ભારતમાં આંતરિક મતભેદો ગમે તેટલા હોય, પરંતુ જ્યારે રાષ્ટ્રીયતા અને દેશની સુરક્ષાની વાત આવે, ત્યારે આપણા દેશના રાજકીય પક્ષો તથા વિવિધ વિચારધારાઓ એકજુથ જઈ જતી હતી અને યુદ્ધના સમયમાં તો કેટલાક અપવાદોને બાદ કરતા આખો દેશ એકી અવાજે દુશ્મનોને પડકારતો હતો. આપણા દેશની વિવિધતામાં એક્તા અને નેશન ફર્સ્ટની ખૂબીએ જ આપણાં દેશના સાર્વભૌમત્વનું રક્ષણ કર્યું છે, અને સત્તા પરિવર્તનો થવા છતાં મૂળભૂત વિદેશનીતિ મોટાભાગે યથાવત્ જ રહેતી આવી છે.
જો કે, પ્રવર્તમાન સમયગાળામાં વૈશ્વિક સમિકરણો બદલી રહ્યા હોય તેવું લાગે છે. વિશ્વના બે-ત્રણ પ્રખંડોમાં ચાલી રહેલા યુદ્ધોને સાંકળીને શક્તિશાળી દેશો શતરંજની ખતરનાક અને વ્યૂહાત્મક ચાલ ચાલી રહ્યા છે. એક તરફ તો રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાનું બીડું ઝડપીને અને રશિયાની તરફેણ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિએે ઝેલેન્સ્કીને જાહેરમાં ખખડાવી નાંખ્યા અને તે પછી યુક્રેને મૂકેલા પ્રસ્તાવ મુજબ રશિયાએ 'શરતી' યુદ્ધવિરામની વાતો કરીને અમેરિકાને જ ટીંગાળી દીધું, આ બધી ચાલાકીભરી ચાલબાજીઓએ વિશ્વની રાજનીતિને ગુંચવણભરી સ્થિતિમાં મૂકી દીધી છે, જો કે રશિયા દ્વારા એક મહિનાના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. તાજેતરમાં જ ટ્રમ્પે આ મુદ્દે પુનઃ પ્રયાસો શરૂ કર્યા અને મંગળવારથી જે પ્રયાસો થઈ રહ્યા છે, તે આપણી સામે જ છે. જોઈએ હવે શું થાય છે તે...
ભારત એક તરફ તો સામ્રાજ્યવાદી ચીન સામે પહેલેથી જ ઝઝુમી રહ્યું હતું અને તે પછી પાકિસ્તાનના આતંકવાદની સામે પણ અવિરત સંઘર્ષ કરી રહ્યું હતું, તેમાં હવે પડોશી મિત્ર દેશ બાંગલાદેશ શેખ હસીનાને શરણ આપવાના કારણે દુશ્મનાવટ તરફ આગળ વધી રહ્યો છે, અને પાકિસ્તાન અને ચીન સાથે મળીને ત્યાંની કામચલાઉ સરકાર પણ ભારત વિરોધી નીતિ-રીતિ અપનાવી રહી છે.
બીજી તરફ હવે રેસિપ્રોકલ ટેરિફ અને ગેરકાયદે ઈમિગ્રેન્ટ્સની હકાલપટ્ટીની ટ્રમ્પનીતિના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં પણ પહેલા જેવી મધૂરતા રહી નથી. ટ્રમ્પ-મોદીની વ્યક્તિગત મિત્રતાની દ્વિપક્ષિય સંબંધો તથા 'નેશન ફર્સ્ટ'ની બન્ને દેશોની નક્કર નવી નીતિ પર કોઈ હકારાત્મક અસરો પડશે, તેવી આશા રાખવી નકામી છે.
અક્સાઈ ચીન અને તાઈવાન સંદર્ભે અપનાવેલી નીતિ તથા મહાસાગરોમાં દાદાગીરીની રણનીતિના કારણે ચીન લુચ્ચુ અને સામ્રાજ્યવાદી છે, તે તો ઓપન ગ્લોબલ સિક્રેટ છે, અને હવે ચીને નાના-નાના દેશોને મોટી લોન આપીને આર્થિક સામ્રાજ્યવાદની પોલિસી પણ અખત્યાર કરી છે, ત્યારે ચીનની ચબરાકીઓ સામે પણ ભારતને સતત ઝઝુમવું પડી રહ્યું છે.
રશિયાએ યુક્રેનના તો કેટલાક વિસ્તારો દબાવી જ લીધા છે, અને હવે જ્યોર્જિયાને હડપ કરવાનો ઈરાદો ધરાવે છે, જ્યારે તિબેટ, હોંગકોંગ, દક્ષિણ ચીન સમુદ્ર, તાઈવાન, કેટલાક ટાપુઓ તથા ભારતના અરૂણાચલ પ્રદેશ સહિતના ભાગોમાં ચીની સામ્રાજ્ય સ્થાપવાના મનસુબા શી જીનપીંગ ધરાવે છે, તે હવે છૂપુ રહ્યું નથી.
વિશ્વની સૌથી જુની લોકશાહી ધરાવતા અમેરિકાની ટ્રમ્પનીતિ પણ હવે સામ્રાજ્યવાદી બનવા લાગી હોય, તેમ જણાય છે. અમેરિકાએ પનામા નહેર કબજે કરવાની મનસા તો પહેલેથી જ જાહેર કરી દીધી છે, અને કેનેડાને તો ટ્રમ્પે અમેરિકાનું પ૧ મું સ્ટેટ જ ગણાવી દીધું છે. અમેરિકાએ ગાઝાને હસ્તગત કરવાની ઈચ્છા પણ સરાજાહેર કરી દીધી છે. ગ્રીનલેન્ડને કબજે કરવાની નીતિ પણ ટ્રમ્પે જાહેર કરી દીધી છે. આ કારણે અમેરિકા પણ હવે સામ્રાજ્યવાદી મહાસત્તા બનવા લાગ્યું છે.
ટૂંકમાં, ભારત સામ્રાજ્યવાદી રાષ્ટ્રો, તથા આતંકવાદી રાષ્ટ્રો વચ્ચે જાણે કે પીસાઈ રહ્યું છે. ભારત સરકાર બિનજુથવાદી આંતરાષ્ટ્રીય રણનીતિ તો પહેલેથી જ ધરાવે છે, પરંતુ હવે ટ્રમ્પે મિત્ર દેશો અને દુનિયાની પરવાહ કર્યા વિના 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ, રેસિપ્રોકલ ટેરિફ નીતિ તથા અમેરિકાના ગેરકાયદે ઈમિગ્રેન્ટ્સની હકાલપટ્ટીની સાથે સાથે અમેરિકાના નાગરિકત્વના અધિકારો પણ સીમિત કરી નાંખ્યા છે. ભારતે અમેરિકાના દબાણમાં આવ્યા વગર કોવિડ પછી રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદ્યુ હતું, તેનો બદલો લેવા ટ્રમ્પ હવે ઉંદરની જેમ ભારતને ફૂંકી ફૂંકીને કોતરી ખાવાની નીતિ ધરાવતા હોય, તેવી આશંકા જાગે છે. ટ્રમ્પે પર્યાવરણ સમતુલાની પેરિસ સમજુતિને ફગાવી દીધી છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાને પણ અમાન્ય ઠરાવી દીધી છે, અને કવાડ, બ્રિક્સ જેવા ગ્રુપોને નબળા પાડીને પોતાનું વર્ચસ્વ સ્થાપવાની જે કુટનીતિ (કટૂનીતિ) અપનાવી છે, તે ભારત માટે પણ હાનિકર્તા જ છે ને?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે તાજેતરમાં થયેલા કરારોના કારણે વ્યાપારવૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાઓમાં સહયોગ, ડેરી ક્ષેત્રખાદ્યાન્ન ક્ષેત્ર અને સ્પેસ સેક્ટરમાં પણ સહયોગની નવી દિશાઓ ખુલશે. એ ઉપરાંત ટુરીઝમ એજ્યુકેશન અને કનેક્ટિવિટીના ક્ષેત્રે પણ બન્ને દેશો આગળ વધશે, તેવો જે દાવો કરાયો છે, તેની પણ ચર્ચા થઈ રહી છે.
કેટલાક લોકો ભારતની વિદેશનીતિને યોગ્ય જણાવે છે, તો ઘણાં લોકો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ભારતની વિદેશનીતિ ભટકી ગઈ છે અને કક્કાવારીના 'અંગ કોઈનો નહીં'ની જેમ ભારત ચારેય બાજુથી લટકી તો નહીં જાય ને? જો કે, આશંકાઓની આંધી વચ્ચે પણ આશાઓ પ્રગટી રહી હોય તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial