એવા અહેવાલો આવ્યા છે કે પહેલી મે થી કેટલીક બેન્કીંગ સેવાઓના ચાર્જીસ વધી જશે. આરબીઆઈની મંજુરીથી એટીએમ ઈન્ટરચેઈન્જના ચાર્જમાં વધારો લાગુ થઈ જશે. એટલે કે પોતાનું જે બેંકમાં ખાતું હોય, તે સિવાયની અન્ય બેંકના એટીએમમાંથી નાણા ઉપાડવાનો ચાર્જ વધી જશે. રિઝર્વ બેંકે આ નિર્ણય નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રસ્તાવ પર લીધો છે. વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટરોને ટાંકીને એવું જણાવાઈ રહ્યું છે કે વધી રહેલા ખર્ચને કારણે આ વધારો કરવો પડી રહ્યો છે.
આ ઉપરાંત પોતાની જ બેંકના એ.ટી.એમ.માંથી પણ નિર્ધારિત કરાયેલી મર્યાદાથી વધુ વખત ટ્રાન્ઝેક્શન કરવા માટેનો ચાર્જ પણ વધી જશે.
ઘણી નાની નાની બેંકો પાસે ખૂબ જ ઓછા એટીએમ છે. એટલું જ નહીં, તમામ બેંકોના એટીએમ તમામ સ્થળે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં હોવાથી કસ્ટમરોએ (જનતાએ) ફરજિયાત અન્ય બેંકોના એટીએમનો ઉપયોગ કરવો પડી રહ્યો હોવાથી નારાજગી વધી રહી છે.
જો કે, બેન્કીંગ ક્ષેત્રના વર્તુળોનો દાવો એવો છે કે ઈન્ટર ચાર્જીસ વધવાથી લોકો પોતાની જ બેંકના ખાતા સાથે જોડીને ડિજિટલ પેમેન્ટ વધારશે અને રોકડ કાઢવાની માનસિક્તામાંથી બહાર આવીને યુપીઆઈ અને મોબાઈલ બેન્કીંગનો વધુને વધુ ઉપયોગ કરતા થશે.
અહેવાલો મુજબ ગ્રાહકોએ બેલેન્સ ચેક કરવું હોય, તો હવે સાત રૂપિયાનો (હિડન?) ચાર્જ કપાઈ જશે, જ્યારે એટીએમની નિર્ધારીત મર્યાદાથી વધુ થતા રોકડ ટ્રાન્ઝેક્શન (ઉપાડ) પર હવે ૧૯ રૂપિયા જેવો ચાર્જ કપાઈ જશે, એટલે કે ગ્રાહકોની એકાઉન્ટમાંથી ડાયરેક્ટ આ ચાર્જીસ કપાતા રહેશે, જેની લોકોને ખબર પણ નહીં પડે!
આ પ્રકારે ચાર્જીસ વધારીને ડિજિટલ ઈન્ડિયા માટે પ્રેરક ગણાવાઈ રહ્યા છે, તેની સાથે કેટલા લોકો સંમત હશે?... જરા વિચારો...
અત્યારે પ્રાઈવેટ સેક્ટર જ નહીં, પરંતુ પબ્લિક સેક્ટરમાં એક જ પ્રકારની 'મોડસ ઓપરેન્ડી' ચાલી રહી છે. પહેલા લોકોને કોઈ વસ્તુની ટેવ પાડવી અને પછી તેમાં ચાર્જીસ, કરવેરા કે કમિશન વગેરે વધારીને લોકોના ખિસ્સા ખંખેરવાની આ મોડસ ઓપરેન્ડી ઉંદરની જેમ ફૂંકી ફૂંકીને કોતરી ખાવાની માનસિક્તા જ દર્શાવે છે ને?
કેટલીક નોનબેન્કીંગ ગતિવિધિઓમાં પણ ચાલાકીભરી તરકીબો અપનાવાઈ રહી છે. લોકોના ખિસ્સા ખંખેરવાની આ તરકીબો હળવેકથી ખિસ્સુ કાપી લેતા પોકેટમાર જેવી હોય છે, જેની સામાન્ય રીતે લોકોને તરત જ ખબર પણ પડતી હોતી નથી!
દૃષ્ટાંત તરીકે કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલો પહેલા મોબાઈલ ફોનમાં કેટલીક એપ્સ દ્વારા ફ્રીમાં બતાવીને લોકોને ટેવ પાડવામાં આવે છે, અને તે પછી તેમાં નજીવો ચાજ લાગુ કરી દેવાય છે, તે પછી તેમાં ક્રમશઃ વધારો થતો રહે છે. હમણાંથી સંચાર અને મનોરંજન ક્ષેત્રની પ્રતિસ્પર્ધક કંપનીઓએ હાથ મિલાવ્યા, જોડાણ કર્યું કે પછી મર્જર કર્યું અને તે પછી ઈજારાશાહી સ્થાપિત કરીને સ્પોર્ટસ, મનોરંજન અને બિઝનેસ ક્ષેત્રે ચાર્જીસ (ભાવ) વધારી દીધા, તે ઉંદરની જેમ ફૂંકી ફૂંકીને કોતરી ખાવાની મનોવૃત્તિ જ ગણાય ને?
જો કે, આ પ્રકારની રણનીતિ અથવા લૂંટનીતિને 'બિઝનેસ પોલિસી'નું નામ આપીને તેનું પૂર્ણ આયોજિત મહિમામંડન પણ થાય છે અને આ લૂંટનીતિનું જસ્ટીફિકેશન પણ થાય છે. પહેલા લોકોને 'વ્યસની' બનાવો અને પછી તેને લૂંટો, તેવી આ બિઝનેસ પોલિસી જો હવે પ્રાઈવેટ સેક્ટરથી આગળ વધીને કોર્પોરેટ સેક્ટર, કો-ઓપરેટિવ સેક્ટર અને પબ્લિક સેક્ટર સુધી પહોંચવા લાગી હોય તો કહી શકાય કે પોતાના જ પગાર-ભથ્થા રાતોરાત વધારી દેતા દેશના રાજનેતાઓ અને જનપ્રતિનિધિઓના દિલમાં સામાન્ય જનતાની કાંઈ પડી જ નથી...
પહેલા કાળા નાણા નાથવાની વાતો કરીને ડિજિટલ વ્યવહારો માટે છેક ગરીબ-મધ્યમ વર્ગિય લોકોને પ્રોત્સાહિત કરવા અને તે પછી જનતાની સુવિધાઓ વધારવાના નામે નવા નવા ચાર્જ લગાડવા, તે ક્રમશઃ વધારવા અને હવે લોકોના પોતાના જ નાણા ઉપાડવા કે મોકલવા માટે તોતિંગ ચાર્જ લગાડવાની આ પોલિસી માત્ર બેન્કીંગ સિસ્ટમમાં જ નહીં, પણ અન્ય ઘણાં પબ્લિક સેક્ટર્સમાં પણ જોવા મળે છે, તેથી એવું કહી શકાય કે 'દયાહીન થયો છે નૃપ... નહિં તો ન બને આવું...!!'?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial