ઉનાળોઆવ્યો અને ક્રમશઃ તાપમાન વધી રહ્યું છે, આગઝરતી ગરમીની આગાહીઓ થઈ રહી છે અને બપોરના સમયે સૂર્યપ્રકોપના કારણે લોકો બહાર નીકળતા નથી અને રહેણાંક વિસ્તારોમાં તો કુદરતી કરફ્યૂ જેવું વાતાવરણ સર્જાઈ જ જાય છે, પરંતુ બજારો પણ સુમસામ થઈ જાય છે. ગઈકાલે જામનગરનું તાપમાન ૪૦ ડીગ્રી નજીક પહોંચતા પ્રચંડ ગરમીથી નગરજનો ત્રાહીમામ પુકારી ઉઠ્યા હતાં. કેટલાક શહેરોમાં તો તાપમાન ૪૩-૪૪ ડીગ્રીથી પણ વધી જતા જનજીવન પ્રભાવિત થયું હતું.
રાજ્યમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન ઘણાં શહેરોમાં ૪૦ થી ૪પ ડીગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. અસહ્ય ગરમીના કારણે ધંધા-વ્યવસાય ઉપર પણ માઠી અસર પહોંચી રહી છે અને રોજેરોજનું કમાઈને ગુજરાન ચલાવનારા અત્યંત ગરીબ પરિવારોની હાલત કફોડી થઈ ગઈ છે. લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, એપ્રિલમાં આટલી ભયંકર ગરમી પડી રહી છે, ત્યારે મે મહિના અને જૂનમાં ચોમાસાના પ્રથમ વરસાદ થતા સુધી શું થશે, તેનું આકલન કરીને સંબંધિત તંત્રો અત્યારથી જ તૈયારી નહીં કરે, તો આ ઉનાળામાં જિંદગી જીવવી મુશ્કેલ બની જશે.
તંત્રોએ અત્યારથી જ ધોમધખતો ઉનાળો, સંભવિત માવઠું અને ઋતુચક્રમાં થતા ફેરફારોને લક્ષ્યમાં રાખીને જરૂરી પ્રબંધો વિચારી લેવા પડશે, અને જરૂરી પ્રક્રિયા, દરખાસ્તો, મંજૂરીઓ, એસ્ટીમેટ, કાર્યયોજના અને વૈકલ્પિક વ્યવસ્થાઓ સહિતનો રોડમેપ તૈયાર કરી લેવો પડશે, અન્યથા આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવા જેવો ઘાટ સર્જાશે.
ગયા વર્ષે જ્યારે ગરમીનો પ્રચંડ પ્રકોપ હતો, ત્યારે પંખા, એ.સી., કૂલર, ફ્રીઝ અને બરફનું ઉત્પાદન કરતા સાધનોના ઉપયોગમાં અનેકગણો વધારો થયો હતો, અને તેના કારણે લોડ વધી જતા ઘણાં વિસ્તારોમાં વીજ ઉપકરણોને નુકસાન થયું હતું, તો લો વોલ્ટેજની સમસ્યાના કારણે પણ ઠંડક આપતા સાધનો ચાલી શક્યા નહોતા. વોલ્ટેજની વધઘટના કારણે ઘણાં સ્થળે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેથી ઘરેલુ વ્યવસ્થાઓ પણ વેરવિખેર થઈ જતી હતી. વીજતંત્રોએ આ વર્ષે ગયા વર્ષનો અનુભવ અને ચાલુ વર્ષે અંદાજીત ડિમાન્ડને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો જાળવી રાખવાની કવાયત કરી લેવી પડશે અને જ્યાં જરૂર હોય ત્યાં વીજ લાઈનો તથા તેને સંલગ્ન ઉપકરણોની ક્ષમતા વધારી લેવી પડશે.
જામનગર સહિતના શહેરોની વસ્તી વધી છે. વેકેશનનો માહોલ છે. વીજ ઉપકરણોની જરૂરિયાતો પણ વધી રહી છે. અત્યારે ઘેરઘેર એરકન્ડીશન્ડ મશીનો, વોશીંગ મશીનો, ઘરઘંટી, ટેલિવિઝન, વીજ આધારિત ચુલાઓ, ઈલેક્ટ્રિક મોટરો, એરકૂલરો, રેફ્રીજરેટરો અને ઈ-વાહનોની સુવિધાઓ ઉપલબ્ધ બની છે, અને હવે મધ્યમવર્ગીય પરિવારો તથા અપર-પૂઅર વર્ગોના પરિવારો પણ આ પ્રકારના વીજ આધારિત ઉપકરણો તથા સેવાઓ મેળવવા લાગ્યા છે, ત્યારે જરૂર પહેલા ડોર-ટુ-ડોર સર્વે કરીને પણ શહેરમાં અંદાજીત કેટલાક ઉપકરણો છે, તેના અંદાજ આધારિત વીજક્ષમતા વધારવાની કવાયત અત્યારથી જ કરી લેવી જોઈએ, જેથી ભર ઉનાળે ધોમધખતી ગરમીમાં પીસાતી જનતાને થોડી રાહત આપી શકાય.
જામનગર મહાનગરપાલિકાના તંત્રો દ્વારા ઘેર-ઘેર નળ દ્વારા અપાતો પાણી પુરવઠો ઉપરની ટાંકીમાં પહોંચાડવા ભૂગર્ભ ટાંકીઓમાં દેડકો મોટર કે ઈલેક્ટ્રિક મોટરો પણ વાપરવામાં આવે છે, અને તેનો અંદાજ ભાગ્યે જ ગણતરીમાં લેવાતો હોય, તે ઉપરાંત વીજ આધારિત વ્યવસાયો, ઔદ્યોગિક-વ્યાપારિક જરૂરિયાતો અને કોમ્પ્યુટર્સ, વાયફાય અને મોબાઈલ સેલફોન આધારિત પ્રવૃત્તિઓ માટે પણ વીજ પુરવઠાની જરૂર તો પડવાની જ છે ને...?
ટૂંકમાં વીજતંત્રોએ માઈક્રો પ્લાનીંગ પણ કરવું જોઈએ અને અત્યારથી વિસ્તારવાઈઝ અંદાજો કાઢીને તે મુજબ વીજલાઈનો તથા સંલગ્ન સાધનોનું અપગ્રેડેશન કરી લેવું જોઈએ.
વીજ તંત્રોની જેમ જ પાણી પુરવઠાના વિભાગ તથા પાલિકા-મહાપાલિકા, પંચાયતોના વોટરવર્કસ તંત્રોએ પણ ઉનાળામાં માનવી અને પશુઓ માટે જરૂરી પાણી પુરવઠાનો અંદાજ કાઢીને આગામી બે-અઢી મહિના સુધી એટલે કે જુલાઈ મહિના સુધીનું માઈક્રો પ્લાનીંગ કરી લેવું જોઈએ. તે ઉપરાંત જે વિસ્તારોમાં હજુ પણ ટેન્કરો ચાલી રહ્યાં છે, ત્યારે ટેન્કરોના ફેરા કે સંખ્યા વધારીને લોકોને કમસેકમ પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે, તેવી વ્યવસ્થાઓ તંત્રોએ અત્યારથી જ કરી લેવી જોઈએ, ખરૃં ને...?
ઉનાળામાં વીજ વપરાશ વધવાની સાથેસાથે આગ અકસ્માત જેવી ઘટનાઓમાં પણ વધારો થતો હોય છે, જેથી ઉનાળાના પ્રારંભે જ ફાયરસેફટી સહિતની વ્યવસ્થાઓ ચકાસી લેવામાં આવે તે જરૂરી છે. ઉનાળામાં ઘણી બધી સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ પાણીના પરબ, છાશ વિતરણ તથા શિતળ છાંયડાની વ્યવસ્થાઓ થતી હોય છે, અને ઘરવિહોણાં રખડતા-ભટકતા લોકો માટે શેલ્ટર હોમ પણ ઊભા કરાતા હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓનું સંકલન કરીને જરૂરિયાત મુજબના તમામ સ્થળોએ સમાન ધોરણે પૂરતા પ્રમાણમાં આ નિઃશુલ્ક સેવાઓ મળી શકે તેવું સંકલિત આયોજન થાય તે ઈચ્છનિય રહેશે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial