આપણા દેશને અડધી રાતે આઝાદી મળી હતી તે પછી પણ કેટલાક મહત્ત્વના નિર્ણયો અડધી રાતે લેવાતા રહ્યા છે, તો કેટલાક નિર્ણયો અડધી રાતથી લાગુ કરાતા હોય છે.
ગત્ મધરાતથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર કોર્પોરેશને બસભાડામાં ૧૦ ટકા સુધીનો વધારો ઝીંકી દેતા રાજ્યના લાખો મુસાફરોને ઝટકો લાગ્યો છે અને એક તરફ બેરોજગારી અને બીજી તરફ મોંઘવારીના માર વચ્ચે પિસાઈ રહેલા સામાન્ય લોકોની મુશ્કેલી વધી ગઈ છે.
એસ.ટી.ના ભાડા વધતા જ હવે ખાનગી ટ્રાવેલ્સમાં પણ બસભાડા કદાચ વધી જશે. એટલું જ નહીં, ટેક્સી સેવા પણ મોંઘી થઈ શકે છે, જેથી કાયમી ભરચક્ક રહેતી ટ્રેનોમાં પણ ભીડ વધશે, જેના કારણે એક નવી જ સમસ્યા ઊભી થઈ જશે. એવું કહેવાય છે કે ૪૮ કિલોમીટર સુધીની મુસાફરી પર એક રૂપિયાથી ચાર રૂપિયા સુધીનું ભાડું વધી જશે. ભલે આ આંકડો સામાન્ય લાગતો હોય, પરંતુ કામધંધા માટે દરરોજ મુસાફરી કરતા લોકો, ખેતી માટે ચીજવસ્તુઓ ખરીદવા કે અન્ય કામે મુસાફરી કરતા નાના ખેડૂતો, પારિવારિક, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક કે વ્યવહારિક કામો માટે એસ.ટી.ની મુસાફરી કરતા મુસાફરોને ૪૮ કિ.મી. કે તેથી વધુ મુસાફરી કરે તેના પર વધુ બસભાડું ચૂકવવું પડશે, તેથી ગરીબ-નિમ્ન મધ્યમ વર્ગિય પરિવારોના બે છેડા ભેગા કરવામાં વધુ મુશ્કેલી પડશે, તે નક્કી છે.
જો કે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘણાં લાંબા સમયગાળા પછી ગુજરાતના એસ.ટી. કોર્પોરેશને બસભાડા વધાર્યા છે. એવો દાવો પણ કરાયો છે કે નિમયાનુસાર ૬૮ ટકા બસભાડા વધારવાનો પ્રસ્તાવ હતો, પરંતુ ગરીબ-નાના વર્ગોને ધ્યાને રાખીને જ સરકારે માત્ર ૧૦ ટકા બસભાડું વધાર્યું છે, જે મનફાવે તેવા ભાડા લેતી કેટલીક પ્રાઈવેટ બસ સર્વિસો કરતા ઘણું ઓછું છે!!
જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા વધારાયેલા આ બસભાડાને લઈને રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને પ્રેસ-મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ વિવિધ પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
આંકડાઓ મુજબ જો દરરોજ ર૭ લાખથી વધુ મુસાફરો એસ.ટી. બસોમાં મુસાફરી કરતા હોય તો આજથી મીનીમમ ર૭ લાખથી ૧૦૮ લાખ રૂપિયા કે તેથી વધુ રકમની એસ.ટી.ની આવક વધી જશે અને સામાન્ય મુસાફરોના ગજવામાંથી આ જંગી રકમ ખંખેરાઈ જશે, તેવો અંદાજ લગાડી શકાય. આ અંદાજીત આંકડો છે, પરંતુ મુસાફરોની સંખ્યા અને મુસાફરોનું અંતર વધે, તેમ આ રકમ વધતી જશે. એટલે કે રાજ્યની ભાજપ સરકારે આજથી રાજ્યની જનતા પર કરોડો રૂપિયાનો વધારાનો બોજો ઝીંકી દીધો છે.
આ આંકડો તો માત્ર એસ.ટી.નો છે, પરંતુ એસ.ટી. પછી પ્રાઈવેટ ટ્રાવેલ્સવાળા પણ જો બસભાડા વધારશે, તો પબ્લિક પર વધુ બોજ પડે. ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા કેટલાક લોકો એવું પણ માને છે કે, એસ.ટી.ના બસભાડામાં વધારો થતા પ્રાઈવેટ બસો તરફ મુસાફરોનો ધસારો વધારવાની તક ઝડપવા જેવી છે!!
દરરોજ ૮૩૦૦ થી વધુ એસ.ટી. બસો દરરોજ ૪ર હજારથી વધુ ટ્રીપ (ફેરા) કરીને ૩પ લાખ કિલોમીટર જેટલા અંતર કાપતી હોય, તો તેની પાછળ થતા ખર્ચના હિસાબે ગણતરી કરીને જ બસોના ભાડામાં વધારો કરવો પડ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે, અને એસ.ટી. દ્વારા વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, અન્ય માસિક યોજનાઓ વગેરેમાં કન્સેશન અને કેટલાક કિસ્સાઓમાં દિવ્યાંગોના એક સાથીદારને પણ નિઃશુલ્ક કે અડધી ટિકિટે મુસાફરીનો લાભ અપાય છે, તે ઉપરાંત પણ પત્રકારો, ધારાસભ્ય વગેરેને નિઃશુલ્ક કે અડધી ટિકિટ લઈને મુસાફરી કરવાના લાભો અપાતા હોય તો તેની અસરોના પરિણામે આ ભાડા વધારો નાછૂટકે અને લઘુતમ પ્રમાણમાં કરાયો હશે, તેવી દલીલ થઈ રહી હોય, ત્યારે કન્ફ્યૂઝન ઊભું થાય, તે પણ સ્વાભાવિક જ છે, પરંતુ સામાન્ય મુસાફરો પર આ વધારો ઝીંકવાના બદલે લક્ઝરિયસ સેવાઓ તથા અન્ય ક્ષેત્રે આવક વધારવાના પ્રયાસો જીએસઆરટીસીએ કરવા જોઈતા હતા, તેવા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે.
બસના ભાડામાં વર્ષો પછી વધારો થાય, તે સમજાય, પરંતુ તે મુજબ એસ.ટી. બસોની સુવિધાઓ, સ્વચ્છતા, વિવેકી સર્વિસ અને જરૂર મુજબના સુધારા-વધારા પણ થવા જરૂરી છે. તે ઉપરાંત હવે ટિકિટના દર પાંચ રૂપિયાના ગુણાંકમાં રાઉન્ડ ફીગરમાં અને મુસાફરોને ફાયદો થાય, તેવી રીતે નક્કી કરવા જોઈએ, જેથી છૂટા રૂપિયાની રોજીંદી રકઝક દૂર થાય અને મુસાફરોને એક, બે કે ત્રણ રૂપિયા જતા કરવા પડે, તેવી સ્થિતિને ટાળી શકાય. મોંઘવારીનો આ માર ખમી રહેલી જનતાનો અવાજ મક્કમતાથી કોઈ ઊઠાવશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial