Sensex

વિગતવાર સમાચાર

અધકચરા કામો અને તેની આડઅસરો... ગુંગળાવતો વિકાસ...

આજથી જામનગરમાં બસ ડેપો કામ ચલાઉ ધોરણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ખસેડાયો છે અને હાલના બસડેપોના સ્થળે અદ્યતન બસપોર્ટ બનવાનું છે, તે ઉપરાંત હાલના વર્કશોપના સ્થાને નવું આધુનિક વર્કશોપ પણ બનવાનું છે, તેથી સ્વાભાવિક રીતે જ કેટલીક પ્રારંભિક મુશ્કેલીઓ એસ.ટી. તંત્ર અને મુસાફરોને પણ થવાની છે. એટલું જ નહીં, કેટલીક આડઅસરો અન્ય ટ્રાફિક તથા ટ્રાન્સપોર્ટેશનને પણ થવાની છે. કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવવું પડે, તે કહેવત મુજબ લોકો પાસે હવે બીજો કોઈ વિકલ્પ પણ નથી અને એસ.ટી. તંત્ર સામે પણ આ પડકાર ઝીલી લેવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. તેથી હવે બધાએ વ્યવહારૂ અભિગમ તો અપનાવવો જ પડે તેમ છે.

જો કે, આ પ્રકારના ફેરફારો થાય, ત્યારે મુસાફરો, નગરજનો તથા અન્ય ટ્રાફિકને ઓછામાં ઓછી તકલીફ થાય, તેની જવાબદારી માત્ર એસ.ટી. તંત્રની જ નહીં, પરંતુ સમગ્ર વહીવટીતંત્રની પણ છે. એસ.ટી.ની સેવાઓ પણ સરળ અને સુવિધાજક રીતે ચાલતી રહે અને પ્રવર્તમાન સુવિધાઓમાં પણ કોઈ વધુ તકલીફો ઊભી ન થાય, તે જોવાની જવાબદારી સ્થાનિક નેતાગીરીની પણ ગણાય જને?

ઘણી વખત વધારે પડતો સ્નેહ કે પ્રેમ ગુંગળાવનારો હોય છે, તેવી જ રીતે વિચારોનો વંટોળ પણ અકળાવનારો બની જતો હોય છે. નવા નવા કોન્સેપ્ટ રજૂ થાય, અમલી બને અને ઢગલાબંધ વિકાસના કામો સંપન્ન થાય, તે તો આવકારદાયક જ છે, અને વિકાસ પ્રક્રિયા ચાલતી હોય, ત્યારે થોડી-ઘણી તકલીફો પડે તો પણ નાગરિકોએ તેનો સામનો કરીને પણ વિકાસ તંત્રોને સહયોગ આપવો જોઈએ, તે પણ હકીકત છે, પરંતુ લાંબુ વિચાર્યા વગર કે વૈકલ્પિક પૂરતી વ્યવસ્થા કર્યા વગર જ્યારે અનેક પ્રકારના વિકાસના કામો એકીસાથે ચારે તરફ શરૂ કરી દેવામાં આવે, અને તે દિવસો કે અઠવાડિયાઓ નહી, પરંતુ મહિનાઓ સુધી ચાલ્યા કરે, અને રોજીંદુ જનજીવન ખોરવાઈ જાય, તો તે પણ યોગ્ય ન જ ગણાય ને?

હવે નવું બસપોર્ટ બને, ત્યારે ખરૃં, પરંતુ જે કામચલાઉ બસડેપો અથવા બસસ્ટેશન ઊભું કરાયું છે, તેમાં મુસાફરોને પૂરેપૂરી સુવિધા મળી રહે, અને ઓછામાં ઓછી તકલીફો પડે, તે જોવાની જવાબદારી તંત્રો અને નેતાગીરી નિભાવી શકશે ખરી? તેવા પ્રશ્નો ઊઠે, તે પણ અસ્થાને નથી.

નગરમાં જે ઓવરબ્રીજ બની રહ્યો છે, તેને લાંબો સમય થયો છે, અને તે ફેબ્રુઆરી-ર૦રપ માં સંપન્ન થઈ જશે, તેવી તારીખ પછી હવે જૂન મહિનાની વાતો ઊડવા લાગી છે, જો કે બે-ત્રણ મહિનામાં ફ્લાયઓવર બ્રીજનું કામ સંપૂર્ણપણે સંપન્ન થઈ જાય, અને તેના પરથી વાહનો દોડતા થઈ જાય, તેવું લાગતું તો નથી, પરંતુ આ કામને ટૂંકાવીને કેટલીક કાપકૂપ કરીને તથા કેટલાક કામો અધુરા રાખીને અધકચરો ફ્લાયઓવરબ્રીજ ચાલુ થઈ જાય, તેવું બની શકે છે, પરંતુ તેનો કોઈ અર્થ ખરો?

નગરમાં વધુ ટ્રાફિક સમસ્યા થતી હતી, તે અંબર ચોકડી, ગુરુદ્વારા ચોકડી વગેરેને લક્ષ્યમાં લઈને પહેલા તો ટૂંકો ફ્લાયઓવરબ્રીજ બનવાનો હતો, પરંતુ તેમાં વિસ્તૃતિકરણ કરીને વિક્ટોરિયા બ્રીજથી સાત રસ્તા સુધીનો ફ્લાયઓવરબ્રીજ મંજુર થયો, તે દરમિયાન રંગમતી-નાગમતી નદીઓમાં ઘણાં પાણી વહી ગયા છે. મૂળ એસ્ટીમેન્ટથી વર્તમાન ખર્ચ કદાચ સવાયો કે દોઢો થઈ જશે. એટલું જ નહીં, અંબર ચોકડી પાસે જે ડિઝાઈનથી માર્ગો બનવાના હતાં, તેમાં ફેરફાર કરીને સળંગ ફ્લાયઓવરબ્રીજ નિર્માણ કરવાનો નિર્ણય લેવાયા પછી નગરમાં જે ચર્ચા ચાલી રહી છે, તે સૌ કોઈ જાણે છે.

આ ફ્લાયઓવરબ્રીજ બની જાય, તે પછી પણ નીચેની સડકો પરથી સ્થાનિક ટ્રાફિક બહું ઘટવાનો નથી, અને એસ.ટી. બસો, અન્ય ટ્રાવેલ્સની બસો, સ્થાનિક ટ્રાન્સપોર્ટસના વાહનો, રિક્ષાઓ, રિક્ષાછકડાઓ, ટેક્સીઓ તથા દ્વિચક્રી વાહનોનો ટ્રાફિક તો નીચેની સડકો પરથી જ વધુ રહેવાનો હોય, તો આટલા જંગી ખર્ચે નિર્માણ થઈ રહેલા ફ્લાયઓવરબ્રીજનો અર્થ શું? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે. જોઈએ હવે આ 'નગરચર્ચા' ક્યાં સુધી પહોંચે છે તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial