જામનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન
જામનગરના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો.કે.એસ.મહેશ્વરીએ મેડિકલ ક્ષેત્રે મિરેકલ કહી શકાય એવુ જટીલ, જોખમી અને દુર્લભ ઓરપેશન કરીને એક એન.આર.આઇ. યુવતીને નવજીવન આપ્યું છે. 'નોબત' ના પત્રકાર આદિત્યએ ડો. કે. એસ. મહેશ્વરી તથા નવજીવન પામેલ દર્દીની મુલાકાત લઇ સમગ્ર સારવાર અંગે માહિતી મેળવી હતી.
જ્યોતિકા નાગજીરાજા વાઝા નામની ૨૪ વર્ષીય યુવતીને જન્મથી જ હિપના સાંધા ન હતા. જેને કારણે ચાલવામાં, બેસવામાં અને સૂવામાં પણ તકલીફ થતી હતી.જ્યોતિકા અને તેનો પરિવાર દિવના ઝોલાવાડી ગામનો વતની છે પરંતુ છેલ્લા એક દાયકાથી તેનો પરીવાર લંડનમાં લેસ્ટરમાં સ્થાયી થયો છે. તેનાં પિતા નાગજીરાજા ત્યાં એક કંપનીમાં કાર્યરત છે અને માતા સોમાયબાઇ શંકર આદર્શ ગૃહિણીની જેમ પરિવાર સંભાળે છે.
જન્મથી જ હિપનાં સાંધા ન હોવાને કારણે તકલીફો સાથે જ્યોતિકા ૧૬ - ૧૭ વર્ષની થઇ ત્યાં સુધી ચાલ્યુ પરંતુ ધીમે ધીમે દુઃખાવો વધતા ઊંઘવુ પણ મુશ્કેલ થઇ ગયું. જે પછી તેઓએ લંડનમાં અનેક તબીબોનો અભિપ્રાય મેળવ્યો પરંતુ કોઇએ સચોટ સારવાર સૂચવી નહી. એક તબીબે ઓપરેશન પછી ૧૫ વર્ષ પથારીવશ રહેવુ પડશે એવો અભિપ્રાય આપતા પરિવાર ભાંગી પડ્યો હતો. આખરે તેઓ સ્નેહીજનો પાસેથી જામનગરનાં ડો.કે.એસ.મહેશ્વરીની ખ્યાતિ સાંભળી જામનગર આવ્યા હતાં.
જામનગરમાં ડો. કે.એસ.મહેશ્વરીને પણ પ્રથમ દૃષ્ટીએ તો એમ જ લાગ્યુ કે આ કેસમાં કોઇ ઓપરેશન થઇ શકે એમ નથી કારણકે સારવાર કરવામાં ફાયદા કરતા નુકસાન થવાની સંભાવનાઓ વધુ હતી. પરંતુ સાત સમંદર પારથી આશા લઇ આવેલ પરિવાર અને યુવતીને નિરાશ કરવા અને ઈમાનદાર પ્રયાસ ન કરવો એ ડો.મહેશ્વરીને તેમનાં તબીબી ધર્મની વિરૂદ્ધ લાગતા તેમણે ઇશ્વર પર શ્રદ્ધા રાખી અને તમામ જોખમનું આંકલન કરી દર્દી તથા તેના પરિવારને તમામ સંભાવનાઓથી માહિતગાર કરી આખરે તેણીનું હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કર્યુ જે સફળ થયું.
ડો. મહેશ્વરીએ આ માટે અલગ અલગ કંપનીઓ સાથે વાટાઘાટો કરી કૃત્રિમ સાંધો તૈયાર કરાવી તેનો ઓપરેશનમાં ઉપયોગ કર્યો હતો. એ પણ એક અલગ પડકાર સમાન કાર્ય હતું.
જાન્યુઆરીનાં અંતિમ અઠવાડિયામાં આ ઓપરેશન થયું હતું.ઓપરેશનનાં બીજા જ દિવસથી યુવતી બેસવા લાગી અને ૫-૬ દિવસમાં વોકરની મદદથી ચાલતી પણ થઇ ગઇ હતી. ૧૫ દિવસ હોસ્પિટલમાં દાખલ રહૃાા પછી યુવતી ડિસ્ચાર્જ થઇ ગઇ હતી. અને આખરે ૨ મહિના જેવા સમય પછી જાતે લાકડી વગર પણ ચાલતી થઇ ગઇ છે અને હવે તે પરિવાર સાથે લંડન પરત જવાની તૈયારી કરી રહી છે. જન્મજાત ખોટ અને તકલીફો સાથે પણ કોલેજ સુધીનો અભ્યાસ અને હેર ડ્રેસીંગનો કોર્સ કરેલ જ્યોતિકા હવે કારકિર્દી બનાવવા તરફ પણ ધ્યાન કેન્દ્રીત કરવા સમર્થ બની છે.
ઓપરેશનથી કૃત્રિમ અંગ બેસાડવાને કારણે જ્યોતિકાના બન્ને પગનું કદ એકસરખું ન રહેતા તેણી હાલ અલગ અલગ માપના બૂટ પહેરે છે.સમય જતા ધીમે ધીમે કસરત વડે હાડકાની ગોઠવણ થતી જશે અને બંને પગ સમાન કદના થઇ જશે.
જ્યોતિકાને નવજીવન મળ્યું છે એમ કહી તેનાં પરિવારજનો ભીની આંખે ડો. મહેશ્વરીનો ઋણ સ્વીકાર કરે છે અને ડોક્ટર ભગવાનનું રૂપ છે એ સૂત્રને તેમનાં અનુભવથી સાર્થક ગણાવે છે
આમ જીવનના અમૂલ્ય અઢી દાયકા સુધી તકલીફો અને નિરાશામાં વીતાવનાર જ્યોતિકાને આત્મનિર્ભર બનાવી ડો. મહેશ્વરીએ વધુ એક પ્રેરક ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે જેને પગલે તબીબી જગત તેમનાં પર અભિનંદન વર્ષા કરી રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial