ગુજરાત વિધાનસભામાં એજ્યુકેશનના વિષય પર ચર્ચા થાય કે રાજ્ય અથવા રાષ્ટ્રીય કક્ષાના પ્લેટફોર્મ્સ પર ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ, સિસ્ટમ અને ભરતીપ્રક્રિયાની ચર્ચા થાય, ત્યારે સરકાર તરફથી વિવિધ પ્રકારના મોટા મોટા દાવાઓ થતા હોય છે, તો વિપક્ષો રાજ્યમાં પેપરલીક, કાર્યપદ્ધતિ તથા મોંઘા ખાનગી શિક્ષણ જેવા મુદ્દાઓ જોરશોરથી ઊઠાવતા હોય છે. આ બધા દાવા-પ્રતિદાવાઓ વચ્ચે ભરતી કેલેન્ડર તથા રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની ચિંતાજનક સ્થિતિ અંગે વિવિધ ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.
એવા અહેવાલો પણ આવ્યા હતાં કે રાજ્ય સરકારે દસ વર્ષ આયોજનમાં કેટલીક ભૂલો કરી છે, અને ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો અને આચાર્યો જ ભૂલાઈ ગયા છે!
રાજ્ય સરકારના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટની ગયા વર્ષે મળેલી બેઠકમાં ૧૦ વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરાયું હતું. સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો, આચાર્યો, ડીઈઓ, ટીપીઓની ભરતી માટે દસવર્ષિય આયોજન કરાયું છે. આ ઉપરાંત એજ્યુકેશન બોર્ડ, સરકારી કચેરીઓ, ટેકનિકલ એજ્યુકેશન સહિતના શિક્ષણ સાથે સંકળાયેલા વિભાગોમાં ભરતી માટે પણ દસ વર્ષિય આયોજન કરાયું છે. આ દસ વર્ષિય આયોજનમાં રાજ્ય સરકારે ગ્રાન્ટેડ સ્કૂલો-કોલેજો માટે કોઈ આયોજન જ નહીં કરાયું હોવાની રાવ શાળા સંચાલક મંડળે ચીફ સેક્રેટરીને કર્યા પછી આ મુદ્દે રાજ્યવ્યાપી પડઘા પણ પડી રહ્યા છે. એવી રજૂઆત થઈ છે કે વર્ષ ર૦ર૩ સુધીના શિક્ષણ ક્ષેત્રના ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટ-ઈન-એઈડ શાળા-મહાશાળાઓનો ઉલ્લેખ જ નથી. વર્ષ ર૦ર૩ થી લાગુ કરાયેલા આ કેલેન્ડરમાં આગામી તા. ૧૦ વર્ષ દરમિયાન ખાલી પડનારી જગ્યાઓ પર ભરતી કરવા માટે જે સમયબદ્ધ આયોજન ઘડાયું છે, તેમાં ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં ખાલી પડનારી શિક્ષકો-આચાર્યોની જગ્યાઓ પર ભરતીનો ઉલ્લેખ જ નથી, તે ઉપરાંત છેલ્લા પંદરેક વર્ષોથી ગ્રાન્ટેડ સ્કૂલોમાં પટાવાળાઓ તથા ક્લાર્કની ભરતી પણ થઈ નથી, તેથી શિક્ષણ ખાડે નહીં જાય?તેવા સવાલો ઊઠી રહ્યા છે.
ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અને શૈક્ષણિક સુવિધાઓ અંગે પ્રેસ-મીડિયા જ નહીં, વિલેજથી વિધાનસભા અને સડકોથી શહેરો સુધી ચર્ચા થતી રહી છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભરતી કેલેન્ડર અંગે હવે સરકાર ગમે તેવી ચોખવટો કરે કે ફીફાં ખાંડે, પણ 'અબ પછતાને સે ક્યા ફાયદા, જબ ચુડિયા ચુભ ગઈ ખેત...'
તાજેતરમાં એવા અહેવાલો પણ આવ્યા હતાં કે દેશના રાજ્યોમાં હાયર એજ્યુકેશનના ક્ષેત્રે ગુજરાતનો ક્રમ ૧૮ મો છે. એક સેન્ટ્રલ રિપોર્ટ મુજબ ધોરણ ૧ર પછીના ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત છેલ્લેથી ૬ઠ્ઠા ક્રમે છે. રાજ્યમાં ધોરણ-૧ર ઉત્તીર્ણ કર્યા પછી ચોથા ભાગના વિદ્યાર્થીઓ પણ આગળ વધતા નથી.
જો ગુજરાતમાં ૧૮ વર્ષથી ર૩ વર્ષના વયજુથના ધોરણ ૧ર ઉત્તીર્ણ કરેલા ૭૬ ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ જ છોડી દેતા હોય, તો તેને એજ્યુકેશનમાં હરણફાળ ભરેલી કહેવાય કે પીછેહઠ કરી ગણાય, તે રાજ્યના શિક્ષણ વિભાગ અને શિક્ષણમંત્રીને પૂછવું જોઈએ. જો આ રિપોર્ટને ધ્યાને લેવામાં આવે તો રાજ્યના યુવાવર્ગમાં ઉચ્ચ શિક્ષણ પ્રત્યે અણગમો છે, કે પરંપરાગત વ્યવસાયો કે બેરોજગારીની સ્થિતિમાં યુવાધન જાય છે, તેનું સંશોધન કરવું જ જોઈએ. હાયર એજ્યુકેશનની રાષ્ટ્રીય સરેરાશ ર૮.૪ ટકા છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો ર૪ ટકાનો છે, તેનો મલતબ એવો થાય કે ગુજરાતમાં હાયર એજ્યુકેશનનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો છે.
હાયર એજ્યુકેશનના ટોપટેનમાં દિલ્હી, તામિલનાડુ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર છે, જ્યારે લાસ્ટ ટેનમાં પંજાબ, પ. બંગાળ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઓડિસા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને આસામ છે. હરિયાણા, મધયપ્રદેશમાં ર૮ થી ૩પ ટકા વચ્ચે ઉચ્ચ શિક્ષણનો દર છે. દિલ્હીમાં સૌથી વધુ ૪૯ ટકા હાયર એજ્યુકેશનનો દર છે, જ્યારે સૌથી ઓછો હાયર એજ્યુકેશન દર માત્ર ૧૬.૯ ટકા જેવો આસામનો જણાવાયો છે. આ આંકડા ઓલ ઈન્ડિયા હાયર એજ્યુકેશનના છેલ્લા સરવેના આધારે બહાર આવ્યા છે.
જો કે, કેન્દ્ર સરકારના ક્યા તાજા રિપોર્ટના આધારે આ આંકડાની ચર્ચા થઈ રહી છે, તે સ્પષ્ટ થયું નથી, પરંતુ જો દેશમાં એક પણ રાજ્યમાં ધોરણ-૧ર પછી હાયર એજ્યુકેશનનો આંકડો પ૦ ટકા સુધી પણ પહોંચતો ન હોય, તો તે દેશની શિક્ષણ નીતિ તથા સિસ્ટમ સામે પ્રશ્નચિન્હ જરૂર ખડુ કરે છે. આ પ્રકારના પ્રશ્ન ચિન્હો સામે કેટલાક 'વિદ્વાનો'ને વાંધો હોવાથી આ પ્રકારના પ્રશ્નો દબાઈ જતા હોય છે, અને સરવાળે શિક્ષણનું ફૂલગુલાબી ચિત્ર રજૂ કરીને વાહવાહી લૂંટનારા પબ્લિક અને પ્રાઈવેટ પરિબળોને મોકળું મેદાન મળી જતું હોય છે. આવું ક્યાં સુધી ચાલશે, તે પણ એક સો મણનો સવાલ જ છે ને???
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial