Sensex

વિગતવાર સમાચાર

પંજાબના પાદરી બજિન્દરને યૌન ઉત્પીડન કેસમાં આજીવન કેદની સજા

મોહાલી કોર્ટે અન્ય પાંચ આરોપીઓને પુરાવાના અભાવે છોડ્યાઃ

મોહાલી તા. ૧: પંજાબના પાદરી બજિન્દરને આજીવન કેદની સજા થઈ છે. યૌન ઉત્પીડન કેસમાં મોહાલી કોર્ટે ચૂકાદો આપતા અન્ય પાંચ આરોપીને પુરાવાના અભાવે છોડી મૂક્યા હોવાનું જાણવા મળે છે.

પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દરસિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત કર્યો હતો, જેને આજે કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ મામલે કોર્ટે ર૮ માર્ચે જ તેને દોષિત જાહેર કરી દીધો હતો. તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે પીડિતાને સાત વર્ષ પછી ન્યાય મળ્યો છે.

આ દુષ્કર્મના કેસમાં કુલ છ આરોપી હતાં. જેમાં પુરાવાના અભાવે પાંચનો બચાવ થયો હતો, પરંતુ બજિન્દર વિરૂદ્ધ પુરાવા સાબિત થતા તેને સજા ફટકારવામાં આવી છે. વર્ષ ર૦૧૮ માં તેના પર યૌન ઉત્પીડનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

પીડિતાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, બજિન્દર વિકૃત માનસિક્તા ધરાવે છે. તે જેલમાંથી બહાર આવ્યા પછી પણ આ પ્રકારના કૃત્યો કરતો રહેશે. તેથી હું તેને જેલમાં જોવા માગું છું. કોર્ટના આ નિર્ણયથી આજે અનેક પીડિતાઓને ન્યાય મળ્યો છે. પીડિતાએ ડીજીપીને પોતાના જીવ પર જોખમ હોવાનું કહી સુરક્ષા માટે અરજી પણ કરી છે. પીડિતાના પતિએ સાત વર્ષ સુધી કેસ લડ્યો હતો. તેણે પણ કોર્ટનો નિર્ણય સ્વીકાર્યો છે.

તેણે જણાવ્યું કે, આ કેસમાં અમને સાત વર્ષમાં અનેક મુશ્કેલીઓ નડી છે. તેણે કોર્ટને ગેરમાર્ગે દોર્યા હતાં. તેણે અમારી વિરૂદ્ધ ખોટી એફઆઈઆર પણ નોંધાવી હતી જેના લીધે મને છ મહિનાની જેલની સજા થઈ હતી. અમને ન્યાય પર વિશ્વાસ હતો અને આજે અમારી જીત થઈ છે.

બજિન્દર વિરૂદ્ધ પોલીસે ર૦૧૮ માં દુષ્કર્મનો કેસ નોંધ્યો હતો. તે સમયે તેની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. બજિન્દર લંડન ફરાર થવાની ફિરાકમાં હતો. પંજાબના મોહાલીમાં એક મહિલાએ તેની વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

આ કેસની વિસ્તૃત વિગતો જોઈએ તો પીડિતા ર૦૧૬ માં બજિન્દરના સંપર્કમાં આવી હતી. બજિન્દરે ર૦૧૭ માં તેને ઢાબા પર મળવા બોલાવી હતી. પીડિતાને પોતાની સાથે યુકે લઈ જવાનું કહી તેને પાસપોર્ટ લાવવા કહ્યું હતું, જ્યાં અન્ય એક આરોપી સાથે કારમાં બેસી ચંદીગઢ જવા કહ્યું હતું. યુકે લઈ જવાની લાલચે તેણે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવા ફરજ પાડી હતી. તે સમયે પીડિતાને તેણે બેભાન પણ કરી હતી. બાદમાં તેનો વીડિયો બનાવી અવારનવાર ધમકી આપી રહ્યો હતો. તેણે તેની પાસે વિદેશ જવા એક લાખ રૂપિયાની પણ માંગ કરી હતી.

પીડિતા બજિન્દર સાથે આ મુદ્દો ઉકેલવા માંગતી હતી. તે બજિન્દરના ઘરે ગઈ હતી, જ્યાં તેની સાથે અન્ય પાંચ લોકો ઉપસ્થિત હતાં. તેમણે તેનું શારીરિક શોષણ કર્યું તેમજ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial