ગઈકાલે દેશભરમાં એક ખબર આગની જેમ ફેલાવા લાગી અને એવા અનુમાનો થવા લાગ્યા કે આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજકીય ક્ષેત્રે મોટી ઉથલપાથલ થવાની સંભાવના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુરમાં આર.એસ.એસ.ની લીધેલ મુલાકાતને લઈને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ અને મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા સંજય રાઉતે આપેલા નિવેદને ગઈકાલે સમગ્ર દેશમાં અને વિશ્વમાં પણ ખળભળાટ મચાવી દીધો હતો.
અહેવાલો મુજબ સંજય રાઉતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસના હેડક્વાર્ટરમાં જઈને આગામી સપ્ટેમ્બરથી પોતે (નરેન્દ્ર મોદી) વડાપ્રધાન પદેથી રિટાયર થઈ રહ્યાં હોવાની રજૂઆત કરી દીધી છે.
રાઉતના કહેવા મુજબ સપ્ટેમ્બર-ર૦રપ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉંમર ૭પ વર્ષની થઈ જશે, અને તે પછી તેઓ પાર્ટીએ નક્કી કરેલી ઉંમર મર્યાદા મુજબ જ "નિવૃત્ત" થઈ જશે. તેમણે કહ્યું કે, ૧૧ વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘના હેડક્વાર્ટરમાં ગયા ત્યારે તેઓની નિવૃત્તિની ઈચ્છા જાહેર કરી હોય શકે છે.
સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી વડાપ્રધાન કોણ બનશે, તે અંગેની ચર્ચા કરી હોવાના મીડિયાના અહેવાલો પછી દેશભરમાં અટકળો અને અફવાઓનું બજાર ધગધગી રહ્યું હતું અને એક અલગ જ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. લોકો ત્યાં સુધી કહેવા લાગ્યા હતાં કે, સપ્ટેમ્બર-ર૦રપ સુધીમાં નરેન્દ્ર મોદી પોતાના જ કાર્યકાળમાં સમાન સિવિલ કોડ અને પીઓકે પાછું મેળવવા માટેના સામૂહિક કદમ ઉઠાવી શકે છે. એનડીએમાં આંતરીક વિરોધ છતાં વકફ બીલને લઈને મોદીની મક્કમતાને પણ આ જ અટકળો સાથે સાંકળવામાં આવી રહી છે.
લોકો એવી અટકળો પણ કરી રહ્યાં છે કે, જો બોલકા નેતા સંજય રાઉતની વાતમાં દમ હોય તો મોદીની ગેરહાજરીમાં એનડીએની સરકાર ચલાવવી લોઢાના ચણા ચાવવા જેવી હશે અને એનડીએ વિખેરાઈ જાય, તો ઈન્ડિયા ગઠબંધનમાં પણ ઘણાં મુરતિયા (અને મહિલા નેતાઓ પણ) વડાપ્રધાન પદે બેસવા થનગની રહ્યાં છે, ત્યારે કદાચ સપ્ટેમ્બર-ર૦રપ માં દેશમાં મોટી રાજકીય ઉથલપાથલ પણ થઈ શકે છે અને પ્રવાહી સ્થિતિમાં લોકસભાની મધ્યાવધી ચૂંટણીઓ પણ કરવી પડે તેવા સંજોગોનું નિર્માણ થઈ શકે છે.
સંજય રાઉતના નિવેદનની હાંસી ઉડાવતા પણ કેટલાક કટાક્ષો થઈ રહ્યાં છે. ઘણાં લોકો એવું માને છે કે, સંજય રાઉત "એપ્રિલ ફૂલ" ની માનસિકતામાં ૩૧-માર્ચે જ પહેલી એપ્રિલ સમજીને આ નિવેદન કરી બેઠા હોય તેવું લાગે છે...!
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સંજય રાઉતના એ નિવેદનને ફગાવી દેતા તત્કાળ પ્રતિભાવ આપ્યો અને કહ્યું કે, નરેન્દ્ર મોદી વર્ષ-ર૦ર૯ સુધી વડાપ્રધાન રહેવાના જ છે. ફડણવીસે કહ્યું કે, બાપની હાજરીમાં જ તેના ઉત્તરાધિકારીની ચર્ચા કરવાની આપણી સંસ્કૃતિ જ નથી...!!
અટકળોની આંધી વચ્ચે આજે થઈ રહેલા નિવેદનો પણ ચર્ચામાં છે, ભારતીય બંધારણમાં લોકસભાના સભ્ય થવા માટે રપ વર્ષ અને રાજ્યસભાના સભ્ય થવા માટે ૩૦ વર્ષની લઘુત્તમ ઉંમર નિર્ધારીત છે, પરંતુ મહત્તમ ઉંમરની કોઈ મર્યાદા નથી. જેથી વડાપ્રધાને પદે મોદી ૭પ વર્ષની ઉંમર પછી પણ રહી શકે છે. ભારતીય જનતાપક્ષના મુરલી મનોહર જોશી, એલ.કે. અડવાણી સહિતના નેતાઓને ૭પ વર્ષની વયમર્યાદાના સંદર્ભે માર્ગદર્શક મંડળમાં સમાવાય તેવું નરેન્દ્ર મોદી સાથે નહીં થાય, અને ભાજપમાં ૭પ વર્ષની વયમર્યાદાનો કોઈ જડ નિયમ છે જ નહીં, તેવા દાવાઓ થઈ રહ્યાં છે, અને ભાજપના દિગ્ગજો આ બધી અટકળોને હવાહવાઈ ગણાવી રહ્યાં છે, ત્યારે જોઈએ, આગે-આગે હોતા હૈ ક્યા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial