Sensex

વિગતવાર સમાચાર

પોલીસની ગાંધીગીરી - ઓસ્ટ્રેલિયન સ્ટાઈલ

મને ઓસ્ટ્રેલિયા આવ્યાને લગભગ એક મહિનો થયો. પરંતુ હજુ પણ હું અહીં  સેટ થયો નથી. વાતાવરણ તો અહીંનું એકદમ સારૃં છે, અને માણસો પણ મજાના. પરંતુ મારૃં રોજનું રૂટિન એકદમ ડિસ્ટર્બ થઈ ગયું છે.

વાત જાણે એમ છે કે હું રોજ સવારે મોર્નિંગ વોક માટે જાઉં છું  ત્યારે બે વખત રજવાડી ચાનો લાભ મળે, મોર્નિંગ વોક શરૂ કરીએ ત્યારે અને મોર્નિંગ વોક પૂરૃં કરીને ઘરે જતા હોઈએ ત્યારે. તળાવની પાળે ગમે તે રસ્તેથી જઈએ, હવાઈ ચોક થઈને જઈએ કે પંચેશ્વર ટાવર થઈને જઈએ, કડક મીઠી કાઠીયાવાડી ચાની સુગંધ સાથે આપણું એન્કાઉન્ટર થવાનું જ. બસ પછી તો એક જ કામ કરવાનું રહે, કડક મીઠી રજવાડી ચાને ન્યાય આપવાનો કે જેથી આપણો દિવસ સારો જાય..!!

મોર્નિંગ વોક તો હું અહીં એડીલેડમાં પણ કરૃં જ છું, અને રજવાડી ચા પીવાની ઈચ્છા પણ થાય જ. પરંતુ રસ્તામાં ક્યાંય રજવાડી ચાની હોટલ આવે જ નહીં ને. ઓસ્ટ્રેલિયામાં એવી ચા મળે જ નહીં, અને જો ચા પીવી જ હોય તો મેકડોનાલ્ડમાં જવાનું. ત્યાં ચા મળી તો જાય પરંતુ ભાવ હોય છે ફક્ત ૩૦૦ રૂપિયામાં એક કપ ચા ! અલબત્ત કપ એકદમ મોટો હોય પરંતુ સ્વાદ આપણા કાઠીયાવાડી જેવો નહીં...

અને ઓસ્ટ્રેલિયામાં બીજો પણ એક પ્રોબ્લેમ ખરો, અહીં તમને આપણા દેશ જેવી સ્વતંત્રતા (કે પછી સ્વચ્છંદતા..!) ના મળે. તમારે ડગલે ને પગલે કાયદાનું પાલન કરવાનું. દા.ત. તમે ચાલતા ચાલતા જતા હો ત્યારે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું, અને રોડ ક્રોસ કરવો હોય ત્યારે ગ્રીન સિગ્નલની રાહ જોવાની. નહીંતર ભારે દંડ ભરવાની તૈયારી રાખવાની.

મેં પણ અહીંના કાયદાને માન આપ્યું છે, અને ફાવતું નથી છતાં પણ હેલ્મેટ પહેરીને જ સાયકલ ચલાવું છું. જો કે આ બાબતની મને કોઈ જ ફરિયાદ નથી. કારણ કે અહીં બધા હેલ્મેટ પહેરીને જ સાયકલ ચલાવે છે. એટલે સુધી કે ગાર્ડનમાં સાયકલ ચલાવતા પાંચ સાત વર્ષના બાળકો પણ હેલ્મેટ પહેરીને જ સાયકલ ચલાવે છે..!

*હેલ્મેટ પહેરીને જ સાયકલ ચલાવાય* એ વાત ગયા અઠવાડિયે મારા આર્ટીકલમાં જણાવી તો તરત જ મારા એક મિત્રનો મેસેજ આવ્યો કે *એક વખત હું મેલબોર્નમાં સાયકલ પર હેલ્મેટ વગર નીકળ્યો હતો તો પોલીસ મને ઘર સુધી પાછો મૂકી ગયો હતો.. અને મજાની વાત તો એ છે કે હું સિનિયર સિટીઝન હતો એટલે એણે મને કશું કીધું નહીં અને મને રિસ્પેક્ટથી ઘર સુધી મૂકી ગયો..*

ઓસ્ટ્રેલિયન પોલીસની આ એક અનોખી ગાંધીગીરી હતી. એક એવી ગાંધીગીરી કે જેની સામે આપણે બધા જ હથિયારો હેઠા મૂકીને રાજીખુશીથી કાયદાનું પાલન કરીએ.

હું તો આજ દિવસ સુધી ફક્ત બે ગાંધીને જ ઓળખતો હતો, એક, મહાત્મા ગાંધી અને બીજા રૂપેરી પડદા પરના ગાંધી એટલે કે ગાંધી પિક્ચરના હીરો *બેન કિંગ્સલે*. આજે મને એક ત્રીજા ગાંધીના દર્શન થયા, ઓસ્ટ્રેલિયન પોલીસના રૂપે. સાથે સાથે એ વાત પણ મને સમજાય કે ફક્ત ગાંધી ટોપી પહેરવાથી ગાંધીજીનું અનુસરણ ન થાય. ગાંધીજીનું સાચું અનુસરણ તો તેણે આપેલા ઉપદેશોના અમલથી જ થઈ શકે.

મને તો વિશ્વાસ છે કે ઓસ્ટ્રેલિયન પોલીસની આ ગાંધીગીરીનું ૫૦% જેટલું અનુસરણ પણ ભારતમાં કરવામાં આવશે તો આપણા દેશના ૯૦% જેટલા પ્રોબ્લેમ્સ તો આપમેળે જ દૂર થઈ જશે...

વિદાય વેળાએ : આજકાલ અનેક નવા કાયદાઓ બની રહ્યા છે. લાગે છે કે આપણે કાયદાના જંગલમાં જીવી રહ્યા છીએ.

સાચું કહું તો પહેલા આપણે ગુનાથી પરેશાન થતા હતા, હવે આપણે કાયદાથી પરેશાન થઈએ છીએ..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial