ગ્લોબલ ઈફેકટ અને રેસિપ્રોકલ ટેરિફની અસરો કારણભૂત
મુંબઈ તા. ૧: વૈશ્વિક પ્રવાહોની અસર હેઠળ શેરબજારમાં અમંગળ વર્તાઈ રહ્યું છે અને પ્રારંભથી જ કડાકો બોલાયો છે, જેથી સેન્સેકસ તથા નિફટી પછડાયા છે. બીએસઈના ૧૬૦ શેરો તળિયે પહોંચી ગયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવી રહેલાં રેસિપ્રોકલ ટેરિફના કારણે શેરબજારમાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું છે. તેમજ શોર્ટ પ્રોફિટ બુક કરતાં જોવા મળતાં આજે સેન્સેક્સમાં ૧૪૦૦થી વધુ પોઈન્ટ અને નિફ્ટીમાં ૩૫૦થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. બીએસઈમાં ૧૬૦ શેર વર્ષના તળિયે પહોંચ્યા છે.
સેન્સેક્સ આજે ૫૦૦ પોઈન્ટના કડાકે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં ૬૩૯.૧૩ પોઈન્ટ તૂટ્યો હતો. જે ૧૦.૩૦ વાગ્યે ૮૭૭.૩૧ પોઈન્ટના કડાકે ૭૬૫૩૭.૬૧ પર ટ્રેડ થઈ રહૃાો હતો. તે પછી આ લખાય છે ત્યારે સેન્સેકસમાં ૧૪૦૦ પોઈન્ટ અને નિફટીમાં ૩૫૦ પોઈન્ટનો કડાકો નોંધાયો છે.
એનએસઈ નિફ્ટીમાં મંદીનું જોર વધ્યું છે. આજે વધુ ૧૮૦.૨૫ પોઈન્ટ ગબડી ૨૩૩૩૯.૧૦ના નીચા સ્તરે પહોંચ્યો હતો. જે ૧૦.૩૦ વાગ્યે ૨૧૧.૬૦ પોઈન્ટના ઘટાડે ૨૩૩૦૭.૭૫ પર કારોબાર થઈ રહૃાો હતો. જયારે આ લખાય છે ત્યારે ૩૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી ૫૦માં આજે ૨૬ શેર સુધારા તરફી અને ૨૪ શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહૃાા હતા.
માર્કેટમાં મોટા કડાકા વચ્ચે આજે ટેલિકોમ શેર્સમાં નીચા મથાળે ખરીદી વધી છે. ઈન્ડસ ટાવરનો શેર ૭.૨૬ ટકા ઉછળ્યો છે. જ્યારે ટીટીએમએલ ૬.૨૭ ટકા, તેજસ નેટવર્ક ૫.૪૦ ટકા, સુયોગ ૫.૦૦ ટકા ઉછાળે ટ્રેડ થઈ રહૃાો છે. ભારતી એરટેલના શેરમાં પણ સુધારો જોવા મળ્યો છે. જેના પગલે બીએસઈ ટેલિકોમ ઈન્ડેક્સ આજે ૨.૮૬ ટકા ઉછાળે ટ્રેડ થઈ રહૃાું હતું. કેન્દ્ર સરકારે વોડાફોન આઈડિયાના બાકી સ્પેક્ટ્રમ ફીને ઈક્વિટીમાં તબદીલ કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી કંપનીને મોટી રાહત મળી છે. અગાઉ કેબિનેટે ટેલિકોમ વિભાગના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. જેમાં કંપનીના એજીઆર બાકીમાં આશિંક છૂટની માગ કરવામાં આવી હતી. જેના પગલે શેરમાં આજે તેજી આવી છે.
ટ્રમ્પે અગાઉ બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. પરંતુ બાદમાં બીજી એપ્રિલે અમેરિકાનો લિબરેશન ડે હોવાથી ટેરિફ લાદવાની મુદત પાછી ખેંચાશે તેવા અહેવાલો મળ્યા હતાં. પરંતુ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફ મુદ્દે મક્કમ વલણ ધરાવતાં હોવાથી રોકાણકારો સાવચેત બન્યા છે. રોકાણકારો આ મુદ્દે વધુ સ્પષ્ટતાની રાહ જોઈ રહૃાા છે. ગત સપ્તાહે જ ઓટોમોબાઈલ પર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. વિદેશી રોકાણકારોએ પણ છેલ્લા છ ટ્રેડિંગ સેશનમાં નેટ લેવાલી નોંધાવ્યા બાદ ૨૮ માર્ચે ૪૩૫૨ કરોડની નેટ વેચવાલી નોંધાવી હતી.
બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેર્સમાં કડાકો નોંધાતા બેન્કેક્સ ૧.૦૧ ટકા અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ ઈન્ડેક્સ ૧.૦૫ ટકા કડાકે કારોબાર થઈ રહૃાા છે. રિયાલ્ટી ઈન્ડેક્સ ૨.૧૩ ટકા, આઈટી ૨.૦૧ ટકા, ટેક્નોલોજી ઈન્ડેક્સ ૧.૨૫ ટકા કડાકે ટ્રેડ થઈ રહૃાો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial