દેશ-દુનિયામાં વિવિધ પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે અને હિંસક ઘટનાઓ, હિંસક હુમલાઓ તથા હિંસક અફવાઓનો જાણે ત્રિકોણિયો સમાગમ રચાયો છે. અમેરિકાએ હુથી આતંકવાદીઓ પર હુમલો કર્યો, ઈઝરાયેલે ફરીથી ગાઝામાં આક્રમણ કર્યું અને પાકિસ્તાનમાં બળવાખોરોના ત્યાંની સેના પર હુમલાઓના કારણે અઢી હજાર જેટલા પાક. સૈનિકોએ સેનાની નોકરી છોડી દીધી હોવાના અહેવાલો રક્તરંજીત સંઘર્ષની વાસ્તવિક્તા દર્શાવે છે, તો મહારાષ્ટ્રના નાગપુરમાં જે હિંસક ઘટનાઓ બની, આગજની થઈ, પથ્થરમારો થયો અને રાતભર જુથ અથડામણો ચાલી, તેથી આપણા દેશમાં પણ હિંસાનો પંજો પડ્યો, તેની પાછળ ઉશ્કેરણીજનક અફવાઓ વધુ જવાબદાર હોવાનું કહેવાય છે.
બીજી તરફ ગુજરાત સહિત દેશમાં વિવિધ પ્રકારની ચળવળો ચાલી રહી છે, તો ક્યાંક વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે અને એલ્ટિમેટમ પણ અપાઈ રહ્યા છે. આગામી તા. ર૪-રપ માર્ચે ગુજરાતમાં બેંક ક્ષેત્રની હડતાલનું એલાન અપાયું છે, તો હાલાર સહિત રાજ્યભરમાં આરોગ્ય કર્મીઓનું આંદોલન શરૂ થયું છે. દેશની રાજધાની સહિત દેશભરમાં વકફ બિલનો વિરોધ થઈ રહ્યો છે, અને સંસદમાં પણ આ મુદ્દે વોકઆઉટ થઈ રહ્યો છે અને ધરણાં કરાયા છે. બિહારમાં ચૂંટણીલક્ષી રાજકીય વ્યૂહરચનાઓ ગોઠવાઈ રહી છે, તો દક્ષિણ ભારતના રાજ્યો ભાષા વિવાદમાં અટવાયા છે. તમિલનાડુના મુખ્યમંત્રી હિન્દીવિરોધી નિવેદનો કરીને અને 'રૂપિયા'નું ચિન્હ બદલાવીને દેશની સંઘભાવનાથી અલગ વલણ અપનાવી રહ્યા છે, તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ હિન્દીને દેશની રાજધાની સાથેની સંપર્કભાષા ગણાવી રહ્યા છે. તેલંગણાના મુખ્યમંત્રીએ સુપ્રિમ કોર્ટે સૂચવેલી પ૦ ટકાની અનામતની મર્યાદાને ઓળંગીને ઓબીસીને ૪ર ટકા સાથે ૬૦ ટકાથી વધુ અનામતનું એલાન કર્યું છે. આ બધા ઘટનાક્રમો એકંદરે રાજકીય લાભ મેળવવા માટે જ પ્લાન્ટ કરાઈ રહ્યા હોય, તેવું લાગે છે ને?
છેલ્લા દસેક વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાઓના જ નેગેટીવ અને પોઝિટિવ અહેવાલો અગ્રીમતાથી છપાતા હતાં, ચર્ચાતા હતાં, અને પ્રકાશિત અને પ્રસારિત થતા હતાં, પરંતુ હમણાથી તેમાં થોડો બદલાવ આવ્યો હોય તેમ જણાય છે. હવે વિદેશમંત્રી એસ. જયશંકર, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના કેટલાક કેન્દ્રિય મંત્રીઓના દેશ-વિદેશના પ્રવાસો તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહના દેશના વિવિધ રાજ્યોમાં થતા પ્રવાસ-કાર્યક્રમોની પણ બહોળી પ્રસિદ્ધિ થઈ રહી છે, તે ઘણો જ સાંકેતિક બદલાવ હોવાની ચર્ચા પણ રાજકીય ગલિયારાઓમાં થઈ રહી છે.
તાજેતરની જ વાત કરીએ તો ટેરિફ મુદ્દે કેન્દ્રિય મંત્રીઓને અમેરિકા તરફ દોડાવાયા હતાં અને હાલમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે અમેરિકાના ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગાબાર્ડ સાથે કરેલી મુલાકાતની ડિટેઈલ પબ્લિસિટી થઈ રહી છે, તે ઉપરાંત ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તુલસી ગાબાર્ડ વચ્ચેની ઉચ્ચ સ્તરિય બેઠકની પણ ખાસ્સી ચર્ચા થઈ રહી છે.
વડાપ્રધાને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મંચ પરથી કરેલા હકારાત્મક નિવેદનો પછી ચીન ગદ્ગદ થઈ ગયું છે અને ચીન તરફથી પણ પોઝિટિવ પ્રત્યાઘાતો આવ્યા છે, તો બીજી તરફ મોદી સરકારે અમેરિકાને ખુશ કરવા લોકોને ચીનના ઉત્પાદનોના બદલે અમેરિકન ચીજવસ્તુઓ વધુ પસંદ કરવાની હિમાયત કરી હોવાના અહેવાલો વહેતા થતા કન્ફ્યુઝન પણ ઊભું થયું છે. હકીકતે અત્યારે આંતરરાષ્ટ્રીય નીતિ પણ એવી છે કે પરંપરાગત દુશ્મનો ગળે મળી રહ્યા છે, અને મિત્રદેશોની પીઠમાં ખંજર ભોંકવામાં આવી રહ્યું છે, ત્યારે નીતિગત બેલેન્સ જાળવવા જતા ઘણી વખત છોકરમત જેવી હરકતો પણ કરવી પડતી હશે ને?
આપણે બધા ભૂતકાળના નોસ્ટ્રેડોમસની આગાહીઓથી પરિચિત છીએ, પરંતુ હમણાંથી બ્રિટનના ભવિષ્યવેતા કેગ હેમિલ્ટન પાર્કરની કેટલીક આગાહીઓ સાચી પડ્યા પછી લોકો તેને નવા નોસ્ટ્રેડોમસ ગણાવી રહ્યા છે. તેમની કોવિડ, દરિયાઈ અકસ્માત, બ્રિટનના મહારાણી એલિઝાબેથના નિધન સહિતની કરેલી આગાહીઓ સાચી પડી અને છેલ્લે અમેરિકામાં ચૂંટણીઓ દરમિયાન ટ્રમ્પ પર હુમલાની ભવિષ્યવાણી સાચી પડ્યા પછી હવે વર્ષ ર૦રપ ના અંત સુધીમાં ત્રીજુ વિશ્વયુદ્ધ થવાની ભવિષ્યવાણી કરી છે. બલ્ગેરિયાના એક અન્ય ભવિષ્યવેતા બાબા વેંગાચે પણ આ જ પ્રકારની ભવિષ્યવાણી કરી હતી અને ૧૬ મી સદીમાં થઈ ગયેલા નેસ્ટ્રેડોમસે પણ વર્ષ ર૦ર૦ થી આંતરરાષ્ટ્રીય રાજનીતિ ચકરાવે ચડશે ને વર્ષ ર૦રપ ના અંત સુધીમાં વિશ્વયુદ્ધનો સંકેત આપ્યો હતો, તેમ કહેવાય છે, જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial