ગુજરાતમાં કાંઈક નવું થવાનું છે અને ભાજપ, આમઆદમી પાર્ટી તથા કોંગ્રેસમાં આંતરિક હિલચાલ તેજ બની છે, તેવી ચર્ચા વચ્ચે રાષ્ટ્રીય કક્ષાએ દૂબે એ દબદબો વધારવા દમદાર નિવેદનો કર્યા હોવાના દિગ્વિજયસિંહના આક્ષેપો પછી સંસદ, સરકાર અને સુપ્રિમકોર્ટની સત્તાઓનો મુદ્દો પણ આજે "ટોક ઓફ ધી નેશન" બન્યો છે.
ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક અને દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ પ્રમુખની નિમણૂક તા. ર૦-એપ્રિલ પછી ગમે ત્યારે થઈ શકે છે, તેવી અટકળો પહેલેથી જ થઈ રહી હતી, અને આ નિમણૂકોને પછી ગુજરાતમાં પ્રદેશ ભાજપની ટીમ અને રાષ્ટ્રીય કક્ષાએ ભાજપના તમામ હોદ્દેદારોમાં મોટા પાયે ફેરબદલ થશે, તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ બન્ને મુખ્ય હોદ્દાઓ માટે દાવેદારોના નામોને લઈને પણ અટકળોનું બજાર ગરમ હતું.
બીજી તરફ ગુજરાતમાં વિધાનસભાની બે ખાલી બેઠકોની પેટાચૂંટણી જાહેર થયા પછી આમઆદમી પાર્ટીમાં હલચલ તેજ બની હતી અને હવે આમઆદમી પાર્ટી પણ અત્યારથી જ ગુજરાતમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવા માટે બેઠકવાર પ્રભારીઓ નક્કી કરી રહી હોવાના અહેવાલો છે.
બીજી તરફ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજયા પછી ગુજરાતમાં કોંગ્રેસ પણ વર્ષ-ર૦ર૭ ની વિધાનસભાની ચૂંટણીના સેમિફાયનલની જેમ ગણીને ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણી પૂરી તાકાતથી લડશે, તેવા સંકેતો મળી રહ્યાં છે, ત્યારે વર્ષ-ર૦ર૭ ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થાય કે, બહુપાંખિયો જંગ ખેલાય, તો કોને ફાયદો થાય...? તેના ગણિત પણ અત્યારથી જ મંડાઈ રહ્યાં છે. આ બધા ઘટનાક્રમો વચ્ચે અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ કરેલા કેટલાક નિવેદનોને લઈને એનડીએના નેતાઓ ઉકળી ઉઠ્યા છે, અને આકરા પ્રત્યાઘાતો આપી રહ્યાં છે.
ભારતના ચૂંટણીપંચ પર થયેલા આક્ષેપો અને ચૂંટણીપંચની વિશ્વસનિયતા તથા તટસ્થતા સામે ઉઠાવેલા સવાલોને લઈને પ્રમોદ તિવારી કહે છે કે, રાહુલ ગાંધીએ રજૂ કરેલા તથ્યોને ગંભીરતાથી લઈને ચૂંટણીપંચે વલણ બદલવું જોઈએ...?
એનડીએના નેતાઓ કહે છે કે, વિદેશની ધરતી પર જઈને ભારતીય બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાના બદલે રાહુલ ગાંધીએ કાંઈ વાંધો કે ફરિયાદ હોય તો દેશની સુપ્રિમ કોર્ટમાં જવું જોઈએ. બીજી તરફ મુર્શીદાબાદ કેસ અને પશ્ચિમ બંગાળના મુદ્દે થતી સુનાવણી દરમિયાન ખુદ સુપ્રિમકોર્ટે કટાક્ષ કર્યો છે કે, અમારા પર સંવૈધાનિક મર્યાદાઓ ઓળંગી જવાની આક્ષેપબાજી થઈ રહી છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન સ્થાપવાનો આદેશ કેવી રીતે આપી શકીએ...?
મૂળ વિવાદ નિશિકાંત દુબેએ તાજેતરના સુપ્રિમકોર્ટમાં વકફ બિલના મુદ્દે થયેલી સુનાવણી પછી સુપ્રિમકોર્ટ પર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા પછી ઊભો થયો હતો, અને ભાજપના આ બોલ સાંસદના નિવેદન સાથે ભાજપ સહમત નથી, અને તે તેના અંગત નિવેદનો છે, તેવી ચોખવટ ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કરવી પડી હતી. તે પછી કોંગી નેતા દિગ્વિજયસિંહે નિશિકાંત દૂબે (મોદીની ગુડબૂકમાં આવીને) મંત્રી બનવા માંગતા હોવાનું નિવેદન કર્યુ હતું. તે પછી સંસદ, સરકાર અને સુપ્રિમકોર્ટની સત્તાઓ અંગેની ચર્ચા ટોક ઓફ ધી નેશન બની ગઈ હતી.
સંસદ સર્વોપરિ કે સુપ્રિમકોર્ટ...? એવો સવાલ આ પહેલા ભૂતકાળમાં પણ ઘણી વખત અને લાંબાગાળા માટે ચર્ચાયો હતો. ખાસ કરીને અલ્હાબાદ હાઈકોર્ટના એક ચૂકાદા પછીનો ઘટનાક્રમ, કટોકટીકાળ અને તે પછી મોરારજી દેસાઈના શાસન સમયે શાહ કમિશનની નિમણૂક, તે પછી શાહબાનું કેસમાં સંસદ અને સુપ્રિમકોર્ટનો ઘટનાક્રમ, અયોધ્યા કેસ, તાજેતરના ઈલેકશન બોન્ડનો કેસ અને હવે રાજયપાલ-રાષ્ટ્રપતિની સત્તામર્યાદાઓ અંગે સુપ્રિમકોર્ટના આદેશો તથા સંસદે પસાર કરેલા અને રાષ્ટ્રપતિએ મંજૂર કરેલા વકફ બિલને લઈને એ જ સવાલ ફરીથી ઉઠવા લાગ્યો છે કે આપણા દેશના બંધારણ મુજબ સંસદે ઘડેલા કાયદાને ધરમૂળથી રદ્દ કરવાની સત્તા સુપ્રિમકોર્ટ પાસે છે ખરી...?
આ બંધારણીય પ્રશ્ને બંધારણીય નિષ્ણાતોના અભિપ્રાયો વહેંચાયેલા છે. કેટલાક તદ્વિષયક તજજ્ઞો અને વિખ્યાત ધારાશાસ્ત્રીઓ તો વિવિધ રાજકીય વિચારધારા કે રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે, તેથી તેઓના અભિપ્રાયો તો રાજકીય દૃષ્ટિકોણ મુજબના જ હોય, અને સ્વાભાવિક છે, પરંતુ બિનરાજકીય નિષ્ણાતો, રાજકીય ક્ષેત્રના તજજ્ઞો, મીડિયામેનો અને બંધારણીય - કાનૂની નિષ્ણાતોના અભિપ્રાયો પણ આ મુદ્દે વહેંચાયેલા છે, તેથી હવે સુપ્રિમકોર્ટમાં હવે પછી થનારી સુનાવણીઓ પછી જ આ મુદ્દે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
સુપ્રિમકોર્ટને બંધારણે ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોના રક્ષણની જવાબદારી સોંપી છે, તેવી જ રીતે ન્યાયતંત્ર, ધારાગૃહો એટલે કે સંસદ તેના હેઠળ સરકાર તથા વિપક્ષો અને વહીવટીતંત્રની વચ્ચે સુદૃઢ સંકલન રહે અને લોકશાહીના આ ત્રણેય ઘટકો એકબીજાના કાર્યક્ષેત્ર કે સત્તાઓ પર અતિક્રમણ ન કરે, એકબીજાના નિર્ણયોનું સન્માન કરે અને વિવાદાસ્પદ કે મતમતાંતર ધરાવતા મુદ્દાઓ ઘર્ષણમાં ઉતરીને નહીં, પણ પરસ્પર મંત્રણા કરીને કે મર્યાદામાં રહીને ઉકેલે તેવી વિભાવના પણ બંધારણ નિર્માતાઓની રહી હતી. જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial