Sensex

વિગતવાર સમાચાર

લોકતંત્રમાં લોકો સમજી શકે, તેવી ભાષાનો પ્રયોગ પણ માન્ય ગણોઃ માતૃભાષા મહાન

'યુ...ગો... આઈ... કમ...' જેવી અંગ્રેજી ભાષા આખું અમેરિકા બોલે છેઃ તુષારભાઈ મહેતા

આપણા દેશને આઝાદી મળી, તે પછીનો દાયકો પડતરરૂપ અને સંઘર્ષમય હતો. તે સમયે પણ મત-મતાંતરો તથા ભિન્ન-ભિન્ન વિચારસરણીઓ પરસ્પર ટકરાતી હતી. આઝાદીના સમયગાળામાં સૌથી જુનો, સૌથી મોટો અને લોકપ્રિય રાજકીય પક્ષ કોંગ્રેસ હતી, અને તેમાં અગ્રીમ હરોળના નેતાઓ ગાંધીજીનો પડ્યો બોલ ઝીલતા હતાં, તેથી પ્રારંભિક સમયમાં ગાંધીવિચારોનું પ્રભૂત્વ હોઈ શાસન-પ્રશાસન જ નહીં, પરંતુ સામાજિક વ્યવસ્થાઓ તથા અંધશ્રદ્ધા, અસ્પૃશ્યતા અને અસ્વચ્છતા જેવી બદીઓ પર પણ ગાંધીવાદી વિચારધારાઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. કમભાગ્યે ગાંધીજીની હત્યા દેશનું બંધારણ અમલમાં આવે, તે પહેલા જ થઈ ગઈ, અને તે પછી ગાંધમાર્ગે જ આગળ વધેલી લોકતાંત્રિક પ્રણાલિઓ પ્રસ્થાપિત થવા લાગી હતી.

ભાષા આધારિત રાજ્યોની રચના

આઝાદીના પહેલા દસકમાં તો વિવિધ રાજ્યોની રચના, સિમાંકનો તથા રાજ્ય, કેન્દ્ર અને સંયુક્ત વિષયોની યાદીઓ મુજબની સંધીય વ્યવસ્થાઓ ગોઠવવાની કવાયત ચાલતી હતી, અને આપણા દેશમાં રાજ્યોની પ્રારંભિક રચનાઓ પણ મુખ્યત્વે ભાષાના આધારે થઈ, જેમાં મહત્તમ સંબંધિત રાજ્યની માતૃભાષાને કેન્દ્રમાં રાખવામાં આવી હતી. ભાષા આધારિત રાજ્યોની રચનાની સાથે સાથે કેટલાક સ્થળે સરહદી વિસ્તારો, પહાડી વિસ્તારો, ભૌગોલિક સ્થિતિ વગેરેને પણ ધ્યાને રાખવા છતાં તે સમયે સંપૂર્ણપણે સંતોષજનક રીતે રાજ્યોની રચના નહીં થતા, તે પછી પણ તબક્કાવાર નવા નવા રાજ્યો રચાતા રહ્યા છે, જેના ભાગ રૂપે વર્ષ ૧૯૬૦ માં મુંબઈ રાજ્યનું વિભાજન કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત- એમ બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતાં.

ગુજરાત રાજ્યની ગરિમા

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા ત્યાંની માતૃભાષા અથવા રાજ્યભાષા બની, જ્યારે ગુજરાતમાં ગુજરાતી ભાષા માતૃભાષા અને રાજ્યભાષા ગણાઈ. ગુજરાતની તે સમયે રાષ્ટ્રીય કક્ષાએ ગરિમામય ભૂમિકા પણ હતી. ગાંધીજી, સરદાર પટેલ, ક.મા. મુખશી જેવા ગુજરાતી નેતાઓ રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણાયક ભૂમિકામાં હતાં, તો મોરારજીભાઈ દેસાઈ સહિતના ગુજરાતી નેતાઓ કોંગ્રેસમાં અગ્રીમ હરોળમાં હતાં. આ નેતાગીરી ગુજરાતની ગરિમા હતી, અને ગુજરાત સ્થાપના પછી ગુજરાતીઓનો દબદબો વિવિધ ક્ષેત્રે ગૌરવપૂર્ણ હતો. તેવા આપણા ગુજરાત રાજ્યમાં જ ગુજરાતી ભાષા બોલવામાં સંકોચ અનુભવવાપડે કેઅન્ય ભાષા ઓછી જાણતા હોય, તેવા ગુજરાતીઓની અગત્યતા ઓછી આંકવામાં આવે, તો તે કોઈપણ રીતે યોગ્ય ગણાય ખરૂં?

 માતૃભાષા મહાન, તેમાં શરમ શેની?

આપણો દેશ વૈવિશ્વપૂર્ણ સંસ્કૃતિઓથી ભરેલો છે અને ભાષા આધારિત રાજ્યોની રચના પછી પણ આપણો દેશ એકતાંતણે બંધાયેલો છે, તેનું મુખ્ય કારણ આપણે દેશની તમામ પ્રાદેશિક ભાષાઓનું જાળવેલું સન્માન છે. ભાષા આધારિત સંઘર્ષો થયા, પરંતુ તેના સર્વસંમત સમાધાનો પણ થયા. અત્યારે દેશના કેટલાક રાજ્યો હિન્દીને રાષ્ટ્રભાષા માનતા નથી, અને એક નવો જ ભાષાવિવાદ ચાલે છે, તો બીજી તરફ ઈન્ટરનેશનલ કક્ષાએ અનિવાર્યપણે ઉપયોગી અંગ્રેજી ભાષાને જ માતૃભાષાની જેમ ઉપયોગમાં લેવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે, ત્યારે માતૃભાષાને મહાન ગણીને, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અન્ય ભાષાઓનો પણ સન્માનજનક ઉપયોગ કરવાની સાથે આપણી માતૃભાષાની ગરિમા જળવાઈ રહે,તે માટે શરમ કે ક્ષોભ નહીં, પણ ગૌરવપૂર્વક ગુજરાતી ભાષામાં જ રોજીંદા વ્યવહારો કરીએ, અને રાજ્યની તમામ વ્યવસ્થાઓ, શાસકીય-પ્રશાસકીય પ્રબંધો અને રોજીંદી પ્રક્રિયાઓમાં ગુજરાતીને જ પ્રાધાન્ય આપીએ, તે પ્રકારની જનજાગૃતિ ફેલાવવા તાજેતરમાં માતૃભાષા દિવસની ઉજવણી દરમિયાન અપીલો પણ થઈ હતી. ટૂંકમાં, આપણી માતૃભાષા મહાન છે, અને રાષ્ટ્રભાષા તથા અંગ્રેજીનો પણ આદરપૂર્વક સમન્વય કરવો જરૂરી છે, ત્યારે આ બધાથી ઉપર ઊઠીને આપણે માત્ર એટલું જ વિચારવાની જરૂર છે, કે ત્રણ-ચાર પેઢીથી વિદેશમાં વસવાટ કરતા હજારો પિવારોએ વિદેશમાં રહીને અને વિદેશમાં જ જન્મીને ઉછર્યા પછી પણ જો ગુજરાતીનો રોજીંદો ઉપયોગ ગૌરવપૂર્ણ રીતે જાળવી રાખ્યો હોય, તો આપણે ગુજરતી બોલવા, લખવા કે સંદેશા વ્ય્વહારમાં ઉપયોગ કરવામાં શરમ ન આવવી જોઈએ.

લોકતંત્રની વિભાવના

આપણા લોકતંત્રની બુનિયાદ છે કે લોકો દ્વારા, લોકો માટે લોકોનું શાસન હોય, તેથી જ લોકતંત્રમાં લોકો સમજી શકે તેવી ભાષાનું પ્રયોગ પણ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ તથા કેન્દ્રિય સચિવાલય સુધી માન્ય રહેવો જોઈએ. વર્તમાન ગ્લોબલ યુગમાં અંગ્રેજી એક મહત્ત્વપૂર્ણ સંપર્ક ભાષા છે, પરંતુ જાપાન, ચીન, અમેરિકા, રશિયા સહિતના દેશોમાં જો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વ્યવહારો પણ ત્યાંની માતૃભાષા કે રાષ્ટ્રીય ભાષાઓમાં થઈ શકતા હોય તો આપણા રાજ્ય અને દેશમાં કેમ ન થઈ શકે?

આ માટે અ લેખન, સંવાદ, સંદેશાવ્યવહારમાં ગુજરાતી ભાષાના સામાન્ય રીતે થવા ઉપયોગ વખતે બહુ 'એકેડેમિક' થવાની જરૂર મને લાગતી નથી. હવે વ્યાકરણ, પ્રાસ, કાળ અને કર્તા, કર્મ, વિશેષણો કરતા ય વધુ તળપદી અને લોકોને સમજાય તેવી ભાષાઓનો દુનિયામાં વધી રહ્યો છે, ત્યારે આપણે પણ 'પ્રેક્ટિકલ' થવાની જરૂર છે, ખરૂં કે નહીં?

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કાર્યક્રમમાં પડઘાયો માતૃભાષાનો સાદ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ગત્ તા. ૯ મી માર્ચે ગાંધીનગર પાસે અડાલજમાં દાદા ભગવાન ફાઉન્ડેશનના સ્થળે એક મેગા ઈવેન્ટ યોજ્યો હતો, જેમાં ૧૧ હજારથી વધુ નવા વકીલોએ ઓથ (શપથ) લીધા હતાં. આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી હજારો વકીલો ઉપસ્થિત રહ્યા હતાં, તે ઉપરાંત દેશના વિવિધ રાજ્યોની બાર કાઉન્સિલોના પ્રતિનિધિઓ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ, બન્ને સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સભ્યો, રાજ્ય તથા દેશના ખ્યાતનામ ધારાશાસ્ત્રીઓ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ પ્રમુખ મનોજભાઈ અનડકટ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં, અને નવા વકીલોને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે શપથ લેવડાવ્યા હતાં, તે બધા જાણે જ છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના કાયદામંત્રી ઋષિકેશ પટેલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત હતાં, અને તેની વિગતવાર પ્રસિદ્ધિ પણ પ્રેસ-મીડિયાના માધ્યમથી થઈ ચૂકી છે. ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને કાયદામંત્રી ઉપરાંત વિવિધ મહાનુભાવોએ આ કાર્યક્રમ દરમિયાન ઘણી બધી વાતો કરી અને નવા ધારાશાસ્ત્રીઓને અભિનંદન પણ આપ્યા, અને દેશમાં સરળ, ઝડપી અને સસ્તો ન્યાય ઉપલબ્ધ થાય, તે માટેના ઉપયોગી સૂચનો પણ થયા. આ દરમિયાન ફરીથી એક વખત ગુજરાત હાઈકોર્ટમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતીના ઉપયોગની જરૂરનો મુદ્દો પણ ગૂંજ્યો અને તેના સંદર્ભે વિખ્યાત ધાશારાસ્ત્રી અને દેશના સોલિસિટર જનરલ તુષારભાઈ મહેતાએ ખૂબ જ સરસ વાત કરી હતી, અને વિવિધ દૃષ્ટાંતો સાથે વર્ણન, તેના સંદર્ભે માતૃભાષા ગુજરાતીનો ઉપયોગ વધારવાની, માતૃભાષાનું ગૌરવ અનુભવવાની તથા માતૃત્વભાષામાં જ જીવનના મૂળભૂત વ્યવહારો કરવાનો આગ્રહ રાખવાની જરૂર છે, તેમ નથી લાગતું?

આપણી માતૃભાષા ગુજરાતી છે, અને આપણે આપણા બાળકને કે.જી.થી કોલેજ સુધી ભલે અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ પણ વર્તમાન યુગની જરૂરિયાત તથા બાળકોની ભાવિ કારકિર્દીની ચિંતાના કારણે રાખીએ છીએ, પરંતુ સામાન્ય બોલચાલ તથા રોજીંદા જીવનમાં રોજીંદા વ્યવહારો તો માતૃભાષામાં જ કરવા જોઈએ, જેમાં આપણે પાછા પડતા હોઈએ, તેમ જણાય છે.

આ કાર્યક્રમ દરમિયાન મંત્રી મહોદય અને તમામ વક્તાઓએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ જે.જે. પટેલ અને ટીમની જહેમતને બીરદાવી હતી.

તુષારભાઈ મહેતાએ કહ્યું હતું કે, દુનિયાની મહાસત્તા ગણાતું અમેરિકા પણ પ્રાદેશિક અંગ્રેજીનો ઉપયોગ કરે છે. 'યુ...ગો... આઈ...કમ' એવું વાક્ય ભલે વ્યાકરણની દૃષ્ટિએ યોગ્ય ન હોય, પરંતુ આખું અમેરિકા આ જ પ્રકારની ભાષા વાપરે છે. લોકો સમજી ન શકે, તેવી ભાષા ગમે તેટલી સચોટ હોય તો પણ નિરર્થક છે, અને લોકો સમજે શકે તેવી ભાષામાં (ભલે વ્યાકરણ પ્રાસ, કર્તા-કર્મ... નાઉન-પોનાઉનની કાળજી ન રખાય ન હોય તો પણ) થતો વ્યવહાર સાર્થક અને અનિવાર્ય છે.

પ્રાચીનકાળમાં લખાયેલા શાસ્ત્રો, મધ્યકાલિન સાહિત્ય અને વર્તમાનકાળની અદ્યતન વ્યવસ્થાઓમાં વપરાતી ભાષામાં હવે ૧૮ મી સદીના નિયમો નહીં જ ચાલે, અને લેખન હોય કે સંવાદ, વિધેયિકા હોય કે ન્યાયતંત્ર, રાજ્ય હોય કે કેન્દ્ર હોય, માતૃભાષાઓને પણ સમાન ઉપયોગની છૂટ મળવી જ જોઈએ, ખરૂં કે નહીં?

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial