Sensex

વિગતવાર સમાચાર

કેન્દ્રના બેવડા ધોરણો...? ક્રૂડના ભાવ ઘટાડાનો ફાયદો કોને...?

ગઈકાલે દુનિયાભરના શેરબજારો કડડભૂસ... કરતા ફસડાઈ પડ્યા અને હાહાકાર મચી ગયો. નગરથી નેશન સુધી અને ગામડાઓથી ગ્લોબ સુધી કોણે કેટલા ગુમાવ્યા...? તેની જ ચર્ચા થતી રહી અને ટ્રમ્પના ટેરિફ એટેકને જવાબદાર ગણાવાતો રહ્યો. હજુ શેરબજારની કળ ઉતરી નહોતી, ત્યાં જ દેશવાસીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો.

ગઈકાલે એલપીજી ગેસના ભાવોમાં વધારો ઝીંકી દેવાયો. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જ જાહેરાત કરી કે ગઈકાલથી સબસીડીવાળા અને સબસીડી વગરના તમામ ગેસ સિલિન્ડર દીઠ પચાસ રૂપિયાનો વધારો લાગુ કરી દેવાયો છે. આ જાહેરાતો ઘરખર્ચના બે છેડા માંડ પૂરા કરી રહેલી મહિલાઓ (ગૃહિણીઓ) ને પણ ઝટકો આપ્યો અને મોંઘવારીના મારથી પિડીત પુરૂષવર્ગમાં પણ નારાજગી ફેલાવા લાગી.

રાજયભરમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મિલ્લાકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યું કે, મોદી સરકારે લોકોના ઝખમ પર મીંઠુ ભભરાવવાનું કામ કર્યુ છે. ખડગેએ ખૂબ જ આક્રમક ભાષામાં "એક્સ" પર પોષ્ટ કરીને લખ્યું કે, ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ૪૧ ટકા જેટલો ભાવ ઘટાડો થયો, તેનો લાભ જનતાને આપવાના બદલે લૂંટારી સરકારે એક્સાઈઝ ડ્યૂટી લીટરદીઠ બે રૂપિયા વધારી દીધી છે. ખડગેએ આ પોષ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને જે લખ્યુ, તે ગઈકાલે દિવસભર ચર્ચામાં રહ્યું. શેરબજારમાં રોકાણકારોને ૧૯ લાખ કરોડનું જંગી નુકસાન થયું, તેના માટે પણ મોદી સરકારની કુંભકરણી જેવી ઊંઘ (લાપરવાહી) ને જવાબદાર ગણાવીને ખડગેએ લખ્યું કે, મોદી સરકારે એલપીજીના ભાવો વધારીને ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યુ છે. તેમણે ઉજ્જવલાની ગરીબ મહિલાઓની બચત પર તરાપ મારવાનો આક્ષેપ કરીને કહ્યું કે, લૂંટ અને જબરદસ્તી વસુલી એ મોદી સરકારના જાણે પર્યાય બની ગયા છે.

બીજી તરફ ભૂતકાળમાં એલપીજી ગેસમાં ભાવો વધ્યા, તેવા સમયે યુપીએ સરકારના સમયગાળાનો વડાપ્રધાન મોદીનો જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો હોવાના અહેવાલોમાં જે કાંઈ કહેવાય રહ્યું છે, તેને સાંકળીને કોંગ્રેેસ પાર્ટી આને મોદી સરકારના બેવડા ધોરણો ગણાવીને જનતા પર મોંઘવારીનો બેવડો બોજ ઝીંકવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ઘરેલું ગેસ સિલિન્ડર પર પચાસ રૂપિયાનો બોજો નખાતા ગરીબ અને મધ્યમવર્ગની ગૃહિણીઓના બજેટ તો ખોરવાઈ જ જશે, સાથેસાથે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં અપેક્ષાકૃત ઘટાડો નહીં થતા દેશની જનતા છેતરાઈ હોવાની અનુભૂતિ કરી રહી હશે.

કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો, પરંતુ તેનો બોજ ઓઈલ કંપનીઓ પર લાદ્યો (નાંખ્યો) છે, જેથી પેટ્રોલ-ડીઝલની રિટેઈલ પ્રાઈઝમાં કોઈ વધારો નહીં થાય, પરંતુ કંપનીઓને તેની અસર થશે.

સરકારે લીટરદીઠ એક્સાઈઝ ડ્યૂટી બે રૂપિયા વધારી છે, જે કદમ ઓએમસીને ગેસ સેગમેન્ટમાં થયેલા રૂ.  ૪૩૦૦૦ કરોડનું વળતર મળી રહે, તેવા હેતુથી ઉઠાવાયુ હોવાનું કહેવાય છે. જો કે, અંતે તો આ વિષચક્રનો અંત પબ્લિક મનીમાંથી થતી ચૂકવાણીઓ દ્વારા જ આવશે ને...?

ટૂંકમાં ક્રૂડમાં ભાવ ઘટાડાનો ફાયદો દેશવાસીઓને થવાનો નથી. વૈશ્વિક ક્રૂડના ભાવો ઘટતા લોકોને એવી આશા હતી કે, પેટ્રોલ-ડીઝલના ભાવો પણ ઘટશે અને તેના કારણે તમામ વીજ વસ્તુઓ તથા પેઈડ સેવાઓની મોંઘવારીમાં પણ રાહત થશે, પરંતુ આ આશા ઠગારી નિવડી છે અને વિપક્ષો કેન્દ્રના બેવડા ધોરણોની આલોચના કરી રહ્યાં છે, તો બેરોજગારી અને મોંઘવારીના બેવડા મારમાં પીસાતી જનતા ગેસના ભાવોમાં ઘટાડા માટે આગામી ચૂંટણીઓની રાહ જોઈ રહી છે, જોઈએ, સરકાર કૃપાળુ બને છે કે નહીં...?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial