Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દુનિયા ચકલીઓના મધૂર કલરવથી ગૂંજતી રહે... વિશ્વમાં શાંતિ અને પ્રસન્નતા ફેલાય, તેનું સ્વપ્ન સાકાર થશે ખરૃં?

આજે આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ મનાવાઈ રહ્યો છે, અને વિશ્વ ચકલી દિનની ઉજવણી પણ થઈ રહી છે. આજે આ બન્ને ઉજવણીઓના સમયે એ નક્કર હકીકત છે કે આ બન્ને વિષયો આજની તારીખે ઘણાં જ સાંપ્રત છે. આજે વિશ્વમાંથી પ્રસન્નતા ઘટી રહી છે અને ચકલીઓ પણ ધીમે ધીમે લૂપ્ત થતી જાય છે. આ કારણે આજના બન્ને વિષયોને લઈને વાસ્તવમાં વૈશ્વિક ચિંતા અને ચિંતન જરૂરી છે.

આજની આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસની ઉજવણી ત્યારે જ સાર્થક થાય, જ્યારે વિશ્વમાં શાંતિ હોય, વિશ્વના દેશો વચ્ચેના સંબંધો સારા હોય, દુનિયાની સમસ્યાઓ ઘટી રહી હોય અને સુખ, તંદુરસ્તી અને સમૃદ્ધિ વધી રહી હોય, ગરીબી ઘટી રહી હોય અને ભેદભાવો ખતમ થઈ રહ્યા હોય, ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંત મુજબ હકીકતે આખી દુનિયામાં 'વસુધૈવ કેટુંબકમ્'ની વિભાવના વધુ ને વધુ દૃઢ બની રહી હોય, વિશ્વને ડરાવતા પરિબળો ખતમ થઈ રહ્યા હોય, આતંકવાદ, નક્શલવાદ અને કટ્ટરતામાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો હોય, અને હકીકતે માનવતાની જ્યોત ઝળહળતી રહેતી હોય.

આજે દુનિયા આખી આંતરવિગ્રહમાં સપડાયેલી છે. ઈઝરાયલે ફરીથી ગાઝાપટ્ટી પર હુમલાઓ શરૂ કર્યા પછી ત્યાં સ્થપાયેલી શાંતિ છેતરામણી પૂરવાર થઈ રહી છે. બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધના અંતની વાટાઘાટો વચ્ચે જ અમેરિકાના હુથીઓ પર હુમલાના કારણે ઈરાનની ભમ્મરો ઊંચાનીચી થવા લાગી છે. અમેરિકા-ચીનની ખેંચતાણ આજે યુરોપિય દેશોના અમેરિકા સાથેના સંબંધોમાં આવી રહેલી ખટાશના કારણે વિશ્વમાં તંગદિલી વધી રહી છે. કેટલાક દેશોમાં આંતરવિગ્રહની સ્થિતિ છે. પડોશી દેશ પાકિસ્તાનમાં બલુચ વિદ્રોહીઓ પાકિસ્તાનથી સ્વતંત્ર થવા માંગે છે, તેથી ટ્રેનનું અપહરણ કરવા જેવી ઘટનાઓ બની રહી છે, તો બાંગલાદેશમાં ભારે અરાજક્તા અને અસ્થિરતા ફેલાઈ રહી છે, જો કે પુતિને ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીતમાં એક મહિનાના યુદ્ધ વિરામ (આંશિક) ની જાહેરાત કરતા થોડી રાહત થઈ છે.

આપણા દેશની વાત કરીએ તો નાગપુરમાં હિંસક તોફાનો થયા, મણિપુરના મુદ્દે ફરી એક વખત સંસદમાં ગોકીરૃં થયું, લાંબા સમયે દેશના કોઈ રાજ્યમાં કર્ફયુ લદાયો, દક્ષિણ ભારતના રાજ્યોમાંથી ભાષા વિવાદ વકરી રહ્યો છે, અને વિવિધ રાજ્યોમાં અનેક પ્રકારના આંદોલનો અને ચળવળો ચાલી રહી છે, તેથી આપણા દેશમાં પણ ખૂબ જ અશાંતિ ફેલાઈ જાય, તેવા ઘટનાક્રમોની બુનિયાદ રચાઈ રહી છે. એક તરફ દેશમાં રાજકીય ક્ષેત્રે વિચારધારાઓનો ટકરાવ સર્જાઈ રહ્યો છે અને વૈશ્વિક ક્ષેત્રે પણ નવા સમિકરણો સર્જાઈ રહ્યા છે, અને તેની અસરો આપણા દેશના જનજીવન, અર્થતંત્ર અને આંતરિક શાંતિ પર પણ પડી રહી છે.

આ સંજોગોમાં જ્યારે દેશ-દુનિયામાં સંઘર્ષ, હિંસા, તંગદિલી અને તકરારોનો માહોલ હોય, ત્યારે જો આંતરરાષ્ટ્રીય શાંતિના ગંભીરતાપૂર્વક વાસ્તવિક પ્રયાસો થાય, તો જ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસની ઉજવણીનો કાંઈક અર્થે સરી શકે, અન્યથા આ પ્રકારની ઉજવણીઓ દર વર્ષે થતી જ રહેશે અને પ્રસન્નતા તો ચકલીઓની જેમ લૂપ્ત જ થતી રહેશે, તે નક્કી છે.

આજે વિશ્વમાંથી પ્રસન્નતા ઘટી રહી છે, તેવી જ રીતે ચકલીઓ પણ લૂપ્ત થતી જાય છે. વિશ્વમાં પ્રસન્નતા વધારવા માટે જેવી રીતે આજે આપણે આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ ઉજવીએ છીએ, તેવી જ રીતે આજે વિશ્વ ચકલી દિવસ ઉજવીને ચકલીઓની સુરક્ષા તથા વૃદ્ધિ માટે પણ પ્રયાસો કરવા જ જોઈએ ને?

દર વર્ષે ર૦ મી માર્ચે ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસની ઉજવણી થાય છે, તેવી જ રીતે દર વર્ષે વર્લ્ડ સ્પેરો ડે અથવા વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે, તેથી એક યોગાનુયોગ સુભગ સમન્વય સર્જાયો છે, અને આ ઉજવણી પછી વિશ્વમાં ચકલીઓનો કલરવ ફરીથી ભૂતકાળની જેમ ગુંજવા લાગે અનેે આખી દુનિયામાંથી અશાંતિ અને સંઘર્ષ ખતમ થઈ જાય અને સર્વત્ર પ્રસન્નતા છવાઈ જાય, તેવું ઈચ્છીએ...

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ર૦૧ર માં ર૦ મી માર્ચને આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ જાહેર કરાયો,તે પછી દર વર્ષે હેપીનેસ સર્વે થાય છે, અને વિશ્વભરમાં ખુશી ફેલાવવાની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. આપણે હકીકતમાં આખી દુનિયાને પ્રસન્ન કરવી હોય તો પહેલા આપણે સ્વયં પ્રસન્ન રહેવું પડશે, અને આપણા સમાજ અને દેશને પણ ખુશહાલ રાખવા પડશે.

એવી જ રીતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી વર્ષ ર૦૧૦ થી શરૂ થઈ હતી. ભારતીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવર દ્વારા સ્થાપિત નેચરફોર એવર સોસયટી દ્વારા ચકલીની સુરક્ષા માટે જાગૃતિ ફેલાવવાની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. તે ઉપરાંત ફ્રાન્સની ઈકો-સિસ એક્સન ફાઉન્ડેશન દ્વારા પણ ચકલીઓના સંરક્ષણની પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી. ચકલીઓના મીઠા કલરવ સાથે વૈશ્વિક પ્રસન્નતાનું આપણું સ્વપ્ન સાકાર થઈ જાય, તેવું પણ ઈચ્છીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial