Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

હૂતાશણી પર્વે પ્રગટ થઈ વરવી વાસ્તવિક્તા... કડક કાનૂન ઘડાશે ખરો?

હૂતાશણીનું પર્વ ઉમંગપૂર્વક ઉજવાઈ ગયું અને બોર્ડની પરીક્ષાઓ પણ સંપન્ન થઈ ગઈ, બીજી તરફ બળબળતા ઉનાળની આગાહીઓ થવા લાગી અને આખું વર્ષ કેવું નિવડશે, તેના અનુમાનો પણ થવા લાગ્યા, તો આગાહીઓ, અનુમાનો તથા ભવિષ્યવાણીઓની યથાર્થતા અંગે એક જ પ્રકારની ચર્ચા થવા લાગી.

હૂતાશણી પર્વે ધૂળેટીના દિવસે રંગ ઊડાડતા ઊડાડતા અથવા મંદિરોમાં દર્શન કર્યા પછી દેશના વિવિધ રાજ્યોમાં કેટલાક નેતાઓએ કરેલા નિવેદનો પછી દેશમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સંવેદનશીલ વિષયો પણ ચર્ચાના ચાકડે ચડ્યા છે, અને આ સમયમાં ગુજરાતમાં થયેલા રોડ-એક્સિડન્ટ્સની ચર્ચા પણ અલગથી થઈ રહી છે. રાજ્યમાં એકંદરે હર્ષોલ્લાસ સાથે હૂતાશણી પર્વ મનાવાયું, તો કેટલાક સ્થળે નાની-મોટી તકરારો અને મારામારી થઈ હોવાના અહેવાલો પણ આવ્યા.

આપણે ત્યાં હૂતાશણીનં પર્વ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાય છે, અને કેટલાક સ્થળે ઉત્સાહ પણ જોવા મળતો હોય છે. યાત્રાધામ દ્વારકામાં તો ફૂલડોલ ઉત્સવ માટે ભાવિકોનો જાણે મહાસાગર ઘુઘવાતો હોય તેવા દૃશ્યો ઊભા થયા હતાં, અને લાખો ભાવિકો પદયાત્રાઓ કરીને દ્વારકા પહોચ્યા હતાં. દ્વારકામાં ભાતીગળ હોલિકાત્સવની રૂડી ભાત જોવા મળી હતી, તો દેશ-વિદેશથી દ્વારકા પહોંચેલા દર્શનાર્થીઓની બહુ રંગી આભા પણ પ્રગટતી જોવા મળી. એકંદરે હોલિકાદહ્ન, રંગોત્સવની સાથે સાથે સ્પર્ધાત્મક મનોરંજનો સાથે હોળી-ધૂળેટીનો ઉત્સવ રંગેચંગે સંપન્ન થયો.

ભારતીય જનતા પક્ષના દિગ્ગજ પ્રાદેશિક નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં ઘરઆંગણે હૂતાશણી પર્વ ઉજવ્યું અને રંગોત્સવની મજા માણી. આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આપેલા નિવેદનના પડઘા કદાચ દિલ્હી સુધી પડવાના છે, અને નવા પ્રદેશ પ્રમુખ નિમવાની દ્વિધાજનક સ્થિતિ વચ્ચે ભાજપની પ્રાદેશિક નેતાગીરીમાં પણ તેની ચર્ચા થવા જ લાગી હશે, કારણકે 'વિજયવાણી' ઘણી જ સૂચક, સમજી વિચારીને પ્રગટ થનારી તથા ઘણી વખત સ્ફોટક પણ હોય છે.

વિજયભાઈએ જે કાંઈ કહ્યું, તેનો સારાંશ એવો છે કે ભારતીય જનતા પક્ષે સત્તા માટે થઈને કોંગ્રેસીઓ સાથે સમજુતિ ન કરવી જોઈએ. પરોક્ષ રીતે આ નિવેદન ભાજપના ભરતી મેળાના સંદર્ભે અપાયેલી વોર્નિંગ ગણવામાં આવે છે, તો ઘણાં લોકો ભાજપના મૂળ અને વફાદાર, નિષ્ઠાવાન કાર્યકર્તાઓના અસંતોષને વાચા અપાઈ હોવાનો મત પણ વ્યક્ત કરે છે. કેટલાક લોકો આને વ્યક્તિગત અસંતોષની અભિવ્યક્તિ ગણાવે છે, તો ઘણાં લોકો વાસ્તવિક્તાનું પ્રગટીકરણ ગણાવે છે. જે હોય તે ખરૂં, પરંતુ આગ લાગી હોય ત્યાં ધૂમાડો તો દેખાવાનો જ છે ને??

કેટલાક નેતાઓ પરંપરાગત રીતે હૂતાશણી પર્વની ઉજવણી વિશેષ ઢબે કરતા હોય છે. વિજયભાઈ રૂપાણીએ હૂતાશણીનું પર્વ પરિવાર તથા અડોશ-પડોશના બાળકો સાથે રંગોત્સવ સાથે ઉજવ્યું, તો જામનગરમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી લીમડાલેનના વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં પરિવાર તથા ગ્રુપના સભ્યો સાથે રંગોત્સવ ઉજવવા પહોંચ્યા હતાં. તેઓએ ત્યાંના વડીલો તથા અન્ય આશ્રિતોને શુકનવંતો રંગ લગાવીને શુભકામનાઓ વ્યક્ત કરી અને આત્મિયતા દર્શાવી. આ પ્રકારના દૃશ્યો આપણાં સમાજની સિક્કાની બીજી બાજુ તથા વરવી વાસ્તવિક્તા પણ રજૂ કરે છે.

પૂર્વ મંત્રી અને જામનગરના દિગ્ગજ નેતા હકુભા જાડેજા પણ દર વર્ષે હોળી-ધૂળેટી પર્વે વૃદ્ધાશ્રમમાં જઈને વડીલો સાથે 'તિલકહોળી' દ્વારા ઉજવણી કરે છે.

નેતાઓ વૃદ્ધાશ્રમોમાં વાર-તહેવારે જઈને હૂતાશણી-દીપોત્સવી જેવા તહેવારોની ઉજવણી કરીને ત્યાં રહેતા લોકોને તેના પરિવાર જેવી હૂંફ આપતા હોય છે, અને કેટલાક વડીલોના પરિવરજનો પણ ત્યાં જતા હોય છે, જો કે આ પ્રકારના વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. તેના પડઘા મહારાષ્ટ્રની વિધાનસભા સહિત વિવિધ ધારાગૃહોમાં પણ પડઘાતા હોય છે. અસદુદીન ઓવૈસીની પાર્ટીના એક ધારાસભ્યે પણ આ પ્રકારના વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, અને સંતાનો વૃદ્ધ માતા-પિતા કે વડીલોને કચરાની જેમ કચરાટોપલીમાં ફેંકવા હોય, તેવી માનસિક્તાથી વૃદ્ધાશ્રમોમાં (તરછોડીને) છોડી જતા હોય છે, તે સારી બાબત નથી. તેમણે સવાલ ઊઠાવ્યો છે કે શું આ પ્રકારના વૃદ્ધાશ્રમોને લઈને આપણા દેશમાં કોઈ નક્કર કાયદા છે ખરા? શું વૃદ્ધોને તરછોડનાર સંતાનોને દંડાત્મક કે શિક્ષાત્મક કડક કાયદાઓ હેઠળ આવરી લેવા ન જોઈએ? શું આવા કડક કાયદા ન બનાવી શકાય?

જે માતા-પિતાએ ઉછેરીને મોટા કર્યા હોય, ભણાવી-ગણાવીને હોશિયાર કર્યા હોય, તેને જ આવી રીતે તરછોડવા કે ઘરમાં અપમાનજનક રીતે રાખીને ત્રાસ ગુજારતા સંતાનોની શાન ઠેકાણે લાવવાના કડકકાનૂનની જરૂર જણાતા તેમણે એક પૂર્વ જજ (નિવૃત્ત જજ) પણ વૃદ્ધાશ્રમમાં મળ્યા હોવાનો દાવો પણ કર્યો હતો.

હૂતાશણીમાં આ પ્રકારની સેવા-ભાવનાઓના પ્રગટિકરણની સાથે સાથે વૃદ્ધ માતા-પિતાને તરછોડનાર સંતાનો સામે કોઈ નક્કર કાયદાની સાથે સાથે સામાજિક જાગૃતિની જરૂર પણ છે જ ને??

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial