૧૦૦ અપરાધી ભલે છૂટી જાય, એક નિર્દોષને સજા ન થવી જોઈએ...
આપણા ન્યાયાધીશનો સિદ્ધાંત છે કે કોઈપણ ભેદભાવ વિના દેશના તમામ નાગરિકોને સમાન ન્યાય મળે, કોઈપણ ભેદભાવ વિના આરોપીઓને પણ પોતાના બચાવની પૂરેપૂરી તકો મળે અને ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ ન્યાયથી વંચિત રહેવું ન પડે, તે માટે લીગલ એઈડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આપણે ત્યાં કોઈપણ નિર્દોષને સજા કે દંડ ન થઈ જાય, તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે, અને તેથી જ '૧૦૦ અપરાધી ભલે છૂટી જાય, પરંતુ એક પણ નિર્દોષને સજા ન થવી જોઈએ' તેવું સૂત્ર પણ પ્રચલિત છે.
જનસહયોગની જરૂર
પોલીસતંત્રને પણ જનસહયોગની જરૂર હોય છે, અને ઈન્વેસ્ટીગેશન તથા ઈન્ક્વાયરીના સંદર્ભે તો પોલીસ તંત્રનો આધાર જ પંચો, સાહેદો, આઈ વિટનેશ અને ખબરીઓ પર નિર્ભર હોય છે. આ તમામ પ્રક્રિયામાં જનસહયોગની અપેક્ષા જેવી રીતે પોલીસતંત્ર રાખે છે, તેવી જ અપેક્ષા કાનૂનની મદદ માટે પોતાના કિંમતી સમય અને શક્તિનો ભોગ આપતા સાક્ષીઓ અને પંચો વગેરેને પણ પોલીસતંત્રની હૂંફ અને સુરક્ષા માટે હોય છે. ઘણી વખત સાક્ષીઓ, સાહેદો, પંચો, નજરે જોનારા વિટનેશ વગેરેને કડવા અનુભવ થતા હોય છે, તો ઘણી વખત તેઓને પોલીસતંત્ર તરફથી વિવેકી, સૌજન્યશીલ અને સુરક્ષિત રાખવાની તકેદારીની અનુભૂતિ પણ થતી હોય છે. હકીકતે પોલીસતંત્ર અને સામાન્ય જનતા વચ્ચે જેટલો વિશ્વસનિય અને સુદૃઢ સંબંધ હોય, તેટલી સફળતા કેસોને પૂરવાર કરવામાં અને વાસ્તવિક અપરાધીઓને સજા આપવામાં થતો હોય છે.
ક્રાઈમના કેસોમાં
પંચોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા
ક્રાઈમના કેસોમાં નજરે જોનાર સાક્ષીઓ ક્રાઈમના સમયે હાજર લોકોની ગવાહીઓ તથા ક્રાઈમ થતા પહેલા અને પછીના સંપર્કો, હિલચાલ અને સંદેશ વ્યવહારની ભૂમિકા પુરાવાઓ એકઠા કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.
ઘણી વખત વાહન અકસ્માત, મારામારી, હિંસક ઘટનાઓના સંદર્ભોમાં થતા પંચનામાઓમાં ઘટના સમયે ત્યાંથી પસાર થયેલા કે નજીક રહેલા વાહનચાલકો, રિક્ષાવાળા, નાના દુકાનદારો કે સ્ટ્રીટ વેન્ડર્સની પંચનામામાં સહી લેવામાં આવે છે, અને ઘણાં વર્ષો પછી કોર્ટમાં કેસની સુનાવણી થાય, ત્યારે તેઓને સાક્ષી તરીકે તપાસવામાં આવે છે. ત્યારે તેઓને કાં તો કેસ વિષે કાંઈ યાદ હોતું નથી અથવા તેઓ એવું નિવેદન લખાવે છે કે, તેની પાસેથી માત્ર સહી લેવામાં આવી હતી. બાકી કેસ વિષે તેઓ કાંઈ જાણતા નથી. આ પ્રકારના સાક્ષીઓ અથવા પંચોના કારણે ઘણી વખત આરોપ પૂરવાર કરવો મુશ્કેલ બની શકતો હોય છે, આથી પોલીસતંત્ર, ન્યાયતંત્ર તથા કાનૂની ક્ષેત્રની સંસ્થાઓએ સંકલન કરીને લોકોમાં એવી જાગૃતિ લાવવાની જરૂર છે કે કોઈપણ કાગળમાં સહી કરતા પહેલા તે જાણી લેવું જરૂરી હોય છે કે તેમાં શું લખ્યું છે, બીજી તરફ પંચનામું, ઈન્વેસ્ટીગેશન કે ઈન્ક્વાયરી વખતે પોલીસતંત્રે પણ પંચની સહી કરાવીને કાનૂની પ્રક્રિયા આટોપતી વખતે પંચનામામાં લખાયેલી વિગતોથી પંચોને માહિતગાર જ નહીં, પરંતુ આદરપૂર્વક પ્રશિક્ષિત પણ કરવા જોઈએ.
જુના જમાનામાં પંચનામામાં ગામ કે શહેરના, મહોલ્લા-સોસાયટી, સંસ્થાઓના શ્રેષ્ઠીઓ કે લબ્ધપ્રષ્ઠિત નાગરિકોને સમાવવામાં આવતા હતાં અને તે લોકો પણ હોશે હોશે પોલીસ પટેલ, મુખી કે સરપંચની સાથે રહીને મદદરૂપ થતા હતાં, પરંતુ હવે સમય બદલાયો છે કોઈ પાસે સમય નથી, કાનૂનને મદદ કરવાની ધગશ નથી અને તંત્રોને પણ કોઈને કોઈ રીતે કાનૂની પ્રક્રિયા પૂરી કરવી પડતી હોય છે, તેથી એવું કહી શકાય કે આ પ્રકારની નાની-નાની બાબતો ઘણી વખત જે-તે કેસની બુનિયાદને જ શરૂઆતથી જ બોદી કરી નાંખતી હોય છે, ખરૃં કે નહીં?
પુરાવા અને સાક્ષીની સુરક્ષા
આપણી કાનૂની પ્રક્રિયામાં થતા વિલંબની એક બીજી મહત્ત્વપૂર્ણ બાજુ એ પણ છે કે આપણે પુરાવાઓ તથા સાક્ષીઓની સુરક્ષાની તકેદારી રાખવામાં થોડા ઉણાં ઉતરતા હોઈએ છીએ. વર્ષો પછી જ્યારે કેસની સુનાવણી થાય, ત્યારે કેટલાક કેસોમાં જામીન પર છૂટેલા આરોપી ભાગેડુ હોય, કેટલાક સાક્ષીઓ કે પંચોનું મૃત્યુ થયું હોય કે પુરાવાઓ સાથે છેડછાડ થઈ હોય, અથવા સાક્ષીઓ હોસ્ટાઈલ (ફરી ગયેલા) જાહેર થતા હોય છે. ઘણી વખત તો વર્ષો પછી બદલાયેલા માહોલમાં ખુદ ફરિયાદપક્ષ જ ફરી જાય કે કોર્ટ બહાર સમાધાન કરીને ફોજદારી પ્રકારના કેસોમાં ઢીલુ વલણ રાખવા લાગતો હોય છે. આ કારણે ઘણી વખત કેસો બિનજરૂરી રીતે લંબાતા જતા હોય છે અને ઘણી વખત લાંબી સુનાવણીઓ પછી ફેંસલાઓ તો આવી જતા હોય છે, પરંતુ કદાચ પૂરતો ન્યાય થતો હોતો નથી, તેવા તારણો પણ નીકળતા હોય છે.
પરસ્પર વિશ્વસનિયતાની જરૂર
ન્યાયની ઉપલબ્ધિ અને સત્યની સાથે સમાન તકો સાથે સમગ્ર ન્યાયિક પ્રક્રિયા થાય, તેમાં ઝડપ આવે અને વાસ્તવિક્તા સુરક્ષિત રહે તે માટે નાગરિકો, તંત્રો અને ન્યાયતંત્ર તથા સિસ્ટમ વચ્ચે સુદૃઢ સંકલન અને પરસ્પર વિશ્વસનિયતાની જરૂર રહેતી હોય છે. ક્રાઈમના કેસોમાં સાક્ષી કે પંચ થયા પછી કોર્ટના ધક્કા ખાવા પડશે. પોલીસ ઘરે આવશે અને લાંબા સમય સુધી હેરાન-પરેશાન થવું પડશે, તે પ્રકારની વર્તમાન સમયની જે આશંકાઓ છે, તેને બદલવા માટે પણ હવે ન્યાયતંત્ર, સુરક્ષાતંત્ર, સરકાર અને સમાજ માટે સાથે મળીને વિચારવું પડે તેમ છે. જો કેસો મૂળમાંથી જ નબળા રહે, અને અપરાધીઓ જો પુરાવના અભાવે કે સાક્ષીઓના હોસ્ટાઈલ થવાના કારણે છૂટતા રહે, તો ખંધા અપરાધીઓને કાનૂનનો ડર જ ન રહે, તે સ્વાભાવિક જ છે ને?
સામાજિક ચેતના અને ન્યાય
સામાજિક ચેતના, સામાજિક સૌહાર્દ અને સામાજિક એકજુથતાને ન્યાયની ઉપલબ્ધિ સાથે સીધો સંબંધ છે ચેતનવંતો સમાજ જ સામાજિક વ્યવસ્થાઓ જાળવે અને નાની-મોટી તકરારો, મતમતાંતરો કે વેરભાવનાઓનું તત્કાળ સમાધાન કરાવે, તો કદાચ દેશની અદાલતો પરોનું ભારણ ઘણું જ ઘટી જાય, તે પણ હકીકત જ છે ને?
સિવિલ કેસોમાં સમાધાન
સિવિલ કેસોમાં મોટાભાગે રેકર્ડ, દસ્તાવેજો અને સ્થળસ્થિતિ વગેરેના આધારે નિર્ણયો લેવામાં આવતા હોય છે અને તેમાં સમાધાનો થવાની સંભાવનાઓ વધુ હોય છે, તેમ છતાં અદાલતોમાં ઢગલાબંધ સિવિલ કેસો થતા રહે છે, અને પેન્ડીંગ પણ છે. તેથી જ નો કોન્સેપ્ટ વધુને વધુ સ્વીકૃત થતો જણાય છે.
૫ંચો, પુરાવાઓનું પ્રોટેક્શન
આપણા દેશનું ન્યાયતંત્ર તદ્ન તટસ્થ, સ્વતંત્ર અને વિશ્વસનિય ગણાય છે. કાનૂનમાં પણ પંચો, પુરાવાઓ અને સાક્ષીઓના પ્રોટેક્શન માટે વ્યાપક વ્યવસ્થાઓ છે. આ કારણે જ ઘણાં નામચીન અપરાધીઓને કડકમાં કડક સજા પણ થતી હોય છે. પોલીસ તંત્રે મજબૂત કેસ બનાવ્યો હોય ત્યારે આરોપીઓનો બચાવ કરવો ઘણો જ મુશ્કેલ બની જતો હોય છે. આપણાં દેશમાં જો વાસ્તવિક ન્યાય ઝડપથી મળતો થઈ જશે, તો તે દેશવાસીઓના જ હિતમાં રહેશે. એકંદરે ફરિયાદી, સાક્ષીઓ, પંચો વગેરેનું સંરક્ષણ અને સ્વમાન જળવાઈ રહે અને કોર્ટમાં આરોપીઓ સામે અપરાધ પૂરવાર ન થાય, ત્યાં સુધી તેની સાથે દુર્વ્યવહાર ન થાય, તેવો આપણા ન્યાયતંત્રનો જે મૂળભૂત સિદ્ધાંત છે, તે કસોટીની એરણે ચડ્યો હોય, તેમ નથી લાગતું?
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial