ગાંધીજીએ ગ્રામ સ્વરાજની કલ્પના કરી હતી અને ગામના લોકો પોતાના વિકાસનું આયોજન પોતે જ કરી શકે, તે માટે ગ્રામ પંચાયતોને જરૂરી ફંડ, સત્તાઓ અને જવાબદારીઓ સાથે સુપ્રત કરવામાં ગુજરાતે અગ્રીમ ભૂમિકા અદા કરી હતી અને રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતીરાજ વ્યવસ્થા સફળતાપૂર્વક કામ રહી છે, એટલું જ નહીં, ગુજરાતે જ સમગ્ર દેશને પંચાયતી રાજનો રાહ ચિંધ્યો હતો.
તાજેતરમાં કેન્દ્ર સરકારનો રિપોર્ટ ચર્ચામાં આવ્યો છે. પંચાયતીરાજ અંગેના કેન્દ્ર સરકારના ડિવોલ્યુશન ઈન્ડેક્ષ-ર૦ર૪ ના રિપોર્ટને ટાંકીને આવેલા અહેવાલો મુજબ દેશને પંચાયતીરાજના પાઠ શિખવાડનાર ગુજરાત પોતે જ અત્યારે પરોઠના પગલા ભરી રહેલું જણાય છે. આ રિપોર્ટ મુજબ અત્યારે પંચાયતીરાજની શ્રેષ્ઠ કામગીરી કર્ણાટકમાં થઈ રહી છે, અને તેનો સ્કોર ૭ર.ર છે. કર્ણાટકનું પંચાયતીરાજ વ્યવસ્થાપન અત્યારે દેશમાં ટોપ પર છે, જ્યારે ગુજરાત ટોપ-ફાઈવમાં પણ નથી...!
ગુજરાત ટોપ-ફાઈવમાં તો નથી જ, પરંતુ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો સ્કોર સાથે ગુજરાતની પંચાયતીરાજ વ્યવસ્થાઓ ગોથાં ખાઈ રહી છે, અથવા ગોટે ચડી ગઈ હોય તેમ જણાય છે.
પ્રેસ-મીડિયામાં ડિવોલ્યુશન ઈન્ડેક્ષ-ર૦ર૪ ની ચાલી રહેલી ચર્ચાના પડઘા ગુજરાતની રાજધાની સુધી પહોંચ્યા છે, અને મુદ્દો ઉઠાવીને હવે વિપક્ષો પંચાયતીરાજ વ્યવસ્થાને લઈને સરકારને ઘેરશે, તેવા સંકેતો મળી રહ્યાં છે.
જો કે, ગુજરાત આ ઈન્ડેક્ષના ટોપટેનમાં તો છે જ, અને કેટલાક માપદંડોમાં અગ્રેસર હોવાના દાવાઓ પણ થઈ રહ્યાં છે. બીજી તરફ આ ઈન્ડેક્ષ પંચાયતીરાજ વ્યવસ્થાઓની સમગ્ર કામગીરીને પ્રતિબિંબિત કરી રહ્યો નહીં હોવાની ચર્ચા પણ થઈ રહી છે, તેથી સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, કૌન સચા, કૌન જૂઠ્ઠા...?
પંચાયતીરાજ ક્ષેત્રના વિદ્વાનો તથા પોલિટિકલ પંડિતોના તારણો એવા છે કે, પંચાયતીરાજના ક્ષેત્રે ગુજરાતની પીછેહઠમાં મહિલા હોદ્દેદારોના પતિદેવો, ભાઈકો કે અન્ય પ્રભાવશાળી પરિવારજનનો હસ્તક્ષેપ, ગ્રામ્યકક્ષાના કર્મચારીઓ જ નહી, પરંતુ પદાધિકારીઓ સુધી પહોંચેલો ભ્રષ્ટ સડો અને સ્થાનિક સ્થાપિત હિતો તથા મતબેંકની રાજનીતિના કારણે ગાંધીજીના ગુજરાતમાંથી પંચાયતીરાજની સ્થિતિ ધીરે-ધીરે કથળી રહેલી જણાય છે.
અત્યારે ત્રીપલ એન્જિનની સરકારના ફાયદાઓ વર્ણવાઈ રહ્યાં છે, અને પંચાયતો, પાલિકા, મહાપાલિકાઓ, રાજય સરકાર તથા કેન્દ્ર સરકારની કક્ષા સુધી ત્રિસ્તરીય ભાજપના શાસનના કારણે લોકોને થતા ફાયદાઓ વર્ણવાઈ રહ્યાં છે, તેવા સમયે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે ઓળખાતુ "ત્રીજુ એન્જિન" ઢીલું પડીને ઢસેડાઈ રહ્યું હોવાનો આભાસ થાય છે.
આ ઈન્ડેક્ષના ગુજરાતનો સ્કોર પ૮.૩ પોઈન્ટ છે, જ્યારે ઉત્તરપ્રદેશનો ૬૦.૧, મહારાષ્ટ્રને ૬૧.૪, તામિલનાડુનો ૬૮.૪, કેરળનો ૭૦.૬ અને કર્ણાટકનો ૭ર.ર છે. આમ, ગુજરાતમાં ત્રીજુ એન્જિન રાષ્ટ્રીય સરેરાશથી પણ ઓછો સ્કોર મેળવીને ગરિમા ગુમાવી રહ્યું હોય તેમ નથી લાગતું...?
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નાણાકીય સ્વાયતતાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી. નાણાકીય સ્વાયતતા (ઓટોનોમી) માં તો ગુજરાત છેલ્લી હરોળમાં જણાવાયું છે. સ્ટેટ ફાયનાન્સ કમિશન દ્વારા ફાળવણીના ક્ષેત્રે ગુજરાતનો સ્કોર પ૦.૩ છે, જે ઘણો નબળો ગણાય.
આ રીપોર્ટને લઈને કોંગ્રેસે પણ કેટલીક ટીપ્પણીઓ કરી છે. આ અહેવાલોમાં કરાયેલો ઉલ્લેખ મુજબ પૂરતી આરોગ્ય સેવાઓ નથી. આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં ગુજરાત અન્ય કેટલાક રાજ્યોની સરખામણી પાછળ છે, સરકારી શાળાઓમાં બેઝીક વ્યવસ્થાઓનો અભાવ છે, સ્કૂલોના ઈન્ફ્રાસ્ટ્રકચર અને શિક્ષકોની સંસ્થાના સંદર્ભમાં ગુજરાત કર્ણાટક અને મહારાષ્ટ્રની પણ બરાબર નથી. ગુજરાતમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે. ગુજરાતની સરખામણીમાં તેલંગણા અને રાજસ્થાનની રોજગાર સર્જન યોજનાઓ વધુ અસરકારક છે. આ તમામ ઉલ્લેખો કેન્દ્ર સરકારના જ કોઈ રિપોર્ટને ટાંકીને આવી રહ્યાં છે, ત્યારે તેને નકારવાનો તો પ્રશ્ન જ ઉઠતો નથી, પરંતુ તેને ડસ્ટબીનમાં ફેંકવાના બદલે ગુજરાત સરકારે સ્પષ્ટતાઓ સાથે આ ક્ષતિઓ નિવારવાની દિશામાં આગળ વધવું જોઈએ.
આ રિપોર્ટ વર્ષ-ર૦ર૪ નો છે, તે સમયગાળામાં ગુજરાતમાં સાતેક હજાર ગ્રામપંચાયતોની બે વર્ષ સુધી ચૂંટણી ન યોજાઈ, અને વહીવટદારોનો "વહીવટ" રહ્યો હોવાના કારણો તથા તારણો પણ ચર્ચાઈ રહ્યાં છે.
ટૂંકમાં, જો આ રિપોર્ટને ગંભીરતાથી વિચારીને ગુજરાત સરકાર યોગ્ય કદમ સમયસર નહીં ઉઠાવે તો ગુજરાત ટોપ-ટેનમાંથી પણ બહાર ફેંકાઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial