આપણાં દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો છે અને હવે તો શ્રમિકથી લઈને શ્રીમંત સુધી, ટ્યુશનથી પ્રાઈમ મિનિસ્ટર સુધી અને ગામડાથી લઈને ગ્લોબલ વ્યવહારોમાં લોકો ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ કરવા લાગ્યા છે. લારી-ગલ્લા-પથારાવાળા પણ હવે મોબાઈલ સેલફોનના માધ્યમથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા લાગ્યા છે. એટલું જ નહીં, શાકમાર્કેટથી લઈને શેરમાર્કેટ સુધી તથા સોનીબજારથી લઈને ગ્રેઈન માર્કેટ સુધી ડિજિટલ પેમેન્ટ દ્વારા નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે. દેશમાં ડિજિટલ પેમેન્ટનો કોન્સેપ્ટ દસેક વર્ષ પહેલા વ્યાપક બનાવાયો અને કોરોનાકાળમાં તેને નોંધપાત્ર ઉત્તેજન પણ મળ્યું, તે પછી આપણાં દેશમાં ડિજિટલ પેમેન્ટ વધુને વધુ લોકપ્રિય બનવા લાગ્યું છે, અને તેનો સરળતાથી ઉપયોગ પણ થઈ રહ્યો છે.
હવે એવા અહેવાલો આવ્યા છે કે, યુપીઆઈ અને રૂપે દ્વારા થતા નાણાકીય વ્યવહારો પર એમડીઆર ફરીથી લાગુ કરવાની તૈયારી થઈ રહી છે. દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે, ત્યારે આ પ્રકારની તૈયારી થઈ રહી હોય તો દેશના લોકો સાથે બિઝનેસમેન્સની જેમ સરકારે પહેલા ટેવ પાડીને પછી ખિસ્સા ખંખેરવાની નીતિ-રીતિ અપનાવી હોય તેમ નથી લાગતું?
મીડિયા અહેવાલો મુજબ કેશલેશ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. એમડીઆરનું ફૂલફોર્મ જ વ્યાપારિક અર્થ દર્શાવે છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ફેર એટલે એમડીઆર... જો હવે સરકાર ફરીથી આ પ્રકારનો રેટ (કમિશન અથવા ચાર્જ) લાગુ કરવાની નીતિ અપનાવીને ફી માફી એટલે કે એમડીઆરમાંથી આપેલી મુક્તિ પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવા જઈ રહી હોય તો એવો સવાલ સ્વાભાવિક રીતે જ ઊઠે કે, શું સરકાર વેપારી છે?... ડિજિટલ પેમેન્ટની પહેલા ટેવ પાડીને પછી તેના પર અપાયેલી છૂટ પાછી ખેંચી લેવી, તે પ્રજા સાથેનો વિશ્વાસઘાત ન ગણાય?... જરા વિચારો...
અહેવાલો મુજબ બેન્કીંગ સેક્ટર તરફથી કેન્દ્ર સરકારને એક દરખાસ્ત મોકલવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જેનું વાર્ષિક ટર્નઓવર ૪૦ લાખથી વધુ હોય, તેવા બિઝનેસમેન પર એનડીઆર લગાવવામાં આવે.
જો કે, આ દરખાસ્ત હજુ સરકારે મંજુર કરી દીધી નથી, પરંતુ સરકારની સક્રિય વિચારણા હેઠળ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. સરકાર કદાચ ૪૦ લાખના ટર્નઓવરની મર્યાદા વધારીને એક કરોડ કે તેથી વધુની કરીશકે, મતલબ કે સરકાર નાના અને મધ્ય વર્ગિય વેપારી વર્ગને મુક્તિ આપીને જાયન્ટ બિઝનેસમેન પાસેથી જ એમડીઆર વસૂલવાની મંજુરી આપી શકે છે.
બેન્કીંગ સેક્ટરની દલીલ એવી છે કે જો બિઝનેસમેનો ક્રેડિટકાર્ડ, વિઝાકાર્ડ અને માસ્ટરકાર્ડ પર એમડીઆર ચૂકવી રહ્યા હોય, તો યુપીઆઈ અને રૂપે પર કેમ ન ચૂકવે?
સરકારે જ્યારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા માટે એમડીઆર નાબૂદ કરી દીધો હતો, ત્યારે ઠીક હતું, પરંતુ જ્યારે કેટલાક ડિજિટલ નાણાકીય વ્યવહારો પર એમડીઆર લેવામાં આવી રહ્યો હોય તો યુપીઆઈ અને રૂપે પર પણ હવે એમડીઆર ફરીથી લાગુ કરવો જોઈએ, કારણ કે બેંકો અને અન્ય પેમેન્ટ કંપનીઓને આ સુવિધાઓ આપવા પાછળ માળખાકીય (ઈન્ફ્રાસ્ટ્રક્ચર)નો ખર્ચ કરવો પડતો હોય છે, જેની ભરપાઈ થઈ શકે.
આ અહેવાલો પછી એવા કટાક્ષો પણ થઈ રહ્યા છે કે, સરકારે ખાનગિકરણની નીતિ હેઠળ ઘણી સેવાઓ ચાર્જેબલ કરી દીધી છે, અને હવે ખુદ સરકાર પણ વ્યાપારિક નીતિ અપનાવી રહી છે, તેથી ભારતના નાગરિકો સરકાર માટે સિટીઝન્સ નહીં, પણ 'કસ્ટમર' બની રહ્યા છે!
સરકારી હોસ્પિટલોમાં તબીબી સેવાઓ મફત હોય છે અને કેટલીક સેવાઓ માટે ટોકન ચાર્જ લેવાતો હશે, જ્યારે ખાનગી હોસ્પિટલો આ જ પ્રકારની સેવા-સુવિધાઓ કે લેબ ટેસ્ટીંગ માટે ચાર્જ વસૂલતી હોય છે. હવે સરકારી હોસ્પિટલો પણ એવો દાવો કરે કે ખાનગી હોસ્પિટલોને લોકો આ બધા ચાર્જ ચૂકવે છે, તો સરકારી હોસ્પિટલોમાં કેમ ન ચૂકવે?... તેવા પ્રકારના વ્યંગાત્મક સવાલો પણ ઊઠવા લાગ્યા છે, ત્યારે હવે સરકાર અંતે શું નિર્ણય લ્યે છે, તે જોવાનું રહે છે.
લોકોએ પણ એ સમજી લેવું પડશે કે કાંઈ તદ્ન 'મફત' મળતું નથી. તાજેતરમાં 'એપ'નું જોડાણ થયું છે, જેમાં ક્રિકેટ મેચ, ટીવી સિરિયલો વગેરે મોબાઈલ સેલફોન દ્વારા 'મફત' બતાવાશે. આ પહેલા પણ પહેલા લોકોને નિઃશુલ્ક 'ટેવો' પાડીને પછીથી તેના પર ચાર્જ લગાવીને ખિસ્સા ખંખેરવાની ખાનગી ક્ષેત્રોની બિઝનેસ પોલિસીના રવાડે ચડીને સરકાર પણ એવું જ કરશે, તો લોકોનો વિશ્વાસ વધુ ગુમાવશે, જો કે સરકાર 'મફત' આપશે, તેની વસૂલાત પણ આપણી પાસેથી જ કરશે. સરકારી ખજાનો પણ ટેક્સપેયરો જ ભરે છે ને?
ગુજરાતીમાં એક કહેવત છે કે 'વાવમાં ઉતારીને વરત કાપવું'... એટલે કે કોઈ વ્યક્તિને કોઈપણ બહાને તેમની સુરક્ષા અને પરત બહાર લાવી શકાય, તે માટે દોરડાથી કૂવામાં ઉતારવામાં આવે, અને પછી વિશ્વાસઘાત કરીને દોરડું કાપી નાંખવામાં આવે, જેથી કૂવામાં ઉતરેલી વ્યક્તિ તેમાં ડૂબી જાય, અને જીવ ગુમાવે.
બીજા અર્થમાં વરત એટલે ક્રોસ ખેંચવાનું દોરડું... વાવમાં કોસને ઉતારીને દોરડું કાપવાથી કોસ ડૂબી જાય. કૂવામાંથી પાણી ખેંચવા માટે જુના જમાનામાં કોસ ચાલતા, જેને ખેંચતા દોરડાને 'વરત' કહેવામાં આવતું. આ 'વરત'ને પકડીને જુના જમાનામાં કૂવામાં ઉતરેલા વ્યક્તિ સાથે દગાબાજી થતી, તેવું જ કાંઈક હાલમાં થઈ રહ્યું હોય તેવું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial