Sensex

વિગતવાર સમાચાર

દેર આયે... દુરસ્ત આયે... ન્યાયસંગત માંગણીઓ સમયસર સ્વીકારી લેવામાં વાંધો શું?...?...?

ગઈકાલે જામનગર મહાનગરપાલિકામાં પોઝિટિવ એનર્જી સર્જાઈ હોય, તેવા દૃશ્યો ખડા થયા હતાં અને શિક્ષણ સમિતિ હેઠળના કેટલાક કર્મચારીઓને પાર્ટટાઈમમાંથી કાયમી કરવાના અદાલતી હુકમ પછી બાકીના સમકક્ષ કર્મચારીઓને પણ કાયમી કરવાની દરખાસ્તને સર્વાનુમત્તે મંજુરી અપાતા ૩પ જેટલા પરિવારોમાં પણ આનંદ ફેલાયો હતો. 'શેરડી સાથે એરડીને પણ પિયત મળી જાય' તેવી ગામઠી કહેવતની જેમ જ સ્પેશ્યલ જનરલ બોર્ડમાં બીજી બે-ત્રણ દરખાસ્તો પણ મૂકાઈ, અને એકાદ દરખાસ્ત વિરોધ પક્ષના વાંધા સાથે બહુમતિથી પણ પસાર થઈ ગઈ. મનપામાં ખાલી જગ્યાઓ પર ભરતી થાય, ત્યારે અડધી જગ્યાઓ મનપામાં જ દસ-વીસ વર્ષથી ફરજ બજાવતા હોય, તેને પ્રાયોરિટી આપવાની દરખાસ્તને પણ વિપક્ષનું શરતી સમર્થન મળ્યું હોવાની ચર્ચા છે. આ દરખાસ્તને વિપક્ષે આવકારી અને ભરતી થાય, ત્યારે વિપક્ષને પણ સાથે રાખવાની વાત કરી, તે એડવાઈઝીંગ સ્કીલની 'ફૂદડી'વાળી 'શરતો લાગુ' જેવી કન્ડીશનલ સહમતિ તો નહોતી ને? તેવી ચર્ચા પણ થવા લાગી હતી. જે હોય તે ખરૂ, પરંતુ મનપા માટે કોન્ટ્રાક્ટ બેઇઝ હેઠળ ઘણાં બધા વર્ષો આપ્યા હોય, તેને પ્રાધાન્ય અપાય અને મેરિટ પણ જળવાય, તો તે આવકારદાયક છે.

તે પહેલા સ્ટેન્ડીંગ કમિટીએ તાજેતરમાં રૂ.  પપર કરોડથી વધુની જોગવાઈઓ હેઠળ વિવિધ વિકાસકામો તથા ખર્ચ-દરખાસ્તોને મંજુરી આપી, તે સંદર્ભે પણ લોકચર્ચા સાંભળવા મળી હતી. આ મંજુર થયેલી દરખાસ્તોમાં મોટાભાગના ઈન્ફ્રાસ્ટરક્ચરના કામો હતાં, જેમાં હાપા વિસ્તારમાં મલ્ટીપર્પઝ કલ્ચરલ કોમ્પ્લેક્ષના નિર્માણની દરખાસ્ત ધ્યાન ખેંચનારી હતી.

ઘણાં લોકો તો સૂચિત મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પ્લેક્ષ અથવા ઓડીટોરિયમના સૂચિત ખર્ચને તાજેતરમાં જેનું કામ સંપન્ન થયું છે, તે નગરના ટાઉનહોલના રીપેરીંગ અથવા નવીનિકરણ માટે થયેલા ખર્ચની સરખામણી પણ કરવા લાગ્યા હતાં.

આ પ્રકારની ચર્ચાઓ થતી રહે છે, પરંતુ તેના પર બહુ લક્ષ્ય અપાતું હોતું નથી, પરંતુ કબીરજીનો દોહરો યાદ રાખવા જેવો છે કે 'નિંદક સાયરે સખીયે, આંગન કૂટિ છવાઈ, બિન સાબુ-પાની બિના... પાપ તુમ્હારા ધોવાય...'!

લોકતંત્રમાં આલોચના થવી, વિરોધ દર્શાવવાો, સૂચનો કરવા, એ નાગરિકોનો હક્ક પણ છે, અને ફરજ પણ છે, અને તે સાંભળવાની શાસકોની ફરજ પણ છે, અને જવાબદારી પણ છે. આ પ્રકારની ટિકા-ટિપ્પણીઓમાંથી ઘણી વખત ઉપયોગી માર્ગદર્શન પણ મળી રહેતું હોય છે. આ પ્રકારના સૂચનો ઘણી વખત અભ્યાસુઓના પોઝિટિવ થિન્કીંગમાંથી નીકળતા હોય છે, તો ઘણી વખત માત્ર શ્રેષ્ઠ જ્ઞાન કે હોંશિયારી દેખાડવા માટે પણ થતા હોય છે. આ બધા વચ્ચે સમતુલન, ધૈર્ય અને હકારાત્મક અભિગમ સાથે નિર્ણયો લેવા જોઈએ. આજની અદ્યતન ટેકનોલોજીના દરરોજ બદલતા યુગમાં પણ ૧૮ મી સદીની માનસિક્તા ધરાવતા લોકો એક સીમિત વર્તુળમાંથી બહાર આવતા હોતા નથી, પરંતુ તેવા પોથીના પંડિતોને આદરપૂર્વક 'ઈગ્નોર' કરીને પારદર્શક જનલક્ષી અને સર્વજન હિતાય... સર્વજન સુખાય... નિર્ણયો લેવાય, તે અત્યંત જરૂરી છે, અને આ લોકતંત્રનો સિદ્ધાંત તમામ ક્ષેત્રોમાં ટોપ-ટુ-બોટમ લાગુ પડે છે. ધડમાથા વગરના વિચારોનો કોઈ મતલબ જ નથી.

લોકતંત્રમાં સોલીડ બહુમતી હોય, તો પણ વિપક્ષના માધ્યમથી પ્રગટ થતો જનતાનો અવાજ પરખીને જ યોગ્ય નિર્ણયો લેવાય, તો તે શ્રેષ્ઠ લોકતાંત્રિક શાસન ગણાય. તેવી જ રીતે તર્કવિહીન કે વેસ્ટેડ ઈન્ટ્રેસથી થતા સૂચનો કે લેવાતા નિર્ણયોને હવે જનતા પારખવા લાગી છે, જે ભૂલવું ન જોઈએ.

પંચાયતો હોય કે પાલિકા-મહાપાલિકાઓ હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય કે પછી બોર્ડ-નિગમો કે અન્ય બંધારણીય સંસ્થાઓ હોય, એ વાત યાદ રાખવાની જરૂર છે કે લોકોને કાયમ માટે ભ્રમિત રાખી શકાતા નથી. આનું તાજુ ઉદાહરણ દિલ્હીમાં થયેલું સત્તા પરિવર્તન છે.

જ્યારે કોઈ સારા નિર્ણયો લેવાતા હોય અને તેને વિપક્ષ આવકારે, તે લોકતંત્રની ખૂબસૂરતી ગણાય, અને તેવા આવકારનેે શાસકો સાથે ઈલૂ-ઈલૂ કરવાના આક્ષેપો કરવા કે મિલીભગતના આક્ષેપો કરવા યોગ્ય નથી. તેવી જ રીતે વિપક્ષોની સાચી વાત, તથ્યાપક અને લોકોની લાગણીઓ સાથેનો અવાજ અવગણવો એ પણ યોગ્ય નથી.

જામનગરની મહાનગરપાલિકાએ તાજેતરમાં કચરાની ગાડીઓના વજન આધારિત બીલો બનાવવાના બદલે ફેરા આધારિત બીલો બનાવવાની તૈયારી બતાવી હોવાના અહેવાલો આવ્યા, તેને આવકારવા જ જોઈએ. આ પ્રકારની વિપક્ષની લાગણી અને માગણીમાં જનતાના સમર્થનનું બળ પણ હતું. એવી જ રીતે ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતા વાહનોની પાછળ કે સાઈડોમાં કોથળા ટીંગાળવાથી ઊભી થતી પરેશાનીઓ તથા કેટલાક સ્થળે આ કોથળામાંથી ખરતા જતા કચરાથી (ઘટવાના બદલે) વધતી ગંદકીની રાવ ઊઠ્યા પછી કેટલીક કચરાગાડીઓએ સાઈડમાં કોથળા લટકાવવાનું ટાળ્યું હોય તેમ જણાય છે, પરંતુ હજુ પણ પાછળના ભાગે તો ગંદા દૃશ્યો ઊભા કરતા કચરાઓથી ભરેલા કોથળાઓ લટકાવાય છે. જોઈએ, હવે જનતાનો આ અવાજ કોના કોના સુધી પહોંચે છે તે...

ઘણી વખત લાંબી લાંબી કાનૂની કાર્યવાહીઓ કરીને ઘણો બધો સમય વેડફવાની સાથે સાથે તેની પાછળ જંગી ખર્ચાઓ કર્યા પછી નિર્ણયો લેવાના બદલે ન્યાયસંગત વાત હોય, એ પહેલેથી જ સ્વીકારી લેવામાં વાંધો શું???

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial