ગિર પડો યા નભ છૂલો, અપના મકસદ મત ભૂલો
સપના તો બધા જોતા હોય છે પરંતુ સપના સાકાર એજ કરી શકે છે જે સપનાને સતત નજર સમક્ષ રાખી જીવે. કોઇ કાર્ય ક્યાં હેતુથી આરંભ કર્યું હતું એટલે કે લક્ષ્ય શું હતુ એ યાદ રાખીએ તો ભટકવાની અને નિષ્ફળતાની સંભાવના નહિવત થઇ જાય છે. જામનગરનાં ડો. ઝોહેર ગાંધીએ આ જ સિદ્ધાંતને આત્મસાત કરી એમ.બી.બી.એસ. ના તબીબી અભ્યાસક્રમમાં કુલ ૯ ગોલ્ડ મેડલ મેળવી ગોલ્ડન બોયનું બિરૂદ મેળવ્યુ છે. ડો. ઝોહેર ગાંધીએ પિતા જેનુદીન ગાંધી તથા માતા શકીનાબેન ગાંધી સાથે 'નોબત'ની શુભેચ્છા મુલાકાત લીધી હતી ત્યારે 'નોબત' પરિવારના દર્શકભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્યએ તેમની સાથે સંવાદ કર્યો હતો.
ડો. ઝોહેરના પિતા જેનુદિનભાઇ બિઝનેસમેન છે તથા માતા શકીનાબેન પણ બિઝનેસ વુમન છે. અભ્યાસમાં આરંભથી જ પ્રવીણ રહેલ ઝોહેરે ધો. ૧૦ સુધી સત્યસાઇ વિદ્યાલયમાં અભ્યાસ કર્યા પછી વિજ્ઞાન પ્રવાહમાં ધો. ૧૧ અને ૧૨ માં પી.વી. મોદી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. વિજ્ઞાન પ્રવાહમાં પણ ઉચ્ચ ગુણો મેળવી નગરની સરકારી એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવામાં પણ ઝોહેરને સફળતા મળી હતી.
ડો. ઝોહેર હાલ એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપના અંતિમ તબક્કામાં છે. ડો. ઝોહેરને પેથોલોજી તથા મેડિસીન વિષયમાં સૌથી વધુ ગુણ માટે તથા ઓવર ઓલ માર્કસમાં પ્રથમ ક્રમ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ૪ ગોલ્ડ મેડલ એનાયત થયા છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત જામનગર ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીની કુલ ૪ મુખ્ય સરકારી મેડિકલ કોલેજ આવે છે. જે પૈકી ૪ ગોલ્ડ મેડલ મેળવવા એ વિક્રમી સિદ્ધિ કહેવાય તથા એમ.પી. શાહ મેડિકલ કોલેજના ગૌરવમાં પણ વધારો કરનારી ઘટના કહી શકાય. આ ઉપરાંત ડો. ઝોહેરને એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં પણ પેથોલોજી, માઇક્રોબાયોલોજી, ઓપ્થલમોલોજી તથા મેડિસીન વિષય અને કુલ સર્વશ્રેષ્ઠ ગુણ બદલ પણ ૫ ગોલ્ડ મેડલ કોલેજ દ્વારા એનાયત થયા છે. એટલે કે એમબીબીએસના સંપૂર્ણ અભ્યાસ દરમ્યાન ડો. ઝોહેરે કુલ ૯ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે.
ડો. ઝોહેર ગાંધી પોતાની સફળતા માટે સૌપ્રથમ માતા-પિતાની હૂંફને જવાબદાર ગણાવી એમ.પી. શાહ મેડિકલ કોલેજની તમામ ફેકલ્ટીનો પણ ઋણ સ્વીકાર કરે છે. ડો. ઝોહેર નિયમિત અભ્યાસને મહત્ત્વ આપી સાતત્યપૂર્ણ મહેનતને સફળતાની ગેરેંટી ગણાવે છે. તેઓ જામનગરનાં જ હોય એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં જ પ્રવેશ મળ્યો એટલે હોસ્ટેલને બદલે ઘરે જ રહી અભ્યાસ કરવાની તક સાંપડી એ વાતને સૌભાગ્ય ગણાવી ફેમિલી સપોર્ટને અગત્યનો ગણાવી હોસ્ટેલ લાઇફની પણ આગવી લાક્ષણિકતાઓને બિરદાવે છે. ડો. ઝોહેરના પિતાનાં મામા-માસી સહિતનાં કુટુંબીજનો પણ વિદેશમાં ડોક્ટર છે. પરંતુ માતા પિતાનું કોમર્સ બેકગ્રાઉન્ડ હોવા છતાં ઝોહેરે તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવી પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે એમ કહી શકાય.
ડો. ઝોહેર આગળ ઉચ્ચ તબીબી અભ્યાસમાં મેડિસીન વિષયમાં આગળ વધવાની ઇચ્છા ધરાવે છે અને એ માટેની નીટ પરીક્ષાની તૈયારીઓ પણ કરી રહૃાા છે.
ડો. ઝોહેર સારા સિંગર પણ છે. કોલેજમાં તેઓ સિંગર તરીકે સારી એવી ખ્યાતિ પામ્યા છે. ત્યારે વાર્તાલાપ દરમ્યાન તેઓ સંગીતને એક પ્રેરણા સમાન ગણાવી તણાવમુક્ત થવા માટે કલાને એક ઉત્તમ માધ્યમ ગણાવે છે.
તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ કે જુનિયર ડોક્ટર્સને ડો. ઝોહેર સંદેશ આપે છે કે ' આપણે શું કામ આ રસ્તે આવ્યા એ હંમેશાં યાદ રાખી મહેનત કરવી જોઇએ' અર્થાત ધ્યેયને સતત ધ્યાનમાં રાખી કરેલો પરીશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. પરિસ્થિતિઓ અનુકૂળ કે વિપરીત હોય શકે પરંતુ સપનું હંમેશાં પ્રેરણારૂપે માર્ગદર્શન આપતુ હોય છે એ પ્રેરણાને અનુસરો તો મંઝીલ સુધી પહોંચવાનું નિશ્ચિત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial