશ્નાર્થોના જવાબો ન મળે ત્યારે પ્રક્રિયાત્મક કે પરંપરાગત રીતે તેની પ્રશ્નાર્થો સામે જ પ્રશ્નો ઊઠાવીને તેને ડાયવર્ટ કરવાનો પ્રયાસ થતો હોય છે. રાજકીય પક્ષો જ્યારે સત્તામાં હોય, ત્યારે તેઓને પ્રશ્ન ચિન્હો ગમતા હોતા નથી, પરંતુ જ્યારે વિપક્ષમાં હોય, ત્યારે એ જ પ્રશ્ન ચિન્હોનો સહારો લેવો પડતો હોય છે. લોકતંત્રની આ જ ખૂબી અને ખૂબસૂરતી છે,. તો બીજી તરફ ઉભય પક્ષે જડતા અને સંકુચિતતાઓ પણ ભૂંડી ભૂમિકા ભજવતી હોય છે. હમામ મેં સબ નંગે હૈ...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial