Sensex

વિગતવાર સમાચાર

૫બ્લિક સર્વિસમાં પોલંપોલ ના ચાલે... જનતાનો અવાજ સાંભળો

આપણે કોઈ ડાઈનીંગ હોલ કે રેસ્ટોરન્ટમાં અલ્પાહાર કે ભોજન કરવા જઈએ, ત્યારે ત્યાંનું ફૂડ કેવું છે, તે તો પરખીયે જ છીએ, સાથે સાથે ત્યાંની સર્વિસ કેવી છે, તેની નોંધ પણ લઈએ છીએ. ઘણી વખત ઉત્તમ ગુણવત્તાવાળું ફૂડ હોય, પણ સર્વિસ સારી ન હોય, તો આપણે ત્યાં ફરીથી જતા પહેલા વિચારીએ છીએ અને મોટાભાગે તેને અવગણીએ છીએ. એટલું જ નહીં, આપણા સ્નેહી, મિત્રો, પરિવારજનોને પણ ત્યાંની બોગસ સર્વિસ અંગે ચેતવી દેતા હોઈએ છીએ.

આવું જ કાંઈક કસ્ટમર કેરની વ્યવસ્થાઓ દરમિયાન થતી ફરિયાદોમાં પણ સંભળાતું હોય છે. કેટલાક ક્ષેત્રોના સેવા વ્યવસ્થાઓમાં ગ્રાહકોને સંતોષ આપવા અને તેઓની ફરિયાદો સાંભળીને તેનો ઉકેલ લાવવા માટે કંપનીઓ તથા પેઢીઓ દ્વારા કસ્ટમર કેરની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે. આ પ્રકારની વ્યવસ્થાઓ દરમિયાન કસ્ટમર કેરના ઓપરેટરો સમક્ષ રજૂ થતી મોટાભાગની ફરિયાદો સર્વિસ યોગ્ય નહીં હોવાની જ હશે, કારણ કે સર્વિસમાં લોલંલોલની બીમારી હવે માત્ર સરકારી ક્ષેત્રોમાં જ રહી નથી, પ્રાઈવેટ સેક્ટરમાં પણ પ્રવેશી ગઈ છે. આ જ કારણે કદાચ ખ્યાતનામ કંપનીઓના ફૂડ કે કોલ્ડ્રીંક્સ, પેક્ડ ખાદ્યચીજો વગેરેમાંથી કીડા, ફૂગ કે કચરો નીકળ્યો હોવાની ફરિયાદો અવારનવાર સંભળાતી હોય છે, અને વ્યાપક પ્રસિદ્ધિ પણ મેળવાતી હોય છે.

આ તો થઈ ખાનગી ક્ષેત્રની સેવાઓ તથા સર્વિસ સેક્ટરની વાત, પરંતુ પબ્લિક સેક્ટરમાં પણ આ જ રીતે લોલંલોલ અને પોલંમોલ ચાલતી હોય છે, અને તેના કારણે સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા થતા જંગી ખર્ચાઓ પર પાણી ફરી વળતું હોય છે.

આપણે આવકવેરો, જીએસટી, વેટ વગેરે કરવેરાઓ ભરીએ છીએ, તેવી જ રીતે ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓને પણ ઘરવેરો, પાણીવેરો, ભૂગર્ભ ગટર ચાર્જ, મિલકત વેરો, સફાઈ વેરો, લાઈટ વેરો વગેરે અનેક પ્રકારના કરવેરા પણ ભરીએ છીએ, અને તેની સાથે જે સેવાઓ માટે કરવેરાઓ લેવામાં આવે છે, તેવી સેવાઓ તથા સુવિધાઓ હકીકતમાં આપણને મળે છે ખરી?... જરા વિચારો...

જામનગરનું જ દૃષ્ટાંત લઈએ, તો નગરમાં પબ્લિક સર્વિસીઝ એટલે કે જાહેર સેવાઓ કેટલી સંતોષકારક છે, તે આપણે જાણીએ જ છીએ. ભૂગર્ભ ગટરના નેટવર્ક છતાં ઘણાં વિસ્તારોમાંથી હજુ પણ ફરિયાદો સંભળાતી રહે છે. સફાઈ વેરો લેવા છતાં ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળતા હોય છે. તાજેતરમાં મચ્છરનો ઉપદ્રવ અસહ્યપણે વધ્યો હોવા છતાં તેને અટકાવવાના પૂરતા કદમ ઊઠાવાઈ રહ્યા નથી. પીવાનું પાણી એકાંતરા નળ દ્વારા આવે છે, પરંતુ હજુ પણ કેટલાક સ્થળે પાણીની બૂમ ઊઠતી સંભળાતી હોય છે. નગરના મુખ્ય માર્ગો હોય, શેરી-ગલી-મહોલ્લાઓ હોય કે સોસાયટીઓ હોય, આંતરિક માર્ગો હોય કે રીંગરોડ હોય, ઠેર-ઠેર ખાડા, ચીરોડા, ઉબડખાબડ સડકો, અચાનક પડતા ભૂવા (મોટા ખાડા) વગેરેની તસ્વીરો પણ ઘણી વખત અખબારોના પાને ચમકતી હોય છે અને ન્યૂઝ ચેનલોના માધ્યમથી પણ નગરની દુર્દશાના દૃશ્યો પ્રસારિત પણ થતા હોય છે.

એવું પણ નથી કે મહાનગરપાલિકા દ્વારા જન-ઉપયોગી કોઈ કામ થતા જ નથી, પરંતુ ફ્લાયઓવર બ્રીજ, ટાઉનહોલનું આધુનિકરણ, ડિવાઈડરોનું રંગરોગાન, નવા ટાઉનહોલ કે અદ્યતન સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ઊભા કરીને નગરજનોની મૂળભૂત જરૂરિયાતો અને સુવિધાઓમાં ખામીઓ અને સેવાઓમાં લોલંલોલ અને પોલંપોલ પ્રત્યે આંખ આડા કાન કરવાની માનસિક્તા યોગ્ય નથી.

નગરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે વાહનો તો નિયમિત રીતે દોડાવાય છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં, અને ખાસ કરીને સોસાયટી વિસ્તારોમાં કચરાની ગાડીઓ ગૃહિણીઓ ઘરની બહાર આવીને કચરો નાંખી શકે, તેટલી પણ થોભતી નહીં હોવાની ફરિયાદો ઊઠતી હોય છે, અને કેટલીક કચરાગાડીઓ ઝડપથી આંટો મારીને પછી કોઈને કોઈ સ્થળે આરામ ફરમાવતી પણ જોવા મળતી હોય છે. લોકો અવારનવાર ફરિયાદ કરતા હોવા છતાં કેટલીક સેવાઓ સુધરતી નથી. કચરાની ગાડીઓ જ ગંધાતા કોથળાઓમાંથી રોડ પર કચરો વેરતી જાય, તો તેને સ્વચ્છતા અભિયાનની મશ્કરી જ ગણવી પડે ને?

આ તો ફક્ત કચરા કલેક્શનની જ વાત થઈ, પરંતુ મહાનગરપાલિકાની અન્ય સેવાઓમાં પણ કેટલું લોલંલોલ ચાલે છે અને નગરજનોને સરકારી કામો માટે કેટલી પરેશાનીઓ થઈ રહી છે, તેનો તટસ્થ સર્વે કરવામાં આવે, તો વરવી વાસ્તવિક્તા પ્રગટ થઈ શકે તેમ છે.

શાસકો-અધિકારીઓ દ્વારા આયોજનો થાય, સરકાર ફંડ ફાળવે, સેવાઓનો વ્યાપ વધારવા અને સુધારવાના પ્રયાસો થાય, તેમ છતાં જો પરિણામો ન આવતા હોય તો ક્યાં કચાશ છે, ક્યાં ઉણપ છે અને ક્યાં 'ચુવાક' છે, તેનું સંશોધન કરવું પડે તેમ છે. એક વખત આયોજન થયા પછી તેમાં 'કાપકૂપ' કેમ કરવી પડે? તેવા સવાલોના જવાબ પણ બધાને ખબર હોવા છતાં કોઈને મળી રહ્યા નથી!!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial