Sensex

વિગતવાર સમાચાર

હમામ મેં સબ નંગે હૈ... યે દેશકા ક્યા હોગા... કોની જઠરાગ્નિ થઈ તૃપ્ત...?

જામનગરમાં ફ્લાય ઓવર બ્રીજ બની રહ્યો છે, તેવી જ રીતે ઓવરબ્રીજ બની રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સંખ્યાબંધ વિકાસના કામો ચાલી રહ્યા છે, અને જુદા જુદા સ્થળે ગેરકાયદે દબાણો હટાવાઈ રહ્યા છે. કેટલાક સ્થળે નોટીસ આપ્યા વિના જ નાની-મોટી પાડતોડ શરૂ થતા જામનગરની જેમ પબ્લિકને તકલીફ પડ્યા પછી જાહેરનામું બહાર પાડવાની નોબત પણ આવી શકે છે.

ગુજરાતમાં થઈ રહેલા અર્બન ડેવલપમેન્ટની ચર્ચા ગલી-મહોલ્લાથી લઈને વિધાનસભામાં ગલિયારાઓ સુધી થઈ રહી છે, અને ચોતરફ નિર્માણાધિન શહેરી વિકાસના કામોની વાહવાહી પણ મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને સાંકળીને કરવામાં આવી રહી છે.

સિક્કાની બીજી બાજુની જેમ રાજ્ય સરકારનું અર્બન ડેવલપમેન્ટ ડિર્પાર્ટમેન્ટ ભ્રષ્ટાચારની દિશામાં પણ ગતિની હરણફાળ ભરી રહેલું હોય, તેવા અહેવાલો વહેતા થયા પછી તેના પ્રત્યાઘાતો રાજ્યની તથા દેશની રાજધાની સુધી પડઘાશે, તેવા સંકેતો મળી રહ્યા છે.

પ્રેસ-મીડિયા તથા સોશ્યલ મીડિયામાં થઈ રહેલી ચર્ચાઓ તથા કોમેન્ટો મુજબ વર્ષ ર૦ર૩ માં રાજ્યના શહેરી વિકાસ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ હતી. તકેદારી પંચના આંકડાઓને ટાંકીને થઈ રહેલી ચર્ચા મુજબ એક જ વર્ષમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ સાથે ભ્રષ્ટાચારની ર૧૭૦ ફરિયાદો નોંધાઈ હતી.

આ અહેવાલ મુજબ ભ્રષ્ટાચારની ફરિયાદોમાં એ વર્ષમાં બીજા ક્રમે મહેસુલ વિભાગ અને ત્રીજા ક્રમે પંચાયત અને ગૃહનિર્માણ વિભાગ ૧૮૦૦ થી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો સાથે રહ્યું હતું.

વર્ષ ર૦ર૩ માં આશ્ચર્યજનક રીતે ગૃહવિભાગમાં ૧ર૪૧ ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ હતી, તે પછી શિક્ષણ વિભાગ રહ્યો હતો. આ આંકડાઓ મુજબ પાણી, વીજળી, પરિવહન અને પ્રદૂષણ નિયંત્રણ વગેરે બોર્ડ-નિગમો-કોર્પોરેશનોમાં પણ ભ્રષ્ટાચારની નોંધપાત્ર ફરિયાદો નોંધાઈ હતી. આ આંકડાઓમાં બીજી નવાઈ પમાડે તેવી વાત એ છે કે એસીબી દ્વારા એ વર્ષમાં નોંધાયેલા કેસોમાં વર્ગ-૧ અને વર્ગ-૪ ના અધિકારીઓ-કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારના કેસો ડબલ ડિજિટમાં પણ નથી, જ્યારે વર્ગ-૩ ના ૧૦૦ થી વધુ અને વર્ગ-ર ના ર૯ તથા વચેટિયાઓ સામે સૌથી વધુ ૧૩ર જેટલા કેસો નોંધાયા છે!!!

આ તો માત્ર નોંધાયેલા એક જ વર્ષના આંકડા છે. કેટલાક કેસો નોંધાયા જ નહીં હોય, કેટલાક કેસોમાં વિલંબ થયો હતો, તો સંખ્યાબંધ 'સહમત પીડિતોએ' ફરિયાદ જ નહીં નોંધાવી હોય, તેથી જ એવું કહેવાય છે કે લાંચ લેનાર જેટલો દોષિત ગણાય, તેટલો જ દોષિત લાંચ આપનાર પણ ગણાય? લાંચ આપનારા બધા લોકો ફરિયાદ નોંધાવતા હોતા નથી, તે પણ ઓપન સિક્રેટ જ છે ને?

એવા અહેવાલો છે કે રીપેરીંગ માટે રંગમતી ડેમના દરવાજા ખોલવાના કારણે લાખોટું તળાવ પાણીથી ભરાઈ જશે, પરંતુ લાખોટા તળાવને જોડતી કેનાલ જ ઔદ્યોગિક ગંદકીના પ્રદૂષિત પાણીથી ભરેલી પડેલી હોવાથી તેની સફાઈ બે દિવસમાં કેવી રીતે થશે, તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે, ત્યારે પ્રશ્ન એ પણ ઊઠે છે કે જો કેનાલમાં પ્રદૂષિત પાણી હકીકતે કોઈ છોડી રહ્યું હોય તો તેનું જવાબદાર કોણ? આ પણ શહેરી વિકાસની પ્રક્રિયામાં ખદબદતા ગંધાતા ભ્રષ્ટાચારનો પ્રત્યક્ષ પુરાવો જ છે ને? એવો સવાલ ઊઠાવાઈ રહ્યો છે કે, પ્રદૂષિત પાણીવાળી કેનાલમાંથી પસાર  થઈને રંગમતી ડેમનું પાણી તળાવમાં આવશે, તો તળાવની જીવસૃષ્ટિ મરી જશે. તે ઉપરાંત તળાવની ફરતે આવેલા શહેરના બોર-ડંકી દ્વારા આ પાણી લોકો પીવા લાગશે, તો તેઓનું આરોગ્ય પણ જોખમાશે. જો હકીકતે આવી જ સ્થિતિ ઊભી થઈ હોય તો તે લાપરવાહી નહીં, પરંતુ અર્બન કરપ્શનનું જ દૃષ્ટાંત ગણાવું પડે.

જામનગરમાં કચરાની ગાડીઓ દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શન તથા તેના ઈજારા અંગે પણ શંકાસ્પદ હિલચાલની ચર્ચા થઈ રહી છે. હવે અઢી-અઢી વર્ષ હોદ્દાઓ બદલાતા હોય અને પાંચ વર્ષે ચૂંટણી આવતી હોય, ત્યારે કોઈપણ પ્રકારનો ઈજારો એક દાયકા માટે આપવાની પેરવી થતી હોય તો તે શું સૂચવે છે?... જરા વિચારો...

એક કવિએ અલંકૃત ભાષામાં અને શબ્દોમાં લખેલી કવિતામાં લખ્યું છે કે, જ્યારે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ત્યારે ભસ્મકણી પણ બચશે નહીં, મતલબ કે જ્યારે ભૂખથી પીડાતા લોકોનો વિદ્રોહ થશે, ત્યારે તેના ગંભીર પરિણામો આવશે, જો કે અત્યારે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બધાએ એકસંપ થઈને રાતોરાત પોતાના પગાર-ભથ્થા વધારી દીધા છે, અને પોતાનો જઠરાગ્નિ તૃપ્ત કરી લીધો છે. પરંતુ નાના નોકરિયાતો-કર્મચારીઓને નાની-નાની માંગણી કરવી પડી રહી છે, ત્યારે કહી શકાય કે હમામ મેં સબ નંગે હૈ... યે દેશ કા ક્યા હોગા...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial