પીછે સે પછતાને સે ક્યા ફાયદા, જબ ચીડિયા ચૂભ જાયે ખેત...
બીગબી અમિતાભ બચ્ચનની ઘણી બધી ફિલ્મો લોકપ્રિય છે, અને તેમાં 'બાગબાં' ફિલ્મ અગ્રીમ હરોળમાં છે, તેનું કારણ એ છે કે પ્રવર્તમાન સામાજિક વાસ્તવિક્તાનું તેમાં પ્રતિબિંબ પડે છે. તેવી જ રીતે ગુજરાતી સાહિત્યની પ્રાદેશિક ભાષાઓમાં પણ સમાજનું પ્રતિબિંબ પાડતી ઘણી જ ફિલ્મો લોકપ્રિય બની છે. બધાને આ ફિલ્મો જોવી ગમે છે અને તેની પ્રશંસા પણ થાય છે, પરંતુ ઘણી વખત આપણી જ આજુબાજુમાં જ 'બાગબાં' જેવી કડવી વાસ્તવિક્તા પનપી રહી હોય, ત્યારે આપણી પ્રતિક્રિયા બદલી જતી હોય છે, તે પણ નક્કર હકીકત જ છે ને?
વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે અને નવી પેઢી અને જુની પેઢી વચ્ચેનું અંતર ક્રમશઃ વધી રહ્યું છે, તેવા માહોલની વચ્ચે પણ ઘણાં દૃષ્ટાંતો એવા પણ મળે છે કે, માતા-પિતા કે અન્ય વયોવૃદ્ધ વડીલોની દેખભાળ માટે ઘણાં લોકો પોતાની કારકિર્દી, સુખ-સુવિધા અને સમાજજીવન અને પરિવાર જીવનની પણ પરવાહ કરતા હોતા નથી. આજે પણ ઘણાં આધુનિક શ્રવણો છે, જે પોતાના માતા-પિતા કે મોટા ભાઈ-બહેનો કે અન્ય વડીલોની ઈચ્છાઓ પૂરી કરવા પોતાની તમામ તાકાત કામે લગાડી દેતા હોય છે, અને દેવું કરીને પણ વડીલોની અપેક્ષાઓ પૂરી કરતા હોય છે.
સેવાભાવનાની પરાકાષ્ટા
સેવાભાવના જ્યારે પરાકાષ્ટાએ પહોંચી જાય છે, ત્યારે એવું લાગે છે કે,હવે બસ છે, કોઈપણ વ્યક્તિની સેવાભાવના જ્યારે વૈરાગ્યના સ્વરૂપમાં ફેરવાઈ જાય, ત્યારે તે ઘણી જ આવકારદાયક પણ બનતી હોય છે અને કેટલીક આડઅસરો પણ ઊભી થતી હોય છે. સંન્યાસ લઈ લીધો ન હોય કે પરિવારમાં કોઈ ન હોય, તેવા વ્યક્તિવિશેષો સિવાયના લોકોએ પોતાના પરિવારજનોની દરકાર કરવી પડતી હોય છે, કારણ કે તેઓ પોતાના પરિવારજનોને દુઃખી કરીને કાયમ માટે જો વિવિધ પ્રકારની 'સેવા' જ કર્યા રાખે, તો તે પણ ઈચ્છનિય નથી, ખરૃં કે નહીં?
પોતાના માટે પણ જીવવું જોઈએ
પરિવાર, સમાજ અને કોઈપણ સંસ્થા કે સંગઠન માટે જીવવાની સાથે સાથે પોતા માટે પણ જીવવું જોઈએ, પરંતુ ઘણાં લોકોની જિંદગી વિવિધ પ્રકારના કર્તવ્યો, ફરજો કે સેવા કરવામાં જ વીતી જતી હોય છે, અને તેઓ ક્યારેય પોતા માટે જીવી જ શકતા નથી. કદાચ આ આપણી ભારતીય સંસ્કૃતિની વિશેષતા પણ છે, પરંતુ આ પ્રકારે જેની જિંદગી આ રીતે ફરજો, કર્તવ્યો કે સેવાઓમાં જ પૂરી થઈ જતી હોય ત્યારે તેના માટે જવાબદાર તેની આજુબાજુના લોકો, સેવાઓ મેળવતા લોકો અને પોતાનાથી થઈ શકે તેમ હોય, તેવી સેવાઓ પણ ફરજ કે કર્તવ્યોને નામે લેતા લોકો ગણાય, તેવી માન્યતામાં પણ વજુદ છે, રાઈટ?
મહિલાઓનું જીવન
આપણે ત્યાં મહિલાઓનું જીવન પણ મોટાભાગે આ રીતે સેવા કરતાં કરતાં જ વીતી જતું હોય છે, અને જ્યારે આ બધામાંથી નિવૃત્ત થઈ પણ શકે, તો પણ તે સમયે તેનું શરીર, મન કે સ્વાસ્થ્ય પોતા માટે કાંઈક કરવા કે નાનપણથી સેવેલા સપના સાકાર કરવા માટે સક્ષમ રહેતા હોતા નથી.
શિક્ષણ મેળવીને મોટા થાય, ત્યાં સુધી ઘરનું કામ કરે, માતા-પિતા, ભાઈ-બહેનો સાથે સહિયારી જિંદગી જીવે અને તે પછી સાસરે જાય, ત્યારે ત્યાંના પરિવારજનોની સેવા કરે. ભણેલી-ગણેલી-શિક્ષિકા યુવતીઓ જો કોઈપણ નોકરી કે વ્યવસાય કરતી હોય, તો પણ સાસરે ગયા પછી ઘરનું કામ તો કરવું જ પડતું હોય છે. અપવાદ રૂપ કેટલીક દીકરીઓ સાસરે ન જાય, તો પણ તેને પોતાના માતા-પિતાના પરિવાર અને ભાઈ-ભાભી-નણંદ વગેરેને અનુકૂળ રહેવું પડતું હોય છે. માતા-પિતા અને સાસુ-સસરાના દેહાંત પછી જ્યારે તેઓની સેવાઓમાંથી મુક્તિ મળે, ત્યાં સંતાનોના શિક્ષણ, પોષણ અને તેઓની નોકરી કે કામ-ધંધે ચડાવવા તથા પરણાવવાની જવાબદારી આવી પડતી હોય છે. દીકરીઓ સાસરે જાય, અને પુત્રવધૂ આવે, તે સેવા કરે અને જો સંતાનમાં દીકરો ન હોય તો દીકરીઓને પરણાવ્યા પછી જમાઈ સહાનુભૂતિપૂર્વક સેવા કરે, તો પણ વૃદ્ધ થયેલા માતા-પિતાને થોડી-ઘણી જવાબદારીઓ તો ઊઠાવવી જ પડતી હોય છે, અને તેમાં ને તેમાં આખી જિંદગી વીતી જતી હોય છે. તેથી જ એવું કહેવામાં આવતું હોય છે કે, જ્યારે શરીર ચાલતુ હોય અને આવક થતી હોય, ત્યારે ગમે તેમ કરીને પોતાના સપના પૂરા કરી લેવા જોઈએ અને જિંદગીને મન ભરીને માણી લેવી જોઈએ. જો એવું ન થઈ શકે, તો તેમાં બીજા કોઈને દોષ દેવાના બદલે આપણી જ આપણા જીવન પ્રત્યેની બેદરકારી સ્વીકારી લેવી જોઈએ. 'પીછે સે પછતાને સે ક્યા ફાયદા, જબ ચીડિયા ચૂભ જાયે ખેત!!'
બાળકોની જવાબદારી
સરકાર સંભાળી શકે?
ઘણાં દેશોમાં બાળકોની જવાબદારી સરકાર સંભાળે છે, અને પરિવારના તમામ પુખ્ત લોકો કામ-ધંધો-નોકરી કરવા જાય છે. આવી વ્યવસ્થાઓ હોય છે, ત્યાં માતા-પિતા, પરિવાર, ભાઈ-બહેન તથા અન્ય પારિવારિક સંબંધોની આપણે ત્યાં હોય છે, તેવી મિઠાશ, સંવેદના કે ચિંતા હોતી નથી. આપણે ત્યાં સરકાર સંતાનોની સારસંભાળ તો રાખી શકે, પરંતુ માતા-પિતાની તમામ ફરજો સંભાળીને સરકાર જ સંતાનોને ઉછેરે, તેવી વ્યવસ્થા સંભવ નથી, અને ઈચ્છનિય પણ નથી, પરંતુ તેમ છતાં કેટલાક દેશોમાં છે, તેવી મતલબી મનોભાવનાઓ યુવાપેઢીમાં પનપી રહી હોય તેમ નથી લાગતું? શું આવી મતલબી મનોભાવનાઓના કારણે જ આપણે ત્યાં વૃદ્ધાશ્રમો વધી રહ્યા હશે? ભગવાન જાણે...
જે હોય તે ખરૃં, પરંતુ બાળપણ કિશોરાવસ્થા, યુવાની અને પ્રૌઢાવસ્થા દરમિયાન જ્યારે જ્યારે તક મળે, ત્યારે ત્યારે જિંદગી જીવી લેવી જોઈએ, અન્યથા પરાવલંબી બુઢાપો આવશે, ત્યારે ઘણો જ વસવસો થવાનો છે... નોંધી રાખજો...
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial