ઘણી વખત પોતાને સર્વાધિક ચતૂર સમજતા લોકો પબ્લિકની નાડ પારખી શકતા હોતા નથી
પૃથ્વી પર સૃષ્ટિએ અગણ્ય જીવોનું સર્જન કર્યું છે અને તેમાં બુદ્ધિશાળી ગણાતા માનવીએ પોતાની આર્ટિફિશિયલ દુનિયા ઊભી કરી છે. માનવી સિવાયના જીવો કુદરતે જે આપ્યું છે, તેમાંથી જ આવાસ, નિવાસ, આહાર અને આરામની ગોઠવણો કરે છે, જ્યારે માનવીએ એ જ કુદરતી ચીજ-વસ્તુઓ, પદાર્થો તથા સંપદાઓને મોડીફાય કરીે રહેણાંકની ઈમારતો, વ્યાપાર-ધંધાના સ્થળો, અભ્યાસ, સારવાર અને આરામની સુવિધાઓ ઊભી કરી છે. ઘણાં પ્રાણીઓ મનુષ્ય કરતા વધુ તાકાતવર હોવા છતાં મનુષ્ય પોતાની બુદ્ધિથી તેને અંકુશમાં રાખે છે.
એવું નથી કે પ્રાણીઓ-પશુપંખીઓ સહિતની જીવસૃષ્ટિઓમાં કોઠાસુઝ, સમજ કે કોઈ સંવેદના જ હોતી નથી. શ્વાનની ઘ્રાણેન્દ્રિય માનવી કરતા અનેકગણી તેજ હોય છે. કેટલાક પશુ-પંખીઓને કુદરતી આફતોની આગોતરી ખબર પડી જતી હોય છે અને કેટલાક પંખીઓની વ્યોમવ્યાયી વિરાટ દૃષ્ટિ હોય છે, જે મનુષ્યમાં હોતી નથી, તેથી એવું પણ કહીશકાય કે મનુષ્યો પોતાને કુદરતે આપેલી બુદ્ધિમત્તાને પોતાના સ્વાર્થ માટે દુરૂપયોગ કર્યો છે, અને એ જ પ્રકૃતિનું દોહન કર્યું છે, જેમાંથી તેનું અસ્તિત્વ જન્મ્યું છે. બીજી દૃષ્ટિએ પણ કહી શકાય કે મનુષ્યે ઈશ્વરેચ્છાથી જ આ સમગ્ર આર્ટીફિશિયલ વર્લ્ડ ઊભું કર્યું છે, અને તેને આપણા શાસ્ત્રોમાં ઈશ્વરની લીલા તરીકે પણ વર્ણવવામાં આવે છે.
મનોવૃત્તિ આધારિત વર્ગિકરણ
ભારત જેવા દેશમાં વૈવિધ્યપૂર્ણ સહજીવન અસ્તિત્વમાં છે, તેની સાથે સાથે જ્ઞાતિ, જાતિ, સમાજ, ભાષા, પ્રદેશની બુનિયાદ પર વિવિધ વર્ગો છે, જે જુદા જુદા માપદંડો મુજબ નિર્ધારિત પણ થતા રહ્યા છે, અને બદલતા પણ રહ્યા છે, જ્યારે મનુષ્ય સિવાયની જીવસૃષ્ટિમાં મનવૃત્તિ આધારિત વર્ગિકરણો થયા છે. દૃષ્ટાંત તરીકે જે સસ્તન પ્રાણીઓ દૂધ આપે છે, તેને દુધાળા પશુઓ કહેવામાં આવે છે, અને આ પ્રકારના પ્રાણીઓ મનુષ્યોની સાથે સહજીવન જીવી શકે છે. તેવી જ રીતે શ્વાન, બિલાડી, પંખીઓ વગેરે એવા જીવસૃષ્ટિ છે જે મનુષ્યની સાથે પણ રહી શકે છે અને જંગલોમાં રહી શકે છે. સિંહ, વાઘ, વરૂ જેવા પ્રાણીઓ મનુષ્ય માટે જોખમી અને હિંસક ગણાય છે, અને હાથી, હરણ, સસલા સહિતના શાંત ગણાતા વન્યજીવો પણ જંગલોમાં વસવાટ કરે છે, તેને મનોવૃત્તિ આધારિત વર્ગિકરણ મુજબ જંગલી પ્રાણીઓ કે અન્ય જીવો કહેવાય છે.
બુદ્ધિમત્તા આધારિત વર્ગિકરણ
પ્રાણીઓમાં પણ કેટલાક પ્રાણીઓનું આંતરિક વર્ગિકરણ (મનુષ્ય દ્વારા) બુદ્ધિ આધારિત કરાયું છે. સરકસમાં ટ્રેઈન પ્રાણીઓનો કરતબો દેખાડીને પોતાનું પેટીયું રળતો મનુષ્ય કેટલાક પ્રતિબંધો પછી હવે અટીફિશિયલ અને કોમ્પ્યુટરાઈઝ્ડ પ્રાણીઓનો પ્રયોગ ફિલ્મો તથા ટી.વી. સિરિયલોમાં કરવા લાગ્યો છે. તેવી જ રીતે શ્વાનની તિવ્ર ઘ્રાણેન્દ્રિય તેને ટ્રેનિંગ આપીને ગુનાખોરોને પકડવા કે સ્ફોટક પદાર્થની શોધખોળ માટે ઉપયોગમાં લેવા લાગ્યો છે. આવી રીતે મનુષ્યે પ્રાણીઓ તથા પંખીઓનું પણ બુદ્ધિમત્તા આધારિત વર્ગિકરણ કરી નાખ્યું છે.
પબ્લિકની નાડ પારખનાર
વ્યક્તિ બને સફળ
આજે સાયન્સ એન્ડ ટેકનોલોજીના યુગમાં મેડિકલ ક્ષેત્રે આશ્ચર્યજનક ઉપકરણો ઉપલબ્ધ થયા છે અને ગંભીરમાં ગંભીર બીમારીઓનો ઈલાજ પણ સંભવ બન્યો છે. તેવા યુગમાં પણ આજે નાડીવૈદ્યોની બોલબાલા છે અને કેટલાક નાડી વૈદ્યો માત્ર નાડીના ધબકારા ગણીને તે વ્યક્તિના શરીરના વ્યાધિ (રોગ) નું નિદાન કરી શકે છે અને ઉપચાર પણ સૂચવી શકે છે. એવી જ રીતે ઘણાં લોકો સામૂહિક રીતે લોકોની મનોવૃત્તિ પારખી શકતા હોય છે, તેથી જ ઘણાં નેતાઓમાં લોકોની નાડ પારખવાની શક્તિ હોય છે, તેવું કહેતા ઘણાં લોકોને આપણે સાંભળતા હોઈએ છીએ. પબ્લિકની નાડ પારખવામાં સફળ હોય તેવા વ્યક્તિની પ્રશંસા થતી હોય છે, જ્યારે કેટલાક નિષ્ફળ રાજનેતાઓ પબ્લિકની નાડ પારખવામાં સફળ થયા નથી, તેવું પણ ઘણાં લોકો કહેતા હોય છે. જામનગરમાં (યોગાનુયોગ) તાજેતરમાં જ કેટલાક નાડીવૈદ્યોનું જાહેર સન્માન થયું છે.
બીજી ભાષામાં કહીએ તો પોતાને વિદ્વાન માનતા લોકો પબ્લિકની નાડ પરખવામાં થાપ ખાઈ જતા હોય છે,તો ઘણાં લોકો પબ્લિકની નાડ પારખીને પોતાની નવી રણનીતિઓ ઘડવામાં અને વ્યૂહરચનાઓ બદલતા રહેનારા પાવરધા પણ હોય છે. ઘણી વખત પોતાને સર્વાધિક ચતુર સમજતા લોકો પબ્લિકની નાડ પારખી શકતા નથી. પબ્લિકની નાડ પારખવા માટે જે બુદ્ધિમત્તા જોઈએ, તેનું મૂળ પ્રત્યેક માનવીની અંદર પહેલી સુષુપ્ત ચેતના શક્તિમાં હોય છે, પરંતુ તેના પર મનુષ્યની વિચારસરણી, ઉછેર, સંસ્કારો, શિક્ષણ તથા દુન્યવી અનુભૂતિઓની અસરો પડવાથી તેનું હકારાત્મક કે નકારાત્મક પરિણામો આવતા હોય છે. તેઓને 'સત્ય' સમજાય છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ગયું હોય છે. એવું પણ કહેવાય છે કે મોટાઈના કોઈ માપદંડ હોતા નથી, અને ઉદારતાનું પણ કોઈ માપીયુ હોતું નથી.
ભારતના ન્યાયતંત્રમાં સમાનતા
ન્યાતંત્રની દૃષ્ટિએ કોઈ અમીર, ગરીબ, નાનો-મોટો કે વહાલો-દવલો હોતો નથી, અને બધાને ન્યાયતંત્ર સમાન નજરે જ જુએ છે. ભારતનું ન્યાયતંત્ર તટસ્થ અને બંધારણનું રક્ષક છે, પરંતુ 'સિસ્ટમ'ને સુધારવાની જરૂર છે. આજે ન્યાય મેળવવો મુશ્કેલ એટલા માટે લાગે છેકે તેમાં ઘણો વિલંબ થાય છે, અને ખર્ચાળ પણ છે. આ કારણે જ દેશમાં સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળતો થાય, તે માટેની ઝુંબેશો શરૂ થઈ છે. જો કે, આ પ્રકારની ઝુંબેશો ન્યાયતંત્ર અને બાર કાઉન્સિલો-એસોસિએશનોથી આગળ વધીને જન આંદોલન બને, તેની જ રાહ જોવાઈ રહી છે.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial