આજે ભારત સહિત વિશ્વમાં ઈદ-એ-મિલાદ એટલે કે, રમઝાન ઈદની ઉજવણી થઈ રહી છે, અને દેશભરમાં અને વિશ્વના અન્ય દેશોમાં વસતા ભાવિકો દ્વારા ચૈત્રી નવરાત્રિની ઉજવણી પણ થઈ રહી છે. આ તહેવારો સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપ અને સૌજન્યનો સંદેશ આપે છે, અને વિશ્વભરમાં આ તહેવારો એખલાસ, એકતા અને ઉત્સાહ સાથે ઉજવાય છે. આ બન્ને તહેવારોનો સુભગ સમન્વય દેશ-દુનિયા માટે પ્રવર્તમાન સંજોગોમાં સમજદારી, શાંતિ અને સૂલેહનો સંદેશ પણ આપે છે.
ગઈકાલથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ છે અને માતૃભક્તો વ્રતો, અનુષ્ઠાનો, પૂજન-અર્ચન અને સેવાકાર્યો, દાન-૫ુણ્ય સાથે નવરાત્રિ ઉજવી રહ્યાં છે. આ નવરાત્રિનું સમાપન રામનવમીના દિવસે થશે. કેટલાક લોકોના અભિપ્રાય મુજબ આ વર્ષે આઠ દિવસ સુધી ચૈત્રી નવરાત્રિ ઉજવાશે, અને સાતમી એપ્રિલ સુધી ચાલશે. આ શક્તિ ઉપાસનાનો તહેવાર છે. જે ભાવિકો વિવિધ રીતે ઉજવે છે.
આજે ભારત સહિત વિશ્વમાં ઉજવાઈ રહેલી રમઝાન ઈદને મીઠી ઈદ પણ કહે છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો સુંદર વસ્ત્રો પરિધાન કરીને એકબીજાને ભેટીને શુભકામનાઓ આપે છે અને સેવ ઈ અને મીઠાઈઓ ખવડાવે છે. દિવાળીના પર્વની જેમ જ આ તહેવાર પણ પરસ્પર કોમી એખલાસ અને સહિયારી સંસ્કૃતિનો ઘાતક છે અને અન્ય ધર્મ-સંપ્રદાયના લોકો પણ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવે છે, અને પરસ્પર સ્નેહ પ્રગટ કરે છે. ચૈત્રી નવરાત્રિ અને ઈદનો આ સુભગ સમન્વય સમગ્ર સૃષ્ટિ માટે સુખ, શાંતિ, સંપ, સમૃદ્ધિ અને સૌજન્યનો સંદેશ આપે છે. આપણા દેશમાં પ્રત્યેક ધાર્મિક તહેવારો પણ પરસ્પર આદર, સન્માન અને એખલાસ સાથે ઉજવાય છે, જેમાં કેટલાક પરિબળો ખલેલ પહોંચાડવાના પ્રયાસો પણ કરતા હોય છે, પરંતુ તેવા પરિબળોની અવગણના કરવી જોઈએ અને તેઓને બહુ મહત્ત્વ ન આપવું જોઈએ.
જો કે, આપણા દેશમાં કેટલાક સ્થળે વિશેષ બંદોબસ્તો કરવા પડી રહ્યા છે, અને તોફાની તત્ત્વોની સામે કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્રો દોડધામ કરી રહ્યા છે, દેશની શાંતિ જોખમાવવા પ્રયાસો કરતા પરિબળોનો કોઈ ધર્મ હોતો નથી અને તેવા પરિબળોને સખ્તાઈથી દૂર કરવા જોઈએ, પછી તે કોઈ પણ ધર્મ-સંપ્રદાય, વર્ગના હોય તો પણ તેને છોડવા ન જોઈએ. આ પ્રકારની માંગણીઓ પણ થતી રહે છે, દાવાઓ પણ થતા રહે છે, તેમ છતાં દેશના કેટલાક વિસ્તારોમાં વિશેષ પ્રબંધો કરવા પડતા હોય તો તે શું સૂચવે છે...?... સૌ કોઈ માટે આ મુદ્દો આત્મમંથન કરવાની જરૂર નથી લાગતી...?
આજે મહારાષ્ટ્રના રાજનેતા રાજ ઠાકરે અને ગુજરાતના કદાવર નેતા નીતિનભાઈ પટેલે કરેલા નિવેદનોએ જે ખળભળાટ મચ્યો છે, તે શું સૂચવે છે...? જરા વિચારો...
એક તરફ સંસદમાં વકફનું બીલ રજૂ કરવાની વાતો ચાલે છે, તો બીજી તરફ ચંદ્રબાબુ નાયડુ અને નિતીશકુમાર વકફ બીલ સાથે સહમત નહીં હોવાની વાતો થઈ રહી છે. નિતીશકુમાર હવે એનડીએ નહીં છોડે, તેવો દાવો કરી રહ્યાં હોવા છતાં કોઈને તેના પર વિશ્વાસ નથી, તેથી મોદી સરકાર જેડીયુ અને ટીડીપીની કાંખ ઘોડીઓ પર હોવાથી ગમે ત્યારે ગબડી શકે છે, તેવા અનુમાનો પણ થઈ રહ્યાં છે, બીજી તરફ બિહારની ચૂંટણીઓમાં બન્ને તરફથી ફાયદો મેળવવા માટે વકફનું બીલ લટકતું રાખવાની ગુપ્ત રણનીતિ હોવાનું પણ કહેવાય છે.
બીજી તરફ ટ્રમ્પે ઈરાન પર પરમાણું કરાર કરવાનું દબાણ ઊભું કરવા બોમ્બમારો કરવાની આપેલી ધમકી અને રશિયામાં રાષ્ટ્રપતિ પુતિનની સુરક્ષા અને સ્વાસ્થ્ય વિષે વિવિધ અહેવાલોના સ્વરૂપમાં થઈ રહેલા ધમાકાઓ વચ્ચે વૈશ્વિક શાંતિ પણ જોખમાઈ રહી છે, ત્યારે ચૈત્રી નવરાત્રિ અને ઈદ જેવા તહેવારોમાંથી નીકળતો શાંતિ, સંપ અને સૌજન્યનો સંદેશ વિશ્વસ્તરે ફેલાય અને વિશ્વ સંઘર્ષો, યુદ્ધો અને વિવાદોમાંથી બહાર આવીને સુખ, સારા સ્વાસ્થ્ય અને શાંતિના માર્ગે આગળ વધે તેવી આશા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial