અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લગાવાયો અને શેરબજારો ધરાશાયી થયા, ચીન સિવાયના દેશો પર આ ટેરિફ ત્રણ મહિના માટે મોકૂફ રખાયો, તો શેરબજારો ઉછળ્યા, અમેરિકા-ચીન વચ્ચે ટેરિફવોર ફાટી નીકળ્યું, વગેરેની દુનિયાભરમાં ખૂબ જ ચર્ચા થઈ, અને હવે અમેરિકાથી જ ઉદ્ભવેલી એક બીજી ચર્ચાએ માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ભારતમાં ખાસ ચર્ચા જગાવી છે અને આજે આ નવી ચર્ચાએ આપણા દેશમાં અન્ય તમામ મુદ્દાઓને પાછળ છોડી દીધા છે.
ટેરિફ વોરની ચર્ચાના કેન્દ્રમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતાં, અને આ નવી ચર્ચાના કેન્દ્રમાં અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગાબાર્ડ છે, જેઓ ભારતીય મૂળના છે.
બન્યું એવું કે ટેરિફ વોર, યુદ્ધો અને અન્ય એજન્ડા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અધ્યક્ષસ્થાને અમેરિકન સરકારની એક કેબિનેટ મિટિંગ યોજાઈ હતી, અને તેમાં તુલસી ગાબાર્ડે એક એવો મુદ્દો ઉછાળી દીધો, જેના પડઘા અમેરિકા કરતા પણ ભારતમાં વધુ પડ્યા અને ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે છેલ્લા અઢી દાયકાથી ચાલતો રહેલો વિવાદ ફરી એક વખત સપાટી પર આવી ગયો છે.
તુલસી ગાબાર્ડે એ મિટિંગમાં એવો દાવો કર્યો કે ઈવીએસ હેક થઈ શકે છે. અમેરિકામાં મશીનથી થતા મતદાનની સિસ્ટમને ઈવીએસ કહે છે, અને આ સિસ્ટમ ઓનલાઈન વોટીંગ સાથે પણ સંકળાયેલી છે. અમેરિકામાં ઈવીએસથી પણ મતદાન થાય છે, અને તે હેક થઈ શકે છે, તેવો દાવો તુલસી ગાબાર્ડે કર્યો હતો, અને આખા અમેરિકામાં બેલેટ પેપરથી જ મતદાન થાય તેવી તર્કબદ્ધ દલીલો કરીને ત્યાંની ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમમાં ખામી હોવાના કેટલાક દૃષ્ટાંતો પણ આધારો સાથે રજૂ કર્યા હોવનું કહેવાય છે.
આ પહેલા પણ અમેરિકામાં ઈવીએસ સામે સવાલો ઊઠતા રહ્યા છે, પરંતુ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પને જંગી બહુમતી મળી હોવા છતાં તુલસી ગાબાર્ડે આ પ્રકારનો દાવો કર્યો, તેને અમેરિકાની લોકતાંત્રિક સ્વતંત્રતાનું દૃષ્ટાંત ગણવું કે આંતરિક મતભેદો ગણવા, તેવા સવાલો પણ ઊઠ્યા હતાં, અને તેનો જવાબ પણ આવ્યો હતો. હકીકતે ટ્રમ્પે વર્ષ ર૦ર૦ ની ચૂંટણી દરમિયાન પૂર્વ સાયબર સિક્યોરિટી ક્રિસ ક્રેબ્સને જવાબદાર ગણીને તપાસ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ (કાનૂન મંત્રાલય) ને આદેશો આપ્યા, તેના બીજા જ દિવસે આ કેબિનેટ યોજાઈ હતી અને ગત્ ચૂંટણીના સંદર્ભે ગાબાર્ડે આ પ્રકારનો દાવો મજબૂતીથી રજૂ કર્યો હતો, તેવું મનાય છે. ગાબાર્ડે ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ લાંબા સમયથી હેકર્સના નિશાન પર રહી હોવાનું જણાવી તેના પૂરાવા હોવાનો દાવો કર્યો હતો, અને આખા અમેરિકામાં બેલેટ પેપરથી જ મતદાન ફરજિયાત કરવાની માંગણી ઊઠાવી હતી.
ભારતમાં વિપક્ષોએ આ મુદ્દાને હાથોહાથ ઉપાડી લીધો છે, અને ભારતમાં પણ ઈવીએમ સાથે ચેડા થતા હોવાથી બેલેટ પેપરથી મતદાન કરવાની માંગણી જોરશોરથી ઊઠવા પામી છે. પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી ભારતમાં પણ ઈવીએમ હેક થઈ શકે કે તેની સાથે ચેડા થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હોવાથી બેલેટ પેપરથી મતદાન ફરજિયાત કરવાની જરૃર હોવાના અભિપ્રાયો વ્યક્ત થવા લાગ્યા છે, અને તેની તરફેણ તથા વિરોધમાં કોમેન્ટો થવા લાગી છે.
જો કે, ભારતીય ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ (ઈવીએસ) અને ભારતના ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન (ઈવીએમ) વચ્ચેનો તફાવત વર્ણવતા જણાવ્યું છે કે, કેટલાક દેશોમાં જે ઈવીએસ (ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ) થી મતદાન થાય છે, તે વિવિધ સિસ્ટમ, મશીન, પ્રોસેસના સંયોજન સાથે ઈન્ટરનેટ સહિતના વિવિધ ખાનગી નેટવર્કસ સાથે જોડાયેલી હોય છે, જ્યારે ભારતમાં ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ નહીં, પણ ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનનો જ ઉપયોગ થાય છે, જે કોઈપણ નેટવર્ક સાથે જોડાયેલું હોતું નથી અને બેટરીથી ચાલતું માત્ર સાદા કેલ્યુલેટર જેવું એવું ફૂલપ્રૂફ મશીન છે, જેને હેક કરવું સંભવ જ નથી!
મોકપોલ, સંપૂર્ણ ચકાસણી અને દેશની સર્વોચ્ચ અદાલતે કાયદાકીય તપાસ કરાવી, તેમાં પણ યોગ્ય ઠરેલા ઈવીએમ (મશીન) ને અમેરિકા સહિતના કેટલાક દેશોમાં વપરાતી ઈવીએસ (સિસ્ટમ) સાથે સરખાવવી યોગ્ય નથી.
બીજી તરફ ઈવીએમનો મુદ્દો ભારતમાં ફરીથી સળવળ્યો છે અને હજુ તુલસી ગાબાર્ડના આ અભિપ્રાયના અહેવાલો તાજા જ છે, તેથી આ ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ જેમ જેમ કેટલાક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ નજીક આવશે, તેમ તેમ આ મુદે ભારતમાં ફરી એક વખત ચૂંટણીપ્રચારનો મુખ્ય મુદ્દો બની જશે, તેવા સંકેતો અત્યારથી જ મળી રહ્યા છે.
કેટલાક લોકો એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે જે દેશમાં નકલી જજ, નકલી સરકારી વકીલ, નકલી કચેરીઓ, નકલી શાળાઓ, નકલી અધિકારીઓ, નકલી ટોલનાકા અને ટપાલવેનોની ભરમાર હોય, તે દેશમાં કાંઈ પણ બની શકે છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે તુલસી ગાબાર્ડની જેમ કોઈ નક્કર આધાર-પુરાવા હોય તો સુપ્રિમ કોર્ટ સમક્ષ રજૂ કરવા જોઈએ ને?
જે હોય તે ખરૃં, પરંતુ એક વખત ફરીથી ઈવીએમમાં ગરબડનો મુદ્દો આપણા દેશમાં મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અને તે ઈવીએમથી ચૂંટાયેલી મોદી સરકાર અને તમામ રાજ્ય સરકારોના જનપ્રતિનિધિત્વ સામે પ્રશ્નચિન્હો ઊભા કરશે, તે પણ હકીકત જ છે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial