ફોટો
સ્વ. શેખર રતિલાલ માધવાણી
વૈકુંઠવાસઃ તા. રપ-૦૩-૧૯૯૬
'નોબત'ના આદ્યસ્થાપક અને અમારા બધાના પ્રેરણાસ્ત્રોત સ્વ. રતિલાલ માધવાણીએ કંડારેલી કેડીએ અમારી સાથે ચાલીને સ્નેહ, સમર્પણ અને સૌજન્યતા સંગમથી સૌ કોઈના હૃદયે વસી જનાર સ્વ. શેખર માધવાણી જ્યારે અનંતયાત્રાએ નીકળી ગયા, તે દિવસ અમારા બધા પર વજ્રઘાત સમો હતો, અને અણધારી વિદાયે અમને બધાને હતપ્રભ કરી દીધા હતાં.
સ્વજન વિદાય લઈ લ્યે છે, પરંતુ સ્મૃતિઓ કાયમ જળવાઈ રહેતી હોય છે. આજે 'નોબત'ના ખૂણે ખૂણે સ્વ. શેખરભાઈની સ્મૃતિઓ સચવાયેલી છે.પડકારરૂપ પરિસ્થિતિને પણ પડકારીને પ્રગતિ કરવાની તાકાત તેઓ ધરાવતા હતાં, અને માત્ર પરિવાર કે અખબારના સહયોગીઓ જ નહીં, પરંતુ નગર અને હાલારમાં તેઓ ઘણાં જ લોકપ્રિય હતાં અને તેઓનું વર્તુળ સમગ્ર હાલાર ઉપરાંત દેશ-વિદેશ સુધી ફેલાયેલું હતું, તેઓ કર્મના સિદ્ધાંતને માનતા હતાં અને સ્પષ્ટવક્તા પણ હતાં. કર્મ માટે કઠોર અને સેવાકાર્યો માટે સદેવ મૃદુ રહેનાર શેખરભાઈએ જ્યારે અચાનક દુનિયા છોડી દીધી, ત્યારે તેઓની સાથે સંકળાયેલા લોકો ઊંડા આઘાતમાં સરી પડ્યા હતાં, અને તે ગોઝારો દિવસ આજે પણ અંતરમાં ઉથલપાથલ મચાવે છે.
સ્વ. શેખરભાઈ સેવાકાર્યોને પણ સમર્પિત હતાં અને માધવાણી પરિવારની સાથે તેઓ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉપરાંત દેશ માટે પણ જ્યારે જરૂર પડી ત્યારે સેવકાર્યોમાં અગ્રેસર રહેતા હતાં.
જેનો જન્મ થાય, તેની વિદાય પણ નિશ્ચિત જ હોય છે, અને જન્મ-મૃત્યુ ઈશ્વરને આધિન રહે છે. એવું કહેવાય છે કે, સારા માણસોની ઈશ્વરને પણ જરૂર પડતી હશે, અને તેથી જ યુવાવયે શેખરભાઈ જેવા સજ્જનોને ભગવાન પોતાની પાસે બોલાવી લેતા હશે.
આજે આપણાં સૌના હૃદયે વસેલા સ્વ. શેખરની પુણ્યતિથિ નિમિત્તે તેઓના સત્કાર્યોને યાદ કરીને ભાવભરી શ્રદ્ધાંજલિ આપીએ...
જામનગર
તા. રપ-૦૩-ર૦રપ
- માધવાણી પરિવાર
- 'નોબત' પરિવાર